અમરેલીઃ અમરેલી જિલ્લામાં થોડા દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલા નકલી લેટરપેડ કાંડમાં કૉંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ઝંપલાવતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવાના આરોપસર પોલીસે એક યુવતી સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ઓપરેટર તરીકે કામ કરતી યુવતીની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે પ્રતાપ દૂધાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો : નવા વર્ષે ગુજરાત સરકારે અધિકારીઓને આપ્યા ખુશ ખબર, આ IAS અધિકારીઓને પ્રમોશન
પ્રતાપ દૂધાતે શું લખ્યું છે પત્રમાં
અમરેલી જિલ્લામાં ભાજપનાં અંદરોઅંદર ગ્રુપમાં લેટરકાંડ થયો છે, જેમાં એક પટેલ સમાજની દીકરીને આરોપી બનાવવામાં આવી છે, જે એક ઓપરેટર તરીકે કામ કરતી હતી, જેણે પોતાના માલિકના કહેવા પ્રમાણે લેટર ટાઇપ કર્યો હતો. તેનો ઇરાદો કોઈને બદનામ કરવાનો નહોતો. અમરેલી ભાજપના આગેવાનો દ્વારા આ કુંવારી દીકરી છે ને જોયાજાણ્યા વગર આરોપી બનાવવામાં આવી છે અને પોલીસ રાત્રે 12 વાગ્યે આ દીકરીની ધરપકડ કરી અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢ્યું છે. ભાજપના પટેલ સમાજ જ આગેવાનો પોતાનો અહમ્ સંતોષવા આવાં કૃત્ય કરી રહ્યા છે.
જ્યારે આ જ અમરેલી જીલ્લામાં ગુનેગાર બેફામ ધારૂ, ખનીજ ચોરી, હત્યાઓ વગેરે ગેરપ્રવૃત્તિ કરી રહ્યા છે. તેના પર પોલીસે ક્યારેય સરઘસ કાઢ્યું નથી. બંધારણીય જોગવાઈ અને કોર્ટના નિયમ મુજબ એક મહિલા ગુનેગાર હોય તો પણ તેનું સરઘસ અને ફોટા વાઇરલ ન કરવા તથા રાત્રીના સમયે ધરપકડ ન કરવી બંધારણીય જોગવાઇ છે.
સમાજના આપશ્રી આગેવાનોએ આ બાબતે બહાર આવી આ દીકરી માટે સાથ-સહકાર આપો અને આવી રીતે બિન અધિકૃત રીતે સરઘસ કઢાવનાર અધિકારી સામે કડક પગલા ભરવા સરકાર પાસે માંગણી કરવા, તેમજ જ્યારે રાજકીય મનસ્વી પ્રકૃતિ કરે ત્યારે સમાજના મોભી અને આગેવાનોએ ખરો રાહ દેખાડવાની જરૂર છે. આ મુદ્દે નિવેદન આપવા અમારી માંગણી છે.
અમેરલી એસપી સંજય ખરાતે શું કહ્યું
અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની સાથે અમે સહમત નથી. આરોપીઓને કેટલાક પુરાવા સાથે અમે કોર્ટમાં રજૂ કર્યા છે, જેથી કોર્ટે જેલહવાલે કર્યા છે.
પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરીયાએ શું કહ્યું
પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરીયાએ પણ પ્રતાપ દૂધાતના પત્રનું સમર્થન કર્યુ અને તેમણે અન્ય અગ્રણીઓને ઉદ્દેશીને કહ્યુ કે તમામ હોદ્દાઓ બાજુમાં મુકી સમાજ માટે સામે આવવુ જોઈએ. કોઈ દીકરી જોડે આ પ્રમાણેનું વર્તન ગુજરાત માટે કલંક સમાન ઘટના છે. કથિરીયાએ જણાવ્યુ કે જે દીકરીએ ક્યારેય પોલીસ સ્ટેશનના પગથિયા ચડી નથી તેનુ જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યુ. જે બિલકુલ યોગ્ય નથી.
આ પણ વાંચો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વધુ એક નવો જિલ્લો બનાવાશે!
સમાજના નામે રાજકારણ ન કરોઃ સાંસદ સુતરિયા
અમરેલી સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સમાજના નામે રાજકારણ કરે છે. પોલીસ તપાસ ચાલી રહી છે, પોલીસ પોલીસનું કામ કરે છે, કાયદો કાયદાનું કામ કરે છે. હું સમાજને વિનંતી કરું છું કે આમાં કોઈએ રાજકારણ લાવવું નહીં.