ઓડિશાના આ રેલવે સ્ટેશન પર ફિદા થયા નોર્વેના નેતા, જાણો કારણ
નવી દિલ્હીઃ નોર્વેના એક નેતાએ કટક રેલવે સ્ટેશન માટે પ્રશંસાના પુલો બાંધી દીધા છે. એમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કટક રેલવે સ્ટેશનનો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે ભારતીય રેલવે દિવસે ને દિવસે સુધરી રહી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ડિસેમ્બર મહિનામાં ઓડિશાના આ સ્ટેશનના કેટલાક હિસ્સાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ હિસ્સાના વિકાસ પાછળ લગભગ 15 કરોડ રૂપિયાો ખર્ચ કરવામાં આવ્યો છે. કટક રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત વિકસીત કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ભારતનું એ ગામ જ્યાંના લોકોથી ગર્ભવતી થવા વિદેશથી આવે છે મહિલાઓ…
નોર્વેના પૂર્વ પર્યાવરણ પ્રધાન એરિક સોલ્હેમે (@IndianTechGuide) નામના હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે આ કોઇ એરપોર્ટ નથી, પણ હાલમાં જ ખોલવામાં આવેલું કટકનું રેલવે સ્ટેશન છે. એક વર્ષ બાદ આ સ્ટેશનની હાલત આપણું ભવિષ્ય નક્કી કરશે, તેથી જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. સોલ્હેમે 2005થી 2012 સુધી નોર્વેની સરકારમાં પર્યાવરણ પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કામ કરી ચૂક્યા છે. તેઓ નોર્વેની ગ્રીમ પાર્ટીના સભ્ય છે.
નોંધનીય છે કે રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે 7 ડિસેમ્બરે કટક રેલ્વે સ્ટેશનના પૂર્વ ભાગ (નેશનલ હાઈવે તરફ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ રેલવે સ્ટેશનના વિકાસમાં 14.63 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 21,270 સ્ક. ફૂટનો આ સ્ટેશનનો વિસ્તાર ઘણો જ સુંદર બનાવવામાં આવ્યો છે. આ સિવાય 2100 ચોરસ ફૂટમાં ફૂડ કોર્ટ, આધુનિક શૌચાલય, ટિકિટ કાઉન્ટર, પેસેન્જર વેઇટિંગ રૂમ, એસ્કેલેટર, લિફ્ટ લગાવવામાં આવી છે.
આ પણ વાંચો: Black Moon: અવકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય ઘટના, જાણો ભારતમાં ક્યારે દેખાશે
અમૃત સ્ટેશન યોજના હેઠળ વિકસાવાયેલા આ સ્ટેશન અંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં નરેન્દ્ર મોદી સરકારે ઓડિશા માટે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. રાજ્યમાં રેલવે સંબંધિત પ્રોજેક્ટ માટે 73 હજાર કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.
રેલવે પ્રધાનની આ જાહેરાત પછી એમ લાગે છે કે ટૂંક સમયમાં ઓડિશાના મોટા ભાગના સ્ટેશનોની કાયાપલટ થઇ જશે અને તેઓ દેશના એરપોર્ટને પણટક્કર મારે તેવા બની જશે.