પુરુષલાડકી

સંધ્યા છાયાઃ …અને રચાયું એક સાચકલું ‘બાગબાન’

  • નીલા સંઘવી

હસમુખભાઈ અને હંસાબહેન સિકસ્ટી પ્લસનાં. બંનેને એકમેક પર બહુ જ લાગણી. એકમેક વિના બિલકુલ ચાલે નહીં. લગ્ન બાદ હંસાબહેન ભાગ્યે જ પિયર રોકાવા ગયાં હશે. હસમુખભાઈ જવા જ ન દે. હંસાબહેન વગર એમને ગમે નહીં. હંસાબહેન પણ હસમુખભાઈની લાગણીને માન આપીને પિયર રોકાય નહીં. જોકે અંદરખાને એમને પણ હસમુખભાઈ વગર ગમતું નહીં. એમને જોઈને ‘કલાપી’ની પંકિત:

‘અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે!’
યાદ ન આવે તો નવાઈ. આ દંપતીને બે દીકરા. બંને નોકરી કરે ને સારું કમાય. સુખી પરિવાર હતો. બંને દીકરાને પરણાવ્યા. શરૂશરૂમાં તો બધું જ સારું ચાલ્યું, પણ થોડા જ સમયમાં બંને વહુ વચ્ચે ચણભણ શરૂ થઈ ગઈ. હંસાબહેન બંનેને સમજાવવા પ્રયત્ન કરે, પણ બેમાંથી કોઈ માને નહીં. બે વહુમાંથી એકેયને કામ કરવું ગમે નહીં. બેઉ નોકરી કરે. ઘરમાં ધ્યાન આપે નહીં. હંસાબહેન ચાર જણનું કામ કરતાં હતાં.

હવે છ જણનું વૈતરું કરવું પડતું હતું, છતાંય હંસાબહેન ચૂપ રહેતાં. એમને થતું કાંઈ બોલીશ તો ઘરની શાંતિ ડહોળાઈ જશે. બેમાંથી એક પણ પુત્રવધૂ ઘરનું કાંઈ કામ ન કરતી હોવા છતાં એકબીજી સામે ઘૂરકિયાં કરતી. હંસાબહેન વચ્ચે કાંઈ બોલવા જાય તો એમનું પણ અપમાન કરીને ચૂપ કરી દેતી. આ બંને દેરાણી-જેઠાણીના ઝઘડાની અસર બંને ભાઈના સંબંધ પર પણ પડવા લાગી. બંને પોતાના પતિના કાન ભરતી, જેના કારણે બંને ભાઈ વચ્ચે પણ બોલાચાલી થઈ જતી.

હસમુખભાઈ પણ આ બધું જોતા હતા, પણ કાંઈ કરી શકતા ન હતા. મનોમન અકળાતા હતા. શું કરવું કાંઈ સમજાતું ન હતું. બંને વહુઓને સાથે રહેવું ન હતું. જુદા થવું હતું. બેઉ ભાઈએ પણ નિર્ણય કર્યો કે હવે સાથે નહીં ચાલે. જુદા થઈ જઈએ. આ નિર્ણયમાં બંને ભાઈ અને બંનેની પત્નીનો મત એક જ હતો.

ચારેય સાથે મળીને દીવાનખાનામાં આવ્યાં. ત્યાં એક હીંચકો હતો. તેના પર હસમુખભાઈ અને હંસાબહેનની બેઠક. બંને હીંચકે બેઠાં બેઠાં ગમતાંનો ગુલાલ કરતાં હતાં અને આ ચારેય આવ્યાં. સામે સોફા પર ચારેયે બેઠક લીધી. હસમુખભાઈએ હંસાબહેન સામે જોયું. હંસાબહેને ઈશારાથી ‘મને કાંઈ ખબર નથી’ એમ જણાવ્યું. મોટા દીકરાએ હસમુખભાઈ સામે જોઈને કહ્યું, ‘પપ્પા, તમારી સાથે વાત કરવી છે.’

‘હા, શું છે બોલને…’ હસમુખભાઈએ કહ્યું.

