રિષભ પંતને પચાસ મિનિટમાં પાંચ વખત ઈજા થઈ છતાં રમતો રહ્યો!
સિડની: અહીં ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટના પ્રથમ દાવમાં ભારતની 72 રનમાં ચાર વિકેટ પડ્યા બાદ રવીન્દ્ર જાડેજા સાથેની જોડીમાં ટીમ ઇન્ડિયાને મુસીબતમાંથી ઊગારી લેવાની જવાબદારી સમજીને બૅટિંગ કરી રહેલા વિકેટકીપર રિષભ પંતને ઑસ્ટ્રેલિયન બોલર્સે વારંવાર નિશાન બનાવ્યો હતો. લંચ બાદ કુલ 50 મિનિટ દરમ્યાન પંતને પાંચ વખત ઈજા થઈ હતી. પંતને પહેલાં ડાબા હાથ પર કોણીથી ઉપરના ભાગમાં બોલર મિચલ સ્ટાર્કનો ફાસ્ટ બૉલ વાગ્યો હતો જેને લીધે હાથ પર એ જગ્યાએ ખૂબ લોહી જામી ગયું હતું. તેણે ટીમ ફિઝિયોની મદદ લેવી પડી હતી જેમણે દોડી આવીને તેના હાથ પર થોડો મસાજ આપ્યા બાદ જ્યાં ઘા હતો એ ભાગ પર પટ્ટો બાંધ્યો હતો. પંતને થોડી વાર બાદ એ જ ભાગ પર ફરી બૉલ વાગ્યો હતો.
થોડા સમય બાદ સ્ટાર્કનો જ એક બૉલ પંતની હેલ્મેટની ગ્રિલ પર અથડાયો હતો જેમાં પંતને માથા પર જોરદાર ઝટકો લાગ્યો હતો. તેણે તરત જ હેલ્મેટ કાઢી નાખી હતી. બોલર સ્ટાર્ક તેની ખબર પૂછવા તરત તેની પાસે આવી ગયો હતો. જાડેજા પણ પંત પાસે આવી ગયો હતો. હેલ્મેટ પરના ઝટકા બાદ પંતને પેટમાં બૉલ વાગ્યો હતો. દુખાવાને લીધે તે પિચની બહાર જતો રહ્યો હતો અને થોડી જ ક્ષણો બાદ પાછો રમવા આવી ગયો હતો. પેટમાં ફરી એક વાર તેને બૉલ વાગ્યો હતો, પરંતુ લડાયક વૃત્તિનો પંત રમતો રહ્યો હતો.
Also read: IND vs AUS 5th Test: વિરાટ સુધારવાનું નામ નથી લઇ રહ્યો! 5મી ટેસ્ટમાં ફરી એ જ રીતે આઉટ થયો
સ્ટાર્ક ઉપરાંત સ્કૉટ બૉલેન્ડ તેમ જ પૅટ કમિન્સના હુમલાઓનો પણ ફાઇટર પંતે હિંમતથી સામનો કર્યો હતો.
થોડી મિનિટો બાદ (ટી-ટાઈમ પહેલાં) પંતને ગુપ્તાંગ પર બૉલ વાગ્યો હતો. ટી-ટાઈમમાંથી પાછા રમવા આવેલા પંત પર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સનો આતંક ચાલુ જ હતો જેમાં એક બૉલ તેને સાથળ પર વાગ્યો હતો.
છેવટે 98 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી બનાવેલા 40 રનના પોતાના સ્કોર પર પંત આઉટ થયો હતો. બૉલેન્ડના બૉલમાં તે મિડ-ઑન પર કમિન્સને આસાન કૅચ આપી બેઠો હતો. જાડેજા સાથે પાંચમી વિકેટ માટે પંતે 48 રનની ભાગીદારી કરી હતી. એ પછીના જ બૉલ પર નીતીશ રેડ્ડી પણ કૅચઆઉટ થયો હતો. એ બન્નેની વિકેટ વખતે ભારતનો સ્કોર 120 રન હતો. એ તબક્કે ભારતની છમાંથી ચાર વિકેટ બૉલેન્ડે લીધી હતી.