રાજસ્થાનમાં ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા પાંચનાં મોત, ૮ ઘાયલ
જયપુર: રાજસ્થાનના ઉદયપુરમાં આજે એક ટ્રકે ટેમ્પોને ટક્કર મારતાં ચાર મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય આઠ લોકો ઘાયલ થયાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે ગોગુંડા-પિંડવાડા નજીક હાઇવે પર આ અકસ્માત થયો હતો. ઉદયપુરના પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે જણાવ્યું હતું કે, ટેમ્પો સલેરિયા ગામમાંથી મુસાફરોને લઈને હાઇ-વે પર પ્રવેશ્યો ત્યારે ટ્રક તેની સાથે અથડાઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવરે ઢાળ પર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે તે ટેમ્પો સાથે અથડાઈ હતી.
આપણ વાંચો: ધારાવી-માહિમ જંકશન પર મોટો અકસ્માત, ટ્રેલરે કાબૂ ગુમાવ્યો અને વાહનોને ટક્કર મારી
અકસ્માત વખતે ટેમ્પોમાં ૧૩ મુસાફર હતા, જેમાંથી ચાર મહિલા – પુષ્પા ગરાસિયા (૪૦), મંજુબાઈ ગરાસિયા (૨૫), કસ્તુબાઈ ગરાસિયા (૪૫), મમતા ગરાસિયા (૨૨)નું ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મમતાના પુત્ર તુમારામ (૨)નું હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયું હતું, પોલીસે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે આઠ ઘાયલને ઉદયપુર રીફર કરવામાં આવ્યા છે.