‘વાત એમ છે કે ઘરમાં કંકાસ થયા કરે છે એનો તમને પણ ખ્યાલ છે જ. દેરાણી-જેઠાણી વચ્ચે તકરાર થાય છે તેની અસર બંને ભાઈના સંબંધ પર પણ થાય છે. આવી રીતે તો ઘરમાં અશાંતિ થઈ ગઈ છે અને મજા આવતી નથી. કાંઈક રસ્તો કાઢવો પડશે.’

‘શું રસ્તો કાઢવો છે?’હસમુખભાઈએ પૂછ્યું.

‘જુદા થઈ જઈએ….’ નાના પુત્રે કહ્યું.

‘તો થઈ જાવ જુદા, એમાં મને શું કહેવાનું?’ હસમુખભાઈ બોલ્યા એટલે હંસાબહેને એમને અધવચ્ચે અટકાવીને કહ્યું, ‘ના, ઘર હોય તો બે વાસણ ખખડેય ખરાં એમાં જુદા થોડા થવાય? અભરાઈ પરનાં વાસણ અથડાય તો એમાં આપણે અભરાઈ તોડી નાખીએ છીએ?’

‘ના, ના મમ્મી હવે સાથે રહેવું તો શક્ય જ નથી’ મોટી વહુએ કહ્યું.

‘હા, મમ્મી એમને હવે સાથે ફાવતું નથી’ નાની વહુએ ટાપસી પૂરી એટલે હસમુખભાઈએ તરત જ હંસાબહેનને કહ્યું, ‘એ લોકોને જુદા થવું હોય તો થવા દે, તું શું કામ વચ્ચે પડે છે?’ અને પછી પેલાં ચારેય સામે જોઈને કહ્યું, ‘થઈ જાવ તમે બંને ભાઈ જુદા અમારી મંજૂરી છે – બસ?’

‘પપ્પા, પણ એક મુશ્કેલી છે.’ મોટા દીકરાએ કહ્યું.

‘શું?’

‘અમને બંનેને પૈસાની જરૂર પડશે.’

‘તો એમાં હું શું કરું? લોન લઈ લો.’

‘ના, પપ્પા લોનથી પણ બે ઘર નહીં લઈ શકાય. ઘરના ભાવ આસમાન પર છે.’

‘પપ્પા, એક કામ કરીએ આપણું આ ઘર વેચી નાખીએ એ પૈસા આવશે એમાં લોન લઈને પૈસા ઉમેરીશું તો બે ઘર આવી જશે.’ એક ભાઈએ ઉકેલ સૂચવ્યો.

‘તો અમે બે જણ ક્યાં જઈશું?’ પિતાએ પૂછ્યું.

‘ અરે, પપ્પા તમે કેવો સવાલ પૂછો છો? તમારે તો બેમાંથી જેને ત્યાં રહેવું હોય ત્યાં રહેજો. અમને ચારમાંથી કોઈને તમારી કે મમ્મી સાથે ક્યાં પ્રોબ્લેમ છે?’ નાના દીકરાએ કહ્યું.

‘ના, ભાઈ ના. તમારે જવું હોય તો જાવ. હું કાંઈ મારું ઘર વેચું નહીં!’ હસમુખભાઈએ રોકડું પરખાવી દીધું.

‘પપ્પા, પ્લીઝ. આવી રીતે હવે નહીં રહેવાય. મમ્મી, તું પપ્પાને સમજાવને મોટા દીકરાએ કહ્યું અને ચારેય ત્યાંથી પોતાના રૂમમાં ચાલી ગયાં.

હસમુખભાઈ અને હંસાબહેન અપસેટ થઈ ગયાં. બીજે દિવસે સવારે દેરાણી-જેઠાણી વચ્ચે મોટો ઝઘડો થયો. બંને ભાઈ વચમાં પડ્યા અને એ પણ ઝઘડયા.

