ગુજરાતમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી સાથે આ ચાર ઉજવણી કરાશે
ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.
આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને જન માનસમાં સર્જનાત્મક રીતે ઉજાગર કરવાનાં કાર્યક્રમો યોજાશે.
વર્ષ ૨૦૨૫માં ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં “સંવિધાનના અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે. સાથે જ, કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે.
આપણ વાંચો: આ વર્ષમાં ISROનું આવતીકાલે રહેશે છેલ્લું ઐતિહાસિક મિશન, જાણો મિશનની વિશેષતા શું હશે?
આ ઉપરાંત એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીના ૧૦૦માં જયંતી વર્ષની પણ ભવ્ય ઉજવણી થશે. ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે ગુજરાતમાં વર્ષ ૨૦૨૫ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાશે.
આ બધા જ ઉજવણી કાર્યક્રમોને વધુ લોકભોગ્ય અને પ્રજા સહભાગીતા પ્રેરિત બનાવવા વિવિધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનમાળાઓ, ટ્રાઇબલ હેરિટેજને પ્રોત્સાહિત કરતા જનજાતિ ગૌરવ મેળાઓ વગેરેના આયોજનની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.
૨૦૨૫માં રાજ્યમાં થશે આ ચાર ઉજવણી
- સંવિધાનનો અમૃત મહોત્સવ-બંધારણના ૭૫માં વર્ષની ઉજવણી અને કટોકટીના ૫૦ વર્ષ
- ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી
- ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી
- પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીના ૧૦૦મા જન્મ જયંતી વર્ષની ઉજવણી