
ગાંધીનગર: ગૃહ વિભાગ દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના એક અલગ પોલીસ સ્ટેશન બનાવવાની મંજૂરી આપી છે. ટૂંક સમયમાં SMC માટે એક અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે અને તે એક રાજ્ય કક્ષાનું એક જ પોલીસ સ્ટેશન હશે.
શું કામગીરી કરે છે SMC?
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ગુજરાત પોલીસની વિશેષ શાખા છે. તેની પ્રાથમિક જવાબદારીઓમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મહાનિરીક્ષકને સહાય પૂરી પાડવા માટે અમલીકરણ, સંકલન, સંશોધન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. SMCની મુખ્ય પ્રવૃત્તિઓ ગુજરાત પ્રોહિબિશન એક્ટ (સુધારા) 2017 અને જુગાર નિવારણ અધિનિયમ 1887 ના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. SMC રાજ્યવ્યાપી દરોડા પાડે છે અને સમગ્ર ગુજરાતમાં અધિકારક્ષેત્રનો ઉપયોગ કરે છે.
રાજ્યમાં વર્ષ 2024 દરમિયાન કરોડો રૂપિયાનો દારુ SMCએ ઝડપી પાડયો છે. SMCએ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 455 કેસોની કાર્યવાહી દરમિયાન 22.51 કરોડથી વધુનો દારૂ પકડી પડ્યો છે. જેમાં પોલીસે કુલ 51.93 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 4 મેટ્રો સિટીમાંથી 2.60 કરોડથી વધુનો દારૂ પકડાયો છે. સૌથી વધુ દારૂ વડોદરા શહેર વિસ્તારમાંથી ઝડપાયો છે.