સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન
ભારત-પાક. મેચ સામે તોળાતું જોખમ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ભારત પાકિસ્તાનની મેચની પૂર્વસંધ્યાએ જૂનાગઢ, અમરેલી અને મોરબી સહિતના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો. અચાનક વરસાદ પડતા ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી હતી. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનાગઢ, મોરબી અને અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક ધૂળની ડમરીઓ ઊઠી હતી. જૂનાગઢ, અમરેલી અને મોરબી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જૂનાગઢ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે આઝાદ ચોક, વણઝારી ચોક, તળાવ દરવાજા, દિવાન ચોક, કાળવા ચોક, મધુરમ ટીંબાવાડી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તા. ૧૫મી અને તા.૧૬ ઑક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ આવવાની શક્યતા છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.