આજે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ
શુભમન ગિલની વાપસી પર સસ્પેન્સ
અમદાવાદ: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રસપ્રદ ટક્કર જોવા મળશે. બંન્ને ટીમો વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન સતત બે મેચમાં જીત મેળવી ચૂક્યા છે એવામાં આજની મેચમાં જોરદાર ટક્કર જોવા મળે તેવી સંભાવના છે. ભારત અને પાકિસ્તાનની મેચ જોવા એક લાખથી વધુ દર્શકો આવે તેવી સંભાવના છે
ભારતીય ટીમની વાત કરીએ તો તેણે ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાંચ વખતની ચેમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું તો બીજી મેચમાં અફઘાનિસ્તાનને પણ હાર આપી હતી. રોહિત શર્માએ આ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. હવે ભારતીય ટીમની નજર જીતની હેટ્રિક પર છે. જો શનિવારે અમદાવાદમાં ટીમ ઈન્ડિયા જીતશે તો પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં પણ ન હારવાનો રેકોર્ડ યથાવત્ રહેસે. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધી સાત વખત પાકિસ્તાનનો સામનો કર્યો છે અને દરેક વખતે જીત મેળવી છે.ડેંગ્યુના કારણે સ્ટાર યુવા ઓપનર શુભમન ગિલ પ્રથમ બે મેચમાં રમી શક્યો નહોતો. શુભમન ગિલના પાકિસ્તાન સામે રમવા પર સસ્પેન્સ છે. જો તે સંપૂર્ણ રીતે ફિટ નથી તો ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માંગશે નહીં. જો ગિલ ફિટ નહીં હોય તો ઇશાન કિશનને ફરી એકવાર તક મળશે.
ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિનને અફઘાનિસ્તાન સામે તક મળી ન હતી. અશ્ર્વિનને શાર્દુલ ઠાકુરના સ્થાને તક મળી શકે છે. મોહમ્મદ સિરાજ આ ટૂર્નામેન્ટમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી.
પાકિસ્તાનની ટીમે છેલ્લી મેચમાં જ મોટો ફેરફાર કર્યો હતો. તેણે અનુભવી ઓપનર ફખર ઝમાનની જગ્યાએ અબ્દુલ્લા શફીકને તક આપી હતી. શફીકે શ્રીલંકા સામે સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. બાબર આઝમના ફોર્મથી ટીમ ચિંતિત છે. તે બે મેચમાં માત્ર ૧૫ રન જ બનાવી શક્યો છે. શાહીન આફ્રિદી પણ બોલિંગમાં ખાસ કરી શક્યો નહોતો. ટીમને આશા છે કે આ બંને અનુભવી ખેલાડીઓ ભારત સામેની આ મોટી મેચમાં સારું પ્રદર્શન કરશે.