નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને કેટલાક પૂર્વ મંત્રીઓ અને સાંસદોને આપવામાં આવેલી સુરક્ષા અંગે જાણકારી મેળવવા અને ફેરવિચારણા કરવા જણાવ્યું છે. દિલ્હી પોલીસ ટૂંક સમયમાં ગૃહ મંત્રાલયને 18 ભૂતપૂર્વ રાજ્ય પ્રધાનો અને 12 ભૂતપૂર્વ સાંસદોની યાદી મોકલવાની યોજના બનાવી રહી છે, જેમને તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પણ સુરક્ષા મળી રહી છે. પોલીસ ગૃહ મંત્રાલયને આ વ્યક્તિઓની સુરક્ષા જાળવી રાખવી જોઈએ કે નહીં તે અંગે નિર્ણય લેવાનું કહેશે.
દિલ્હી પોલીસ હેડક્વાર્ટરના એક સૂત્રએ જણાવ્યું હતું કે સુરક્ષા એકમે થોડા મહિના પહેલા એક ઓડિટ હાથ ધર્યું હતું જેમાં તેમને જાણવા મળ્યું હતું કે ઘણા લોકોને સુરક્ષા કવચ છે અને કેટલાક કેસની લાંબા સમયથી સમીક્ષા કરવામાં આવી નથી. “ઓડિટ પછી, ઘણા લોકોનું સુરક્ષા કવચ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ એવું પણ જાણવા મળ્યું હતું કે ઘણા રાજ્ય મંત્રીઓ, સાંસદો અને અન્ય લોકો પાસે તેમનો નિર્ધારિત કાર્યકાળ પૂરો થયા પછી પણ સુરક્ષા કવચ છે.”
ઓડિટ રિપોર્ટમાં જેમના નામ છે તેમાં વાય-કેટેગરી સુરક્ષા કવચ ધરાવતા પૂર્વ રાજ્ય મંત્રી ભગવત કિશનરાવ કરાડ, દેવુસિંહ ચૌહાણ, ભાનુ પ્રતાપ સિંહ વર્મા, જસવંતસિંહ ભાભોર, જોન બારલા, કૌશલ કિશોર, કૃષ્ણ રાજ, મનીષ તિવારી, પીપી ચૌધરી, રાજકુમાર રંજન સિંહ , રામેશ્વર તેલી , એસએસ અહલુવાલિયા , સંજીવ કુમાર બાલ્યાન , સોમ પ્રકાશ , સુદર્શન ભગત , વી મુરલીધરન , પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહ અને વિજય ગોયલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ત્રણ રાજ્ય પ્રધાનો છે: અજય ભટ્ટ, અશ્વિની કુમાર ચૌબે અને વિશ્વેશ્વર ટુડુ, જેમના પ્રોફાઇલ હવે બદલાઈ ગયા છે, પરંતુ તેઓ હજુ પણ તેમના અગાઉના પોર્ટફોલિયો મુજબ Y-શ્રેણીનું સુરક્ષા કવર ધરાવે છે. ઓડિટ રિપોર્ટ મુજબ તમામ ભૂતપૂર્વ રાજ્ય મંત્રીઓ પાસે હજુ પણ ત્રણ PSO અને ચાર પોલીસ કર્મચારીઓ તેમના ઘરે તૈનાત છે.” એમ સૂત્રએ જણાવ્યું હતું.
પ્રક્રિયા મુજબ કોઇ પણ વ્યક્તિને પદ અથવા તેને મળેલી ધમકીને આધારે સુરક્ષા કવચ આપવામાં આવે છે. સંરક્ષિત વ્યક્તિની સુરક્ષા સમીક્ષા નિયત કાર્યકાળ પૂર્ણ થવા પર હાથ ધરવામાં આવે છે. એ મુજબ સમીક્ષા બાદ દિલ્હી પોલીસે અંતિમ નિર્ણય માટે ગૃહ મંત્રાલયને પત્ર મોકલ્યો હતો. સૂત્રએ જણાવ્યું હતું કે ઓડિટ રિપોર્ટમાં ભૂતપૂર્વ સાંસદો ગૌતમ ગંભીર, અભિજિત મુખર્જી, ડૉ. કરણ સિંહ, મૌલાના મહમૂદ મદની, નબા કુમાર સરનિયા, રામ શંકર કથેરિયા, અજય માકન (હવે રાજ્યસભામાં), કેસી ત્યાગી, પરવેશ વર્મા, રાકેશ સિન્હા, રમેશ બિધુરી અને વિજય ઈન્દર સિંગલાના નામ છે.
સૂત્રએ જણાવ્યું હતું કે, ”ઓડિટ રિપોર્ટમાં અન્ય નામો પણ હતા, જેમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક, અકાલી દળના પૂર્વ વિધાન સભ્ય દીપ મલ્હોત્રા, AAPના પૂર્વ વિધાન સભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમ, EDના પૂર્વ ડિરેક્ટર કરનૈલ સિંહ, દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવ, પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી, પૂર્વ વિધાન સભ્ય વીકે મલ્હોત્રાની સુરક્ષાનો સમાવેશ થાય છે.”
આ પણ વાંચો…મનમોહન સિંહનાં સ્મારક અંગેના વિવાદનો અંત આવશે! આ જગ્યાઓ પર બની શકે છે સ્મારક
નોંધનીય છે કે ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટના આધારે ગૃહ મંત્રાલય દ્વારા કોઈપણ વ્યક્તિ માટે સુરક્ષા સ્તર નક્કી કરવામાં આવે છે. સરકારમાં હોદ્દા ધરાવતા કેટલાક વ્યક્તિઓ આપમેળે સુરક્ષા કવચ માટે હકદાર બને છે.