બીડમાં એક સમુદાયના અધિકારીઓ વહીવટીતંત્ર પર પ્રભુત્વ ધરાવે છે: ભાજપના વિધાનસભ્યનો દાવો
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે ગુરુવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ‘માત્ર એક સમુદાય’ના અધિકારીઓ લાંબા સમય સુધી મોટાભાગના સરકારી હોદ્દા પર રહ્યા છે જેના કારણે અન્ય સમુદાયોને લાગે છે કે તેમની અવગણના થઈ રહી છે. જોકે, તેમણે કોઈ સમુદાયનું નામ લીધું નથી.
‘બીડ જિલ્લામાં મોટાભાગના મુખ્ય સરકારી હોદ્દાઓ પર ફક્ત એક જ સમુદાયના અધિકારીઓએ કબજો જમાવ્યો છે…. સરકારે એક માળખાનું પાલન કરવું પડે છે, પરંતુ ફક્ત એક જ સમુદાયના અધિકારીઓની ભીડ દર્શાવે છે કે અહીં આ માળખાનું બિલકુલ પાલન થઈ રહ્યું નથી,’ એમ વિધાનસભ્યે પત્રકારોને જણાવ્યું હતું.
આપણ વાંચો: બીડ જિલ્લામાં એક જ દિવસમાં બે અકસ્માતમાં 8ના મોત: દર્દીને લઇ જઇ રહેલ એમ્બ્યુલન્સનો ભીષણ અકસ્માત
ધસનું આ નિવેદન ગયા મહિને મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાની પૃષ્ઠભૂમિ સામે આવી છે. દેશમુખ મરાઠા સમુદાયના હતા, પરંતુ આ કેસમાં આરોપીઓ વણઝારી સમુદાયના છે.
વિપક્ષ દ્વારા રાજ્યના પ્રધાન ધનંજય મુંડેને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે તે વિશે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મેં ક્યારેય તેમનું નામ લીધું નથી કે તેમનું રાજીનામું માગ્યું નથી.
ભાજપના વિધાનસભ્યે એવી પણ માહિતી આપી હતી કે તેમમે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને એવી માગણી કરી છે કે કરાડને 31 ડિસેમ્બરે કોર્ટમાં લઈ જવામાં આવ્યો ત્યારે રાજ્ય સરકાર તરફથી બાજુ માંડવાનો ઈનકાર કરનારા સરકારી વકીલને હટાવવામાં આવે.
તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમુખ હત્યા, ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સામેનો ખટલો બીડ જિલ્લામાં ન ચાલવો જોઈએ કેમ કે આ લોકો તપાસને પ્રભાવિત કરી શકે છે. તેમને કાં તો છત્રપતિ સંભાજીનગરની હરસુલ જેલમાં અથવા તો નાશિક જેલમાં મોકલવા જોઈએ. (પીટીઆઈ)