યુક્રેને યુરોપને આપ્યો ઝટકોઃ રશિયન ગેસની સપ્લાય બંધ કરતા ઊર્જા સંકટના એંધાણ
કિવઃ નવા વર્ષના પ્રથમ દિવસે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ યુરોપને મોટો ઝટકો આપ્યો હતો. યુક્રેનમાંથી પાઇપલાઇન મારફતે યુરોપ પહોંચાડવામાં આવતા રશિયન ગેસની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટના રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બની છે, જેને 2025માં ત્રણ વર્ષ પૂરા થશે. આ નિર્ણયથી યુરોપમાં ઉર્જા સંકટ ઉભું થાય તેવી સંભાવના છે.
યુક્રેનના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચ વર્ષના કરાર સમાપ્ત થયા બાદ બુધવારે યુક્રેને યુરોપમાં રશિયન નેચરલ ગેસના સપ્લાયને રોકી દીધું હતુ. રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં યુક્રેનમાંથી પસાર થતા રશિયન નેચરલ ગેસની સપ્લાયને રોકી દેવામાં આવ્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેને સ્થાપિત પ્રક્રિયાઓને અનુરૂપ ગેસ ટ્રાન્ઝિટ બંધ કરવા અંગે તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારોને જાણ કરી છે. યુક્રેનિયન ગેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઝીરો ટ્રાન્ઝિટ મોડમાં કામ કરવા માટે અગાઉથી તૈયાર કરવામાં આવી છે જેથી યુક્રેનિયન ગ્રાહકોને વિશ્વસનીય ગેસ પુરવઠો સુનિશ્ચિત કરી શકાય.
દાયકાઓથી આ પાઈપલાઈન રશિયાથી યુક્રેન થઈને યુરોપમાં ગેસ સપ્લાય કરવામાં આવતો હતો. પરંતુ હવે આ પાઈપલાઈન બંધ થવાથી રશિયા, યુક્રેન અને યુરોપ વચ્ચેના સંબંધોમાં મોટા ફેરફારનો સંકેત જોવા મળશે.
એક દિવસ અગાઉ રશિયાની ઉર્જા કંપની ગેઝપ્રોમે કહ્યું હતું કે તેણે મુખ્ય કરારોની સમાપ્તિ અને યુક્રેનિયન પક્ષ દ્વારા રિન્યૂ ન કરવાના કારણે યુક્રેનના માધ્યમથી પુરો પાડવામાં આવતો ગેસનો પુરવઠો અટકાવી દીધો છે.
30 ડિસેમ્બર, 2019ના રોજ હસ્તાક્ષર કરાયેલા કરારોમાં યુક્રેનની રાષ્ટ્રીય તેલ અને ગેસ કંપની નૈફ્ટોગાઝ અને ગેઝપ્રોમ વચ્ચે યુક્રેનિયન પ્રદેશના માધ્યમથી રશિયન ગેસના સપ્લાય અંગેના કરાર અને બંને દેશોની ગેસ ટ્રાન્સમિશન સિસ્ટમના ઓપરેટરો વચ્ચે એક સહયોગ કરાર કરવામાં આવ્યા હતા. ગેઝપ્રોમે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે બુધવારે મોસ્કોના સમય મુજબ સવારે 8 વાગ્યે કરાર સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયા હતા.
ગેઝપ્રોમે જણાવ્યું હતું કે યુક્રેને વારંવાર અને સ્પષ્ટપણે આ કરારોને લંબાવવાનો ઇનકાર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે યુક્રેન 15.43 બિલિયન ક્યુબિક મીટર રશિયન ગેસ યુરોપમાં સપ્લાય કર્યો હતો જે 2023 કરતાં 5.7 ટકા વધારે છે.
ગયા મહિને રશિયન સરકારે ચેતવણી આપી હતી કે યુરોપિયન દેશોમાં રશિયન ગેસની સપ્લાય હાલમાં ખૂબ મુશ્કેલ છે અને તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.