અમદાવાદની શોભા વધશે; હેલ્મેટ સર્કલ, પકવાન અને નમો-સ્ટેડિયમ પર બનાવાશે વર્ટિકલ ગાર્ડન
અમદાવાદ: સુરતની જેમ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ શહેરમાં વર્ટિકલ ગાર્ડનનો નવો કન્સેપ્ટ અમલમાં મૂકવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્મેટ સર્કલ પાસે આવેલા ફ્લાય ઓવર નીચે મેટ્રો ટ્રેનના પિલ્લર પર સૌપ્રથમ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત શહેરના હેલ્મેટ સર્કલ, સ્ટેડિયમ સામે અને પકવાન સર્કલ પાસે આ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે.
વર્ટિકલ ગાર્ડન બનાવવાનો નિર્ણય
વધી રહેલા પ્રદૂષણને લઈને AMC દ્વારા શહેરમાં ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે. જો કે હવે ઓવરબ્રિજની નીચે, મેટ્રોના પિલ્લર પર વર્ટિકલ ગાર્ડન બનાવવા અંગેનો નિર્ણય AMCએ લીધો છે. તે અંતર્ગત હાલ હેલ્મેટ સર્કલ નજીક વર્ટીકલ ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. મેટ્રોના પિલ્લર પર પણ વિભિન્ન પ્રકારના છોડ-રોપા લગાવવામાં આવશે. શહેરના હેલ્મેટ સર્કલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સામે અને પકવાન સર્કલ પાસે આ વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવશે.
16 નવા ઓપન પાર્ટી પ્લોટ બનાવાશે
ગઇકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જુદા જુદા વિસ્તારોમાં નવા ગાર્ડન અને પાર્ટી પ્લોટ બનાવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ અંતર્ગત અમદાવાદ શહેરમાં 16 નવા ઓપન પાર્ટી પ્લોટ અને 10 નવા મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે દરિયાકાંઠાના- કિચડીયા પક્ષી ગણતરીનો આજથી પ્રારંભ
મકરબા ઓવરબ્રિજનું લોકાર્પણ
શહેરના મકરબા નજીક ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેની કામગીરી પૂર્ણ થઈ જતા જૂન મહિનામાં ઓવરબ્રિજનું લોકર્પણ કરવામાં આવશે. આ બ્રિજનો સીધો લાભ 1 લાખથી વધુ લોકોને મળવાનો છે. ભૂતકાળમાં આ ઓવરબ્રિજ બનાવવા ટેન્ડર અને ડિઝાઇન બનાવવાની પ્રક્રિયા કરાઈ હતી. હાલમાં બ્રિજ બનીને તૈયાર થવા જઈ રહ્યો છે.