આમચી મુંબઈ

મુંબઇના ટ્રાફિકથી કંટાળીને હૃતિક રોશને કરી મેટ્રોની સવારી: ફેન્સ સાથેનો ફોટો કર્યો શેર

મુંબઇ: મુંબઇમાં લોકોને રોજેરોજ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ અને ખાડાઓને કારણે મુંબઇગરાને ભારે કનડગત થતી હોય છે. ટ્રાફિકને કારણ સમય પણ ખૂબ વેડફાય છે. સામાન્ય નાગરીકો સહિત સેલિબ્રિટીઝને પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે હવે જાણીતા અભિનેતા હૃતિક રોશને પણ ટ્રાફિકથી કંટાળીને મેટ્રો ટ્રેનથી પ્રવાસ કર્યો હતો.

અભિનેત્રી હેમા માલીનીએ થોડા દિવસો પહેલાં મેટ્રોથી પ્રવાસ કર્યો હતો.. ત્યારે હવે હૃતિક રોશને પણ મેટ્રોથી પ્રવાસ કર્યો છે. હૃતિકને મેટ્રોમાં જોઇને ચાહકોની ખૂશીનો પાર નહતો રહ્યો. અભિનેતાએ પણ કોઇને નિરાશ ના કરી બધા સાથે વાત કરી ફોટો પડાવ્યો હતો. હૃતિકે શુટ પર વહેલાં પહોંચવા માટે મેટ્રોથી મુસાફરી કરી હતી.

હૃતિક રોશને જાતે જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મેટ્રોની મુસાફરી દરમિયાનના ફોટો અને વિડીયો શેર કર્યા છે. આ વિડીયોમાં તે વયસ્કો સાથે પણ ખૂબ માન પૂર્વક વાત કરતો દેખાય છે. ફોટો અને વિડીયો શેર કરીને હૃતિકે લખ્યું છે કે, આજે શૂટ પર જવા માટે મેટ્રોથી મુસાફરી કરી હતી. મુસાફરી દરમીયાન અનેક સ્વીટ લોકો સાથે મુલાકાત થઇ. તેમણે ખૂબ જ પ્રેમથી મારા ખબર અંતર લીધા. મેટ્રોની સફર ખરેખર ખૂબ જ કમાલ હતી. ગરમી અને ટ્રાફિકથી કંટાળીને મેં મેટ્રોથી મુસાફરી કરવાનો નિર્ણય લીધો હતો.

હૃતિક રોશન તેની આગામી ફિલ્મના એક્શન સિક્વન્સના શૂટ માટે જઇ રહ્યો હતો. અભિનેતા દ્વારા શેર કરવામાં આવેલ મેટ્રોની મુસાફરીની પોસ્ટ પર તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદે પણ ખાસ કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે, LOVE. હેર ડિઝાઇનર આલમ હકિમે લખ્યું કે, ઇન્સ્ટાગ્રામની આજની સૌથી સરસ પોસ્ટ. એક ચાહકે લખ્યું છે કે, આ લોકો આટલાં શાંત કેમ છે? જો તમે મને મળશો તો તો હું ગાંડો જ થઇ જઇશ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button