અફૅરની શંકા પરથી છોકરીના પિતા અને ભાઈઓએ હુમલો કરતાં સગીરનું મોત
પુણે: પ્રેમપ્રકરણની શંકા પરથી છોકરીના પિતા અને બે ભાઈએ બેરહેમીથી હુમલો કરતાં 17 વર્ષના સગીરનું મૃત્યુ થયું હોવાની ઘટના પુણેમાં બની હતી. પોલીસે છોકરીના પિતા સહિત ત્રણ જણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વાઘોલી વિસ્તારમાં બુધવારની મધરાતે ગણેશ તાંડે (17)ને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર ઇજાને કારણે તાંડેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: પ્રેમપ્રકરણમાં અવરોધ ઊભો કરનારા પતિની હત્યા: પત્ની-પ્રેમી સહિત ત્રણની ધરપકડ
લક્ષ્મણ પાટેકરની પુત્રી સાથે તાંડેની મિત્રતા હતી. તેમની વચ્ચે રોજ વાતચીત પણ થતી. પાટેકર પરિવારે આ મિત્રતાનો વિરોધ કર્યો હતો. આખરે તેની હત્યાની યોજના બનાવાઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બુધવારની મધરાતે 12.30 વાગ્યાની આસપાસ તાંડે મિત્રો સાથે આંટો મારવા નીકળ્યો હતો. રસ્તામાં લક્ષ્મણ અને તેના બે પુત્ર નીતિન તથા સુધીરે તેને રોક્યો હતો. બાદમાં લોખંડના સળિયા અને પથ્થરો વડે હુમલો કરતાં તાંડેએ જીવ ગુમાવ્યો હતો. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.
(પીટીઆઈ)