આમચી મુંબઈ

પ્રદૂષણ મુદ્દે હવે થાણેમાં પાલિકા આક્રમકઃ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી

મુંબઈઃ થાણે મહાનગરપાલિકાએ એર પોલ્યુશન કન્ટ્રોલના નિયમોનું પાલન કરવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી છે, એમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું. આ બિલ્ડરો શો કોઝ નોટિસના સંતોષકારક જવાબો આપવામાં નિષ્ફળ જશે તો તેમને તેમની સાઇટ્સ પર કામ બંધ કરવાનું કહેવામાં આવશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

વધુ જાણકારી આપતા પાલિકા અધિકારીએ જણાવ્યું હતું કે ‘ટીએમસીએ 297 બિલ્ડરોને ધૂળ પ્રદૂષણ નિયંત્રણ માર્ગદર્શિકાનું પાલન કરવા નિર્દેશ આપ્યો હતો. આમાંથી 31 બિલ્ડરે સંપૂર્ણ પણે પાલન કર્યું હતું, જ્યારે 151 બિલ્ડરોને નાની-મોટી ભૂલ બદલ કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમે 39 બિલ્ડરોને કારણદર્શક નોટિસ ફટકારી છે અને તેમને ઉલ્લંઘન માટે સાઇટ્સ પર કામ બંધ કરવાની સંભાવના જણાવી હતી.

આ પણ વાંચો: પ્રદૂષણનું સ્તર માપવા માટે બીએમસી ખરીદશે ચાર મોબાઈલ વૅન…

અધિકારીએ જણાવ્યું હતું કે, વધારાના મ્યુનિસિપલ કમિશનર સંદીપ માળવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ટીએમસીના પર્યાવરણ વિભાગ દ્વારા હવાના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે મૂકવામાં આવેલા વિવિધ પગલાંના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ટીએમસીના એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓ તેમજ મેટ્રો રેલ, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી) અને પોલીસના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: પ્રદૂષણથી છુટકારા માટે BMC હાથ ધરશે આ કામગીરી, જાણો શું છે પ્લાન?

‘કમિશનર સૌરભ રાવના નિર્દેશો પર થાણામાં 50 કન્સ્ટ્રક્શન સાઇટ પર હવાની ગુણવત્તા માપવાના ઉપકરણો બેસાડવામાં આવ્યા છે. કચરો, પ્લાસ્ટિક વગેરે સળગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નવ ફરિયાદ મળ્યા બાદ 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોટેલ વગેરેમાં લાકડાંના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે’, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું. મુખ્ય પર્યાવરણ અધિકારી મનીષા પ્રધાને માહિતી આપી હતી કે હવાના પ્રદૂષણની ફરિયાદોને પગલે વિવિધ સંસ્થાઓને 1 લાખ 70 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button