મહારાષ્ટ્ર

‘એ’ વહાલી બહેનોના દસ્તાવેજોની થશે તપાસ, રાજ્ય સરકારનો મોટો નિર્ણય

અઢી લાખથી વધુ આવક ધરાવતી, બે વખત અરજી કરનારી, અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થઈને લાભ મેળવતી મહિલા પર તવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય કેબિનેટની બેઠકમાં લાડકી બહેન યોજનાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જાહેરાત કરી છે કે લાડકી બહેન યોજનાના અમલ વખતે મળેલી કેટલીક ફરિયાદોને આધારે હવે રાજ્ય સરકાર જેમની આવક અઢી લાખથી વધુ છે તેમની ચકાસણી કરશે. આ ઉપરાંત અન્ય કેટલીક તપાસ કરવામાં આવશે.

‘અમે લાડકી બહેન યોજનાના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરી રહ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર તરફથી કેટલીક ફરિયાદો મળી છે. જેમની પાસે ફોર-વ્હીલર છે તેમની ચકાસણી કરવામાં આવશે. બધાની ચકાસણી કરવામાં આવશે નહીં. જેમના માટે ફરિયાદો મળી હશે, તેમની જ ચકાસણી કરવામાં આવશે. અમને મહિલા લાભાર્થીઓ તરફથી કેટલીક ફરિયાદો મળી છે.
‘લાડકી બહેન યોજના અંગે, અમને એકથી દોઢ મહિનામાં કેટલીક ફરિયાદો મળી છે. અમે આ તમામ ફરિયાદોની નોંધ લીધી છે અને તેની તપાસ કરી રહ્યા છીએ. આ માટે અમે આવકવેરા ખાતા અને આરટીઓ વિભાગની મદદ લેવાના છીએ. ફોર-વ્હીલર્સ વિશે માહિતી મેળવવા માટે,’ એમ તેમણે કહ્યું હતું.

‘જેમની આવક અઢી લાખથી વધુ છે તેમની પણ ચકાસણી કરવામાં આવશે. કેટલીક મહિલાઓ જે લગ્ન પછી રાજ્યની બહાર ચાલી ગઈ છે તેમને લાભ મળશે નહીં,’ એમ તેમણે સમજાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે કેટલીક મહિલાઓએ બે-બે વખત અરજીઓ કરી છે.

મહિલા અને બાળ કલ્યાણ વિભાગને લાડકી બહેન યોજના અંગે મુખ્યત્વે પાંચ પ્રકારની ફરિયાદો મળી હતી
અદિતિ તટકરેએ કહ્યું છે કે ચકાસણી અલગ-અલગ રીતે કરવામાં આવશે. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર તરફથી કેટલીક ફરિયાદો મળી છે જ્યારે કેટલીક ફરિયાદો લાભાર્થી મહિલાઓએ પત્રો લખીને કરી છે કે તેઓ હવે આ યોજના માટે લાયક નથી. અદિતિ તટકરેએ એમ પણ કહ્યું કે મૂળ જીઆરમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

મુખ્ય પાંચ બાબત જેને તપાસમાં લેવાશે:
1) જે મહિલાઓની આવક અઢી લાખથી વધુ છે, પરંતુ યોજનાનો લાભ લઈ રહી છે તેમની અરજીઓની ચકાસણી
2) ફોર વ્હીલર ધરાવતી હોવા છતાં લાભ મેળવનારી મહિલાઓની અરજીઓની ચકાસણી
3) એક જ મહિલા દ્વારા બે અરજીઓ દાખલ કરવામાં આવી હોય તેવા કિસ્સાની તપાસ
4) લગ્ન પછી મહારાષ્ટ્ર રાજ્યમાંથી અન્ય રાજ્યોમાં સ્થળાંતર કર્યું હોવા છતાં લાભાર્થી હોય એવી અરજીઓની ચકાસણી
5) આધાર કાર્ડ અને દસ્તાવેજો પર નામની વિસંગતતા સાથે અરજીઓની ચકાસણી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button