મુખ્ય પ્રધાનને મળતી ભેટ-સોગાદોનું ઈ-ઓક્શન થકી વેચાણથી 36.97 લાખ જમા; કન્યા કેળવણીમાં વપરાશે
ગાંધીનગર: કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ દીકરીઓને શિક્ષણ માટે આર્થિક સહાય આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાનને વર્ષ દરમિયાન મળતી અને તોશાખાનામાં જમા થતી ભેટસોગાદોની હરાજી કરીને, તેના વેચાણમાંથી મળતી આવકને કન્યાઓના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાની પરંપરા શરૂ કરી હતી.
ત્રણ મહિનામાં ₹36 લાખ જમા
તોશાખાનાની વસ્તુઓના વેચાણ માટે પોર્ટલ લૉન્ચ થયું ત્યારથી અત્યારસુધીમાં કુલ 427 વસ્તુઓ હરાજી માટે મૂકવામાં આવી હતી, જે પૈકી 379 વસ્તુઓ પર ₹74,16,937 નું બિડિંગ થયું છે તથા 181 વસ્તુઓના વેચાણથી ₹36,97,376 ઓનલાઈન માધ્યમથી કન્યા કેળવણી નિધિમાં જમા કરવામાં આવ્યા છે. આ પારદર્શક હરાજી પદ્ધતિની નોંધપાત્ર સફળતા દર્શાવે છે.
ઇ-પોર્ટલના માધ્યમથી હરાજી
મુખ્ય પ્રધાનને જાહેર સમારંભો તથા વિવિધ પ્રવાસ-મુલાકાતો દરમિયાન મળતી ભેટ-સોગાદોનું વેચાણ કરીને તેમાંથી મળતી આવકનો ઉપયોગ કન્યા કેળવણી માટે ઉપયોગ કરવા માટે ગત વર્ષે રાજ્ય સરકારે https://cmgujmemento.gujarat.gov.in ઓનલાઈન પોર્ટલ લૉન્ચ કર્યું હતું. આ પોર્ટલનો લાભ લઈને તોશાખાનાની ભેટ-સોગાદ ઇ-ઑક્શનથી ઓનલાઈન ખરીદી શકે છે. ઉલ્લેખનીય છે કે, પહેલાં આવી ભેટ-સોગાદોનું વેચાણ રાજ્ય કક્ષાએ યોજાતા મેળાવડામાં જાહેર હરાજી દ્વારા તથા જિલ્લા કલેક્ટરો દ્વારા જે-તે જિલ્લામાં જાહેર હરાજીથી કરવામાં આવતું હતું.
ઇ-ઑક્શનથી ખરીદવાની પ્રક્રિયા શું છે?
ઇ-ઓક્શનથી ભેટ-સોગાદ ખરીદવા માટે ઇ-હરાજી પોર્ટલમાં ખરીદકર્તાએ નોંધણી કરાવવાની હોય છે અને ત્યારબાદ બિડ સબમિટ કરવાની હોય છે. ઊંચી કિંમતની બિડ પ્રાપ્ત કરનારને ડિજિટલ પેમેન્ટથી કન્યા કેળવણી નિધિમાં પેમેન્ટ કરવાનું હોય છે. ખરીદ કરેલી વસ્તુની ડિલિવરી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (ગરવી) મારફતે સંબંધિત વ્યક્તિને પોસ્ટ દ્વારા કરવામાં આવે છે.