ગુજરાતમાં નવા વર્ષે જ બે અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યાઃ 12 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ગંભીર અકસ્માતોમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. બનાસકાંઠાના સુઈગામ નજીક ભારત માલા હાઈવે પર લકઝરી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતાં. જ્યારે 10થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બીજી તરફ ખંભાળિયા- દ્વારકા હાઈવે પર ટ્રેક્ટર અને કાર અથડાતા માતા અને પુત્રીના મોત થયા હતાં. જ્યારે બે મુસાફરોને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: જાલનામાં ભીષણ અકસ્માત: કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતા ચારનાં મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરથી રાજસ્થાન તરફ જતી લકઝરી બસને બનાસકાંઠા જિલ્લાના સુઈગામ નજીક રોંગ સાઈડે પુરપાટ આવતા ટેન્કર ચાલકે ટક્કર મારી હતી. જેમાં ત્રણ મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે 10થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતમાં લક્ઝરીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. લક્ઝરી અને ટેન્કરને અલગ કરવા માટે 3 ક્રેઇનની મદદ લેવી પડી હતી.
આ પણ વાંચો: કચ્છમાં અકસ્માત-આત્મહત્યાના બનાવો રોકાતા નથીઃ અલગ અલગ બનાવમાં ચારનાં મોત
બીજા બનાવમાં રાજસ્થાનથી દ્વારકા દર્શન કરવા જઈ રહેલા એક પરિવારની કાર ખંભાળિયાથી દ્વારકા તરફ પસાર થતી હતી ત્યારે હાઈવે પર ટ્રેક્ટર સાથે અથડાતા 54 વર્ષીય મહિલા તેમજ તેમની 28 વર્ષની પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મુસાફરોને ઇજાઓ પહોંચતાં 108 મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક માતા-પુત્રીના મૃતદેહને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.