માંડવીના પિયાવા પાસે પૂરપાટ દોડતી કાર નાળાંમાં ખાબકતાં બે યુવાનોના મોત
ભુજ: કચ્છના માંડવી શહેરની ભાગોળે પિયાવા ગામના વાડી વિસ્તારમાં નર્મદા કેનાલ નજીક ગત મધરાત્રે હોન્ડા સીટી કાર પલટી મારી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાન મિત્રોના ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યાં છે.
ઘટના અંગે કોડાય પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ દુર્ઘટના ગત મધરાત્રે સવા બાર વાગ્યાના અરસામાં સર્જાઈ હતી જેમાં પૂરઝડપે જતી હોન્ડા સીટી કારના ચાલકે સંતુલન ગુમાવી દેતાં બેકાબુ બનેલી કાર સેંકડો વખત પલટી મારીને માર્ગની સાઈડના ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારચાલક હિતરાજસિંહ સરદારસિંહ પલ (૨૨) અને સાવન નારણભાઈ ગોસ્વામી (૨૦)ના ગંભીર ઈજાઓથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતાં.
Also read: Kutch: મુંદરાના વડાલા ગામની નદીમાં અસંખ્ય માછલીઓના મોત
હિતરાજ અને સાવન માંડવી જૈન આશ્રમ નજીક આવેલા રિધ્ધિ સિધ્ધિનગરમાં રહેતા પડોશી મિત્રો હતાં. હિતરાજ મૂળ અબડાસાના ખૂઅડા અને સાવન અબડાસાના ધૂફી ગામના વતની હતા. બંને યુવકો અપરિણીત હતા અને તેમના અકાળે મૃત્યુથી પરિવારો ઘેરાં આઘાત શોકમાં ડૂબી ગયાં છે. દુર્ઘટના અંગે હજુ વિધિવત્ ફરિયાદ નોંધાઈ ન હોવાનું કોડાય પોલીસે ઉમેર્યું હતું.