સ્પોર્ટસ

રોહિત શર્માની હવે ખરી અગ્નિપરીક્ષા, પીછેહઠ કરશે કે બાજી મારી જશે?

સિડનીઃ ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન રોહિત શર્મા ઑસ્ટ્રેલિયામાં સારું રમવામાં સતતપણે નિષ્ફળ જઈ રહ્યો છે એટલે હવે શુક્રવાર, ત્રીજી જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થનારી છેલ્લી ટેસ્ટમાં તેની અગ્નિપરીક્ષા થશે. તેણે ટી-20 પછી હવે ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લઈ લેવી જોઈએ એવી સોશિયલ મીડિયામાં થઈ રહેલી માગણી વચ્ચે તેણે હવે સારું રમી જ બતાવવું પડશે.

તે પોતાને અંતિમ ટેસ્ટની બહાર રાખીને પીછેહઠ કરે તો વાત અલગ છે, નહીં તો તેણે સિડનીમાં સારું રમવું જ પડશે અને એ સંભવ છે, કારણકે અગાઉ તે ઘણા ખરાબ તબક્કામાંથી બહાર આવ્યો છે.

વર્તમાન બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં રોહિતની કૅપ્ટન્સી સામે પણ આંગળી ચીંધવામાં આવી છે. તે પર્થની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો, પરંતુ ત્યાર બાદ મિડલ-ઑર્ડરમાં અને ઓપનિંગના પોતાના નિયમિત ક્રમે રમ્યો છે. જોકે તે એકેય મૅચમાં સારું નથી રમી શક્યો.

આપણ વાંચો: સિડની ટેસ્ટ રોહિત શર્માની છેલ્લી મેચ હશે! BCCIના અધિકારીઓ સાથે પણ થઇ ચર્ચા…

આ સિરીઝમાં રોહિતના આ સ્કોર રહ્યા છેઃ 3, 6, 10, 3 અને 9.

રોહિતે પાંચ ઇનિંગ્સમાં કુલ માત્ર 31 રન બનાવ્યા છે. એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડ સામેની ઘરઆંગણાની સિરીઝમાં પણ તે સારું નહોતો રમ્યો. એમાં તેના છ ઇનિંગ્સમાં કુલ માત્ર 91 રન હતા. એ અગાઉ, બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં તેના નામે ફક્ત 42 રન હતા.

રોહિતે છેલ્લી કુલ મળીને ત્રણ ટેસ્ટ શ્રેણીની 15 ઇનિંગ્સમાં કુલ ફક્ત 164 રન બનાવ્યા છે. એમાં તેની બૅટિંગ-ઍવરેજ 11.00ની છે જે કૅપ્ટન-બૅટર માટે અત્યંત ખરાબ કહેવાય.

ઇરફાન પઠાણે તાજેતરમાં કહ્યું હતું કે રોહિત જો કૅપ્ટન ન હોત તો હાલમાં ભારતીય ટેસ્ટ ટીમમાં જ ન હોત.
રોહિત સામે મુશ્કેલી એ છે કે તેણે પોતે તો રન બનાવવાના જ છે, ટીમમાં પણ જોશ અને ઉત્સાહનો સંચાર કરવાનો છે.

આપણ વાંચો: રિષભ પંતે સમજવું જોઈએ કે…: કૅપ્ટન રોહિત શર્માએ ખુલ્લેઆમ ગુસ્સો ઠાલવ્યો

પરાજય પછી પણ ટીમ ઇન્ડિયા અસલ જુસ્સા સાથે મેદાન પર ઉતરે એવો માહોલ તેણે બનાવવાનો છે. હવે ભારતે સિડનીની છેલ્લી ટેસ્ટ જીતીને ટ્રોફી જાળવવાની છે તેમ જ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલમાં પહોંચવાનું પણ છે.

ઑસ્ટ્રેલિયા સિડનીની ટેસ્ટ પણ જીતી જશે તો ભારતને બાજુ પર રાખીને ફાઇનલમાં પહોંચી જશે જેમાં એનો મુકાબલો જૂનમાં લૉર્ડ્સમાં સાઉથ આફ્રિકા સામે થશે.

રોહિત શર્મા હવે શુક્રવારથી સિડનીમાં કેવી રણનીતિ અપનાવે છે અને તે ફૉર્મમાં આવે છે કે કેમ એના પર બધો આધાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button