ભૂતપૂર્વ આર્મી મેન, કાર પર ISISનો ઝંડો… અમેરિકામાં ટ્રક હુમલામાં 15 લોકોની હત્યા કરનાર વ્યક્તિ કોણ છે?
ન્યૂ ઓર્લિયન્સ, અમેરિકામાં, નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે એક ઝડપી પીકઅપ વેને તેમને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. હવે હુમલાખોર વિશે ઘણી સનસનીખેજ માહિતી સામે આવી છે. હુમલા બાદ રાષ્ટ્રપતિ જો બાઇડેને રાષ્ટ્રને સંબોધિત કરતા તેના પર શોક વ્યક્ત કર્યો અને તેને આતંકવાદી ઘટના ગણાવી હતી. હુમલાખોરને પોલીસે ઠાર માર્યો છે. તેની ઓળખ શમસુદ્દીન જબ્બાર તરીકે થઈ છે. સેનાએ માહિતી આપી છે કે જબ્બાર યુએસ આર્મીમાં સ્ટાફ સાર્જન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. તે 2007 થી 2015 વચ્ચે અફઘાનિસ્તાનમાં તૈનાત હતો. તે 2020 સુધી સેનામાં રહ્યો હતો. તેને સેના તરફથી ઘણા મેડલ પણ મળ્યા છે.
યુએસ પ્રશાસને બાદમાં હુમલાખોરની ઓળખ જાહેર કરી હતી અને સ્પષ્ટતા કરી કે તે અમેરિકન નાગરિક હતો. તે પોલીસની જવાબી કાર્યવાહીમાં ઠાર મરાયો હતો. તે અમેરિકાના ટેક્સાસમાં જન્મેલા અશ્વેત માણસ હતો. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બપોરે 3.15 વાગ્યે, અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બર્બર સ્ટ્રીટ પર એક ઝડપી પીકઅપ ટ્રકે લોકોને કચડવાનું શરૂ કર્યું હતું. ડરના માર્યા લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. હુમલાખોરે યુ-ટર્ન લીધો અને જ્યાં વધુ લોકો હતા તે દિશામાં ટ્રક લઈ ગયો હતો. આ હુમલાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હુમલાખોરે તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા.
Also read: અમેરિકામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન આતંકી હુમલો, 15ના મોત, 30થી વધુ ઘાયલ
હુમલાખોર શમસુદ્દીન જબ્બરે બે વાર લગ્ન કર્યા હતા અને બાદમાં તેણે તેની બંને પત્નીઓથી છૂટાછેડા લીધા હતા. તેની એક પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે જબ્બરે ઈસ્લામ કબૂલ કરી લીધો છે અને તે થોડા સમયથી તરંગી જેવું વર્તન કરવા લાગ્યો હતો. તે જે ટ્રકમાં સવાર હતો તેમાં આતંકી સંગઠન ISISનો ઝંડો હતો અને તેમાં સંભવિત વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. આ સાથે એવું પણ બહાર આવ્યું છે કે તેણે ભીડને કચડી નાખવા માટે જે ટ્રકનો ઉપયોગ કર્યો હતો તે તુરો નામની રેન્ટલ વ્હીકલ એપ પરથી ભાડે લેવામાં આવી હતી.
જબ્બારે હુમલાને અંજામ આપવાના થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે ISISથી પ્રેરિત છે. એફબીઆઈને લાગે છે કે જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ઘટના સ્થળ નજીકથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. તેમને જોતા એવું લાગતું નથી કે હુમલાખોર જબ્બરે એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો હોય.