નેશનલ

ભારત અને શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ શરૂ, વડા પ્રધાન મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કહી આ આ વાત

આજે શનિવારથી તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસ શરુ કરવામાં આવી. ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન મોદીએ આ ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું.

ભારત-શ્રીલંકા સંબંધો પર તેમણે કહ્યું, ‘ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે. અમે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજદ્વારી અને આર્થિક સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. આ ફેરી સર્વિસ એ તમામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને જીવંત બનાવે છે.

પીએમ મોદીએ કહ્યું, ‘કનેક્ટિવિટી માટેનું અમારું વિઝન ટ્રાન્સપોર્ટ સેક્ટરથી આગળ છે. UPIને કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટ જીવનનો એક માર્ગ બની ગયો હોવાથી, અમે UPI અને લંકા પેને જોડીને ફિનટેક સેક્ટર કનેક્ટિવિટી પર કામ કરી રહ્યા છીએ.’

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ તેને ભારત અને શ્રીલંકા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. શ્રીલંકામાં ગૃહ યુદ્ધને કારણે બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ હતી, પરંતુ હવે ફરી એકવાર કનેક્ટિવિટી વધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘મેં આ વિશે પીએમ મોદી સાથે વાત કરી અને હું તેમનો અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો તેમની ભૂમિકા માટે આભાર માનું છું.’

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગોના પ્રધાન સર્બાનંદ સોનોવાલે તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સેવાને લીલી ઝંડી આપી હતી. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે આ ઉદ્ઘાટનને ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચે સંપર્ક માટે એક મોટું પગલું ગણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button