‘મોટી માછલી’ને બચાવવા નાની માછલીઓને મારી શકાય છે: કોંગ્રેસ નેતાનો આરોપ
નાગપુર: બીડમાં સરપંચની હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસમાં મહારાષ્ટ્રના પ્રધાનના સહયોગીની ધરપકડ થયાના થોડા દિવસો પછી, કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એવો ગંભીર દાવો કર્યો હતો કે ‘મોટી માછલી’ને બચાવવા માટે એન્કાઉન્ટરમાં ‘નાની માછલીઓ’ને મારી શકાય છે. જોકે, વડેટ્ટીવારે તેમની ટિપ્પણી અંગે વધુ માહિતી આપી ન હતી.
ગુરુવારે નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા કૉંગ્રેસના નેતાએ બીડના વહીવટીતંત્ર પર પણ નિશાન સાધ્યું હતું અને પૂછ્યું હતું કે શું મહારાષ્ટ્રના એનસીપીના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સહયોગી વાલ્મિક કરાડ માટે પોલીસ સ્ટેશનમાં પલંગ લઈ જવામાં આવી રહ્યા છે.
બીડ જિલ્લામાં સરપંચ સંતોષ દેશમુખની ક્રૂર હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસમાં વોન્ટેડ કરાડે મંગળવારે પુણેમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
આપણ વાંચો: સેના (યુબીટી) નેતાએ બીડની બહાર ટ્રાયલ ચલાવવાની માગણી કરી
મહારાષ્ટ્ર સરકારે બુધવારે દેશમુખની હત્યાની તપાસ માટે 10 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ની રચના કરી હતી.
કરાડ અંગેના પ્રશ્ર્નના જવાબમાં વડેટ્ટીવારે કોઈનું નામ લીધા વિના એવો દાવો કર્યો હતો કે, ‘વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મોટી માછલીઓને બચાવવા માટે એન્કાઉન્ટરમાં નાની માછલીઓને મારી શકાય છે.’
વિપક્ષી નેતાએ એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે બીડના પોલીસ સ્ટેશનમાં કોના માટે પલંગ લઈ જવામાં આવી રહ્યા હતા.
‘શું તે પોલીસ કસ્ટડીમાં રહેલા વાલ્મિક કરાડ માટે હતા?’ એમ તેમણે પૂછ્યું હતું અને તેની તપાસની માગણી કરી હતી.