આપણું ગુજરાત

આદિપુરના ચકચારી એટીએમ લૂંટ કેસના બે ખૂનખાર આરોપીને દસ વર્ષની કેદ

ચાર વર્ષે ધાક બેસાડે એવો ચુકાદો

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: પાંચ વર્ષ અગાઉ પૂર્વ કચ્છના ગાંધીધામ સંકુલમાં આવેલાં આદિપુર શહેરના વિનય સિનેમા પાસે આવેલા ખાનગી બૅન્કના એટીએમ મશીનમાં રોકડ લોડ કરી રહેલા કર્મચારીઓ ઉપર સરાજાહેર આડેધડ ગોળીબાર કરી લૂંટારુઓએ રૂ. ૩૪ લાખની કરેલી લૂંટના ચકચારી પ્રકરણમાં સામેલ બે આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદની સજાનો ધાક બેસાડતો ચુકાદો અદાલતે આપ્યો છે.

આદિપુરમાં વિનય સિનેમા સામે આવેલા એક્સીસ બૅન્કના એટીએમમાં પૈસા ભરવા આવેલા કર્મચારીઓ ઉપર ૨૯મી ઑક્ટોબર, ૨૦૧૮માં ફાયરિંગ સાથે હુમલો થયો હતો. રાહુલ ઉર્ફે કુલદીપ ઉર્ફે રામ મલુકરાજ વીજ (પંજાબી), ધર્મેન્દ્ર ચાંદરામ જાટ અને રવીન્દ્ર દયાનંદ જાટ નામના આરોપીઓએ દિલ્હી-અંબાલા ધોરીમાર્ગ પરથી લૂંટેલી કારથી અંજારના વરસામેડીમાં રિન્કુ સજજનસિંઘ ધાનશનાં મકાને આવ્યા હતા.

આ તમામ આરોપીઓએ આદિપુરના એક્સીસ બૅન્કના એટીએમમાં રૂપિયા ભરવા આવતા કર્મીઓ પર હુમલો કરી, લૂંટ કરવાનું કાવતરું ઘડયું હતું, જે માટે આ શખસોએ ત્યાં દિવસો સુધી રેકી પણ કરી હતી. બનાવના દિવસે ઢળતી બપોરે બૅન્કના એટીએમમાં રૂપિયા ભરવા આવેલા કર્મચારીઓ રોકડ રકમ ભરેલી પેટી, બેગ ઉતારી એટીએમ મશીન તરફ જઈ રહ્યા હતા તે સમયે ઘાત લગાવીને બેઠેલા લૂંટારાઓએ રિવોલ્વરથી આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં હેમંત રામી અને ગાર્ડ મિસરીલાલને ગોળી વાગી હતી. લૂંટારુઓ રૂા. ૩૪ લાખ ભરેલી પેટીની લૂંટ કરી કારમાં સવાર થઇ નાસી ગયા હતા.

આરોપીઓએ વરસામેડીની એક સોસાયટીમાં પકડવા ગયેલી પોલીસ ઉપર પણ ફાયરિંગ કર્યું હતું. તે વખતે પોલીસે જીવ જોખમમાં મૂકીને ફિલ્મીઢબે લૂંટારુઓને પકડી પાડયા હતા. પકડાયેલા રાહુલ ઉર્ફે કુલદીપ અને ધર્મેન્દ્ર સામે ગત ૧૦મી મે ૨૦૧૯ના રોજ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઇ હતી, જ્યારે રવીન્દ્ર જાટ નામનો શખસ પાછળથી
પકડાયો હતો.

આ કેસ ગાંધીધામની અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો, જેમાં તમામ આધાર-પુરાવા, મૌખિક દલીલો વગેરે ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ એ.એમ. મેનને આરોપી રાહુલ તથા ધર્મેન્દ્ર જાટને તક્સીરવાર ઠેરવી, બંનેને જુદી જુદી કલમો તળે ૧૦ વર્ષની સખત કેદની સજા તથા બંનેને રૂ. ૧૫૦૦૦ના દંડનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત