રાજકોટ જિલ્લામાં જલારામ મંદિર, કાગવડ મંદિર સહિત આ જગ્યાએ ડ્રોન ઉડાવતાં પહેલા વાંચી લો આ સમાચાર
Rajkot News: રાજકોટના અધિક કલેકટર એ.કે. ગૌત્તમ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લાના 108 સ્થળોને નો-ડ્રોન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હતાં. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવાનો આદેશ કરી દેવામાં આવ્યો હતો. અધિક કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવાયું હતું કે, જમ્મુ કાશ્મીરમાં ડ્રોન હૂમલા જેવા બનાવો બન્યાં હતાં. આ પ્રકારના સંશોધનોથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આતંક ફેલાવી સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાન-માલને નુકશાન પહોંચાડાય તેવી શક્યતા રહેલી હોવાથી સાવચેતીના ભાગરૂપે જિલ્લાના 108 સ્થળોને નો-ડ્રોન ઝોન જાહેર કરી દેવામાં આવ્યાં છે. જે અંતર્ગત આ 108 સ્થળો પર રીમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન તથા એરીયલ મિસાઇલ હેલીકોપ્ટર, રીમોટ ક્ધટ્રોલ, માઇક્રો લાઇટ, એર ક્રાફ્ટ કે પેરાલાઇડર જેવા સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવામાં આવેલ છે.
અધિક કલેક્ટરના જાહેરનામામાં વીરપુરનું જલારામ મંદિર, કાગવડ મંદિર, છાપરવડી ડેમ, પીજીવીસીએલના સબ સ્ટેશનો, મોટા જળાશયો, કામનાથ મહાદેવ મંદિર કનેસરા, મોજ ડેમ, વેણુ-2 ડેમ, ઓલ ઇન્ડિયા રેડીયો સ્ટેશન, એસ.સી.એ. ક્રિકેટ સ્ટેડીયમ, ન્યારી ડેમ, ઇશ્વરીયા ડેમ, ગોંડલ બસ સ્ટેશન, જેતલસર રેલવે સ્ટેશન સહિતના 108 સ્થળોનો સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત અધિક કલેક્ટર દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં ટુ-વ્હીલર સહિતના વાહનોની લે-વેચ કરનારાઓ વેપારીઓ તેમજ મોબાઇલની લે-વેચ કરતા દુકાનધારકો માટે પણ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું હતું. જેમાં વાહન ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખ કાર્ડ મેળવવા તેમજ વાહનોના ફ્રેમ નબર, ચેસીસ નંબર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.