લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, ‘એક હાથ સે સોના દો, દૂસરે હાથ સે રૂપિયા લો’
સુરતના જ્વેલર્સને સસ્તા સોનાની લાલચે ભુજ બોલાવી સિકંદર સોઢાની ચીટર ગેંગે ૩૧.૬૦ લાખ પડાવી લીધા
ભુજઃ ફેસબુક પર સસ્તા સોનાના નામે લોકોને લલચાવીને ભુજ બોલાવી લાખ્ખો રૂપિયાની ઠગાઈ આચરતી ભુજની સિકંદર ઊર્ફે સિકલો જુસબ સોઢાની ચીટર ગેંગના કારનામા સમયાંતરે બહાર આવતાં રહે છે. આ કુખ્યાત ટોળકીએ સુરત શહેરના જ્વેલર્સને સસ્તા સોનાના નામે ભુજ બોલાવી, બંધક બનાવીને ૩૧.૬૦ લાખ રૂપિયા ઝૂંટવી લીધા હોવાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.
સુરતના રમેશ પ્રજાપતિ ( ઉ.વ.૪૯ )એ ભુજ એ ડિવિઝન પોલીસને જણાવ્યું હતું કે, તેના બે પુત્રો મયૂર અને હર્ષદ તથા નાના ભાઈ વિપુલનો પુત્ર મિતેષ સુરતમાં જ્વેલરી શોપ ચલાવે છે. એકાદ માસ અગાઉ મિતેષે સોનાની ખરીદી સંબંધી વિગતો માટે ઈન્ડિયામાર્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.ત્યારબાદ બાદ મિતેષને ભુજથી પ્રણવ સોની નામના વ્યક્તિએ ફોન કરી બજારભાવ કરતાં ૨૦થી ૨૫ ટકા ઓછાં ભાવે સોનુ વેચતો હોવાનું જણાવ્યું હતું.
આ ચીટરના વિશ્વાસમાં આવી જઈને રમેશના પુત્રો-ભત્રીજાએ બચતના પડેલાં ૧૧ લાખ રૂપિયા તથા પોતાના અને પરિચિતો પાસેથી ૩૦ તોલા સોનુ સુરતની બેન્કમાં ગીરવે મૂકી ૧૯ લાખ રૂપિયાની ગોલ્ડ લોન લઈ ૩૧.૬૦ લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને ગત ૩૦મી ડિસેમ્બરની સવારે ફરિયાદી, તેમના બે પુત્રો, નાનો ભાઈ વિપુલ અને તેનો પુત્ર મિતેષ તથા તેમની દુકાનનો સુવિકા માજી નામનો કારીગર ટ્રેન મારફતે ભુજ આવ્યાં હતાં.
ભુજમાં આવીને તેમણે પ્રણવ સોની નામના શખ્સને ફોન કરતાં તેણે મોકલેલી કારમાં રમેશ, તેમનો પુત્ર મયૂર અને સુવિક બેઠા હતા. ડ્રાઈવર સીધીક સાલમામદ ફકીર ત્રણેને તૈયબા ટાઉનશીપના એક મકાનમાં લઈ ગયો હતો જ્યાં સિકંદર સોઢાએ તેમને મળીને ૧ કિલો સોના પર ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઓફર આપી હતી. વાતચીત કર્યાં બાદ ત્રણે જણ પરત ફર્યાં હતા અને બપોર બાદ રૂપિયા આપીને ગોલ્ડ ખરીદવાનું નક્કી કર્યું હતું. બપોર બાદ રૂપિયા લઈને રમેશભાઈનો ભત્રીજો મિતેષ, પુત્ર હર્ષદ અને નાનો ભાઈ વિપુલ તે જ કારમાં બેસીને તૈયબા ટાઉનશીપમાં સોનુ ખરીદવા ગયા હતા. જતી વખતે મિતેષે તેના ફોનમાં લાઈવ લોકેશન ઓન કરીને મયૂરના ફોન પર વોટસએપ કરી દીધું હતું.
ત્રણે જણને મકાનમાં બેસાડીને સિકંદર સોઢાએ રૂપિયા આપી દો, માલ તમને થોડીકવાર પછી મળી જશે તેમ કહેતાં ત્રણે જણે ‘એક હાથ સે સોના દો, દૂસરે હાથ સે રૂપિયા લો’ કહેતાં સિકંદર ગુસ્સે થઈ ગયો હતો. તેણે રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી અને ‘ગોલ્ડ લઈને આવીએ છીએ, અહીં જ બેસો’ કહીને ત્રણેયને અંદર પૂરી દેવા ડ્રાઈવર સીધીક સાથે ઘરને તાળું મારીને બહાર નીકળી ગયો હતો.
શંકા જતાં વિપુલે મોટાભાઈ રમેશને ફોન કરી પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જણાવી લાઈવ લોકેશનમાં દર્શાવાતાં સ્થળ પર આવી પહોંચવા જણાવ્યું હતું. થોડીકવાર પછી ત્રણે જણે દરવાજો ખખડાવતાં અડોશપડોશમાં રહેતી મહિલાઓએ દરવાજો ખોલ્યો હતો. બહાર નીકળ્યાં બાદ તેમણે સિકંદરને ફોન કરતાં તેણે તેમને આરટીઓ સર્કલ બોલાવ્યાં હતાં. આરટીઓ પહોંચ્યા ત્યારે બે અલગ અલગ મોપેડ પર બે યુવકો તેમની વૉચ કરતાં હોવાનું તેઓ પામી ગયા હતા. આરટીઓ પહોંચ્યા બાદ સિકંદરે તેમને સ્મૃતિવન સામે ઝાંસીના પૂતળા પાસે બોલાવેલાં અને આમ કરતાં કરતાં તેમને છેક અમદાવાદ પહોંચાડી દીધાં હતાં.
અમદાવાદ પહોંચ્યા બાદ સિકંદરને ફોન કરતાં તેણે ‘સોનુ પણ નહીં મળે અને રૂપિયા પણ નહીં મળે, તમારાથી થાય તે કરી લો, જેને કહેવું હોય તેને કહી દો, હર્ષ સંઘવીને પણ કહેવું હોય તો કહી દેજો તેનાથી કંઈ નહીં થાય અને ફરિયાદ કરી તો પતાવી દઈશું’ તેવી ધમકી આપી હતી.
ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસે રીઢા ચીટરોનો ફોટો બતાડતાં આરટીઓ પાસે પીછો કરીને વૉચ કરનારાં આરીફ ઓસમાણ ફકીર અને રહીમ ફકીરમામદ સંઘાર હોવાનું સ્પષ્ટ થયું હતું. ભુજ એ ડિવિઝન પોલીસે પ્રણવ સોની નામ ધારણ કરીને ફોન પર લાલચ આપનાર શખ્સ, સીધીક ફકીર, સિકંદર સોઢા, આરીફ ફકીર અને રહીમ સંઘાર મળી પાંચ લોકો સામે પૂર્વ આયોજીત ગુનાહિત ષડયંત્ર ઘડીને, મકાનમાં બંધક બનાવી ૩૧.૬૦ લાખ રૂપિયાની લૂંટ અને ઠગાઈ કરી મારી નાખવાની ધમકી આપ્યા સહિતની વિવિધ ભારેખમ કલમો તળે ગુનો નોંધી આરીફ અને રહીમને રાઉન્ડ અપ કર્યાં હતાં.