સોનામાં રૂ. 390ની અને ચાંદીમાં રૂ. 500ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથીસો)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવમાં ગત 13મી ડિસેમ્બર પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાયા બાદ આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈના ટેકે લંડન ખાતે સત્રના આરંભે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં તેમ જ સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાની આગેકૂચ જળવાઈ રહેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 389થી 390નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 500નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 500 વધીને રૂ. 87,667ના મથાળે રહ્યા હતા.
આપણ વાંચો: Gold Price Today: યુએસ ફેડના નિર્ણય પૂર્વે સોનાના ભાવમાં થયા ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ
વધુમાં આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 389 વધીને રૂ. 77,159 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 390 વધીને રૂ. 77,469ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી માગ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલીને ટેકે હાજર ભાવમાં ગત 13મી ડિસેમ્બર પછીનો સૌથી મોટો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ 0.3 ટકાની નરમાઈ હોવાથી હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 2655.38 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ 0.1 ટકા વધીને આૈંસદીઠ 2670.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 1.3 ટકા જેટલો વધારો થયો છે. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ પણ 0.1 ટકા વધીને આૈંસદીઠ 29.59 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
આપણ વાંચો: Gold Price Today: લગ્નન સિઝનની ખરીદી ઘટતા સોનાના ભાવમાં થયો ફેરફાર, જાણો લેટેસ્ટ ભાવ…
તાજેતરમાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે અને જો ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળશે તો સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે, એમ કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.
વધુમાં આગામી 20મી જાન્યુઆરીએ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ હોદ્દો અખત્યાર કર્યા બાદ તેની પ્રસ્તાવિત ટેરિફ નીતિઓ ફુગાવા પ્રેરિત અને વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉર સર્જાય તેવી હોવાથી હાલ બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ છે.
આ સિવાય રાજકીય-ભૌગોલિક સ્તરે જોઈએ તો ઈઝરાયલે કરેલા હુમલામાં ગાઝામાં 68 પેલેસ્ટાઈનીઓના મોત થયાના અને રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ડ્રોન હુમલો કરતાં બે જિલ્લામાં ભારે નુકસાની થઈ હોવાના અહેવાલ છે. આમ સોનાને રાજકીય-ભૌગોલિક તણાવને કારણે પણ ભવિષ્યમાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે.
આપણ વાંચો: Gold Price : જાણો.. સોનાના રોકાણકારો માટે વર્ષ 2025 કેવું રહેશે
વધુમાં આર્થિક મોરચે જોઈએ તો રોકાણકારોની નજર આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટા અને ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સ પર રોકાણકારોની નજર રહેશે કેમ કે આ ડેટાની અસર આગામી 28-29 જાન્યુઆરીના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકના નિર્ણયો પર પડશે.
એકંદરે વર્ષ દરમિયાન સોનાના ભાવ પર વૈશ્વિક પરિબળોની અસર જોવા મળશે તેમ છતાં ભાવમાં મક્કમ ગતિએ વૃદ્ધિ જળવાઈ રહેશે, એમમાઈનન્ડ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર જુલીઆ ખાન્દોસ્કોએ જણાવ્યું હતું.