Mahakumbh: પ્રયાગરાજમાં 4,500 ટનનો પુલ કેમ ચર્ચામાં આવ્યો, શું છે વિશેષતા?
પ્રયાગરાજ: મહાકુંભ (Mahakumbh 2025)ને લઈને સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં એક પુલની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે એક પુલ બનાવવા માટે 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે તેની અવધિ પણ માત્ર 60 દિવસની રહેશે. પ્રયાગરાજમાં ગંગા નદી પર એક સ્ટીલ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 4500 ટન સ્ટીલ અને લોખંડ, એક હજાર સ્ટીલના થાંભલાનુ નિર્માણ કરવામાં આવ્યું છે.
426 મીટર લાંબો સ્ટીલ બ્રિજ
આ 426 મીટર લાંબો સ્ટીલ બ્રિજ ગંગા નદી પર બની રહેલા 6 લેન બ્રિજની સમાંતર બનાવવામાં આવી રહ્યો છે. કુંભ મેળો પૂરો થતાં જ આ સ્ટીલ બ્રિજને તોડી પાડવામાં આવશે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પ્રયાગરાજના ફાફામઉમાં ગંગા નદી પર એક પુલ પહેલેથી જ બનાવેલો છે અને બીજાનું બાંધકામ ચાલી રહ્યું છે તો પછી આ સ્ટીલ બ્રિજ બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ?
હકીકતે 26 નવેમ્બર 2020થી ગંગા નદી પર 10 કિલોમીટર લાંબો દેશનો બીજો સૌથી મોટો 6 લેન બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગંગા નદી પર લગભગ 4 કિલોમીટરનો પુલ બનવાનો હતો. શિલાન્યાસ સમયે તેની કુલ કિંમત 980.77 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પુલની કુલ લંબાઈ 9.9 કિલોમીટર છે. દેશના સૌથી આધુનિક પુલ પૈકીના એક આ પુલના નિર્માણ માટે 3 વર્ષનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ આ નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ શક્યું નથી.
પુલનું શા માટે છે મહત્વ?
મહાકુંભ-2025 માટે આ પુલ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. કારણ કે ગંગા નદી પર બનેલો 50 વર્ષ જૂનો પુલ જર્જરિત અવસ્થામાં હતો. બીજું કારણ છે કે કરોડો શ્રદ્ધાળુઓ માટે એક માર્ગથી સંગમ સુધી પહોંચવાનું સરળ નથી. આ બ્રિજ ફેબ્રુઆરી 2024માં તૈયાર થવો જોઈતો હતો, પરંતુ જ્યારે ખબર પડી કે કુંભમેળા સુધીમાં આ બ્રિજ તૈયાર નહીં થાય, ત્યારે વિકલ્પ તરીકે આ સ્ટીલ બ્રિજ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી. હાલ સ્ટીલ બ્રિજ બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ પુલ એક સપ્તાહમાં કાર્યરત થઈ જશે. તાજેતરમાં જ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ પુલનું નિરીક્ષણ કર્યું હતું અને તેને સત્વરે શરૂ કરવા સૂચના આપી હતી.
2 મહિના બાદ તોડી પડાશે પુલ
એન્જિનિયરે જણાવ્યું કે 4500 ટનના આ પુલની પહોળાઈ 16 મીટર છે. આથી, નિર્માણ કાર્યમાં લાગેલી ટીમ બ્રિજના દરેક પિલરની સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આગળ વધી રહી છે. મહત્વની વાત એ છે કે કુંભ પૂર્ણ થયા બાદ આ પુલ તોડી પાડવામાં આવશે. બ્રિજ તોડી નાખ્યા બાદ તેમાં રહેલા 4500 ટન લોખંડનું શું કરવામાં આવશે આ અંગે કંપનીના એન્જિનિયરે જણાવ્યું હતું કે, લોખંડનું શું થશે તે સરકાર અને અમારી કંપનીની સંમતિથી નક્કી કરવામાં આવશે.