હસમુખભાઈ-હંસાબહેન જોતાં રહ્યાં. હવે કકળાટ, ઝઘડા રોજના થઈ ગયા. દીકરાઓ મા-બાપને સંભળાવતા પણ ખરાં કે તમારું ઘર છાતીએ બાંધીને બેસો. અમારે ભલે રોજ લોહીઉકાળા થતા.

રોજની આ પરિસ્થિતિને કારણે એક દિવસ હંસાબહેને સામેથી હસમુખભાઈને કહ્યું, ‘આ રોજના લોહીઉકાળા મારાથી જોવાતા નથી. રોજના તમાશા. વેચી નાખો આપણું ઘર અને આપી દો બંનેને અડધા પૈસા.’

‘તું કાંઈ સમજતી નથી. ઘર વેચીને પૈસા આપી દઈશું તો રઝળી પડીશું. આ બંનેમાંથી કોઈ આપણને રાખશે નહીં!’

‘ના, ના એ આપણા દીકરા છે, સાવ એવા નથી અને વળી હવે આપણે બોનસનાં વર્ષો જીવી રહ્યાં છીએ. હજુ કેટલાં વર્ષ જીવવાનાં? આ લોકોને આખી જિંદગી કાઢવાની છે. આપી દો એમને પૈસા રોજનો કકળાટ મટે. આપણે બેઉને ત્યાં વારાફરતી રહીશું.’

હસમુખભાઈને આ વાત પસંદ ન હતી, પણ પછી ક-મને પોતાનું ઘર વેચેની બંને ભાઈને સરખે હિસ્સે પૈસા વેચી દીધા. થોડા પૈસા પોતાની માટે પણ રાખ્યા. દીકરાઓને એ ગમ્યું નહીં, પણ કાંઈ બોલી શક્યા નહીં. બે ભાઈના બે ફલૅટ લેવાઈ ગયા. શરૂઆતમાં હસમુખભાઈ-હંસાબહેન મોટા દીકરાને ઘરે રહેવા ગયા. થોડો વખત ઠીક ચાલ્યું પછી મોટી વહુએ પોત પ્રકાશ્યું, ‘હું શા માટે આ બંનેને રાખું? મારી એકલીની થોડી ફરજ છે? નાની તો છૂટી ગઈ અને હું બંધાઈ ગઈ. બે-બે જણને હું સાચવી શકતી નથી. એક જણને હું રાખીશ અને એક જણ નાનીને ત્યાં જાય.’ અંતે નક્કી થયું: ‘મમ્મી, તમે અમારી સાથે રહો ને પપ્પા નાનાને ત્યાં રહેવા જાય.’

‘થોડો વખત અમે બંને નાનાને ત્યાં જઈ આવીએ.’ હંસાબહેને કહ્યું.

‘ના, અમને એ મંજૂર નથી. હું તમને રાખીશ. પપ્પા નાનાને ત્યાં જાય. વહુએ કહ્યું. હવે પોતાનું ઘર ન હોવાને કારણે બંને નિ:સહાય હતાં. હસમુખભાઈએ કહ્યું પણ ખરું,

‘મેં તને કહ્યું હતું ઘર વેચીને આપણે મુસીબતમાં આવીશું.’ હંસાબહેન રડી પડયાં એટલે હંસાબહેનની પીઠ પસવારતાં એમણે કહ્યું:

‘ઠીક છે, હું નાનાને ત્યાં જઈશ.’

હસમુખભાઈ ગયા. બેઉને એકબીજા વગર જરાય ન ગમે. બંને મૂંઝાય. શું કરવું? આખરે હસમુખભાઈએ તોડ કાઢયો. ગુજરાતના એક વ્યવસ્થિત વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનો. અહીંનો ખર્ચ પણ તેમને પોષાય તેમ હતો. હસમુખભાઈ બધી સગવડ કરીને હંસાબહેનને લઈને વૃદ્ધાશ્રમમાં ચાલી ગયા.

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : જ્યારથી જે જાગ્યા એની એ સવાર…

હવે ડોસો-ડોસી એકમેકને વહાલ કરે છે અને ગમતાંનો ગુલાલ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button