અમદાવાદ: આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2025’ને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ’ના ઉદ્ઘાટન બાદ મુખ્ય પ્રધાન સહિત તમામ મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ગત વર્ષે 20 લાખથી મુલાકાતી
ગયા વર્ષે ફ્લાવર શૉમાં અંદાજિત 20 લાખથી વધુ લોકો એ મુલાકાત લીધી હતી. આ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખતા તેનાથી વધારે લોકો મુલાકાત લેશે તેવી અપેક્ષા છે. ગત વર્ષ ફ્લાવર શૉ એ 400 મિટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
શું છે ફ્લાવર શોનાં આકર્ષણ?
‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ આ વખત 6 ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલ, 50થી વધુ પ્રજાતી તેમજ 30થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે.
ઝોન-1 દેશની વૃદ્ધિ અને વિકાસ
ઝોન-1 દેશની વૃદ્ધિ અને વિકાસ પર છે. આ ઝોનમાં ભારતની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને હરિયાળા ભવિષ્યને વિભિન્ન પ્રતિમાઓ દ્વારા સિમ્બોલિક રીતે દર્શાવવામાં આવ્યું છે. હાથી, કમળ, વાઇબ્રન્ટ આર્ચીસ, કેનોપી ક્લસ્ટર, કોણાર્ક ચક્ર, સુ-શાસનના ૨૩ વર્ષ, ફાઇટિંગ બુલ્સ અને બાળકો માટે આકર્ષણો આ ઝોનને વધુ સુંદર બનાવે છે.
ઝોન 2 સર્વ સમાવેશીપણું અને સસ્ટેનીબીલિટી
ઝોન 2 સર્વ સમાવેશીપણું અને સસ્ટેનીબીલિટી પર છે. જેમાં ભારતની વિવિધતામાં એકતાના ભાવને તેમજ વિવિધતા સાથે સસ્ટેનિબિલિટીને પ્રદર્શિત કરતા વિભિન્ન પ્રદર્શનોની સુંદર રજૂઆત કરવામાં આવી છે. વાઘ, મોર, ગ્રેટર ફ્લેમિંગો, કહારી ઊંટ, ઍશિયાટિક સિંહ અને કેન્યોન વોલ આ ઝોનના આકર્ષણનું કેન્દ્ર છે.
ઝોન 3 ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જ
ઝોન 3 સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ પર છે. ભારત આજે ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાના નિવારણમાં સમગ્ર વિશ્વને નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે ત્યારે તેનું પ્રદર્શન આ ઝોનમાં કરવામાં આવ્યું છે. બટરફ્લાય, સીગલ (Seagull), મરમેઇડ ( Mermaid ) અને ફ્લાવર ફોલ વોલ્સ આ ઝોનને વિશિષ્ટ બનાવે છે.
ઝોન 4માં સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન
ઝોન 4માં સંસ્કૃતિ અને વારસો જોવા મળશે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનુ સુંદર પ્રદર્શન તેમજ તેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ જોવા મળશે. બૃહદીશ્વર મંદિર, નંદી, માનસ્તંભ, યુનેસ્કો ગ્લોબ અને ગરબા આપણાં સ્વર્ણિમ ઈતિહાસ અને સંસ્કૃતિની પ્રતિકૃતિ કરાવે છે.
ઝોન 5માં ફ્લાવર વેલી
ઝોન 5માં ફ્લાવર વેલી જોવા મળશે. ભારતની પ્રાકૃતિક સુંદરતાને પ્રદર્શન કરતા આ ઝોનમાં હોર્નબિલ અને ફ્લાવર વેલી આના વિશેષ આકર્ષણ છે.
ઝોન 6માં ભારતના ભવિષ્યનો માર્ગ
ઝોન 6માં ભારતના ભવિષ્યનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે. તેમાં ઓલિમ્પિક 2036ની યજમાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ – ધ યુનિટી બ્લોસમ, મિશન થ્રી મિલિયન ટ્રીઝ – એક પેડ મા કે નામ, ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની ભ્રાંતિ કરાવે છે.
આ પણ વાંચો…ગુજરાતને મળી શકે છે વધુ 10 નવી મહાનગર પાલિકા! રાજ્ય સરકાર વિચારણા
QR કોડ આપશે ફૂલ, સ્કલ્પચરની માહિતી
આ વર્ષે ખાસ રૂપે ઓડિયો ગાઈડ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર કયુઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે. આ વર્ષે ખાસ સ્વરૂપે સોવેનિયર શોપ રાખવામાં આવ્યા છે, જે આવનાર મુલાકાતીઑને એક સુંદર ભેટ સાથે લઈ જવાની તક સાંપડે છે. તદઉપરાંત આ વર્ષે પણ દર વર્ષની જેમ નર્સરી, અન્ય અને ફૂડ સ્ટોલ મુલાકાતીઑના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.