ખેડૂતોને નવા વર્ષની મળી ભેટઃ કેન્દ્ર સરકારની ફર્ટિલાઈઝર પર સબસિડી આપવાની જાહેરાત…
નવી દિલ્હી: વર્ષ 2025 ના પહેલા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ડીએપી (DAP) ખાતર પર સબસિડી વધારવા અને પાક વીમા યોજનાને સરળ બનાવવા જેવી દરખાસ્તોને મંજૂરી આપી છે. મોદી સરકારના નિર્ણયથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારવા તેમ જ તેના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પણ વાંચો : LPG Cylinder Price : નવા વર્ષની શરૂઆતમાં રાહતના સમાચાર, એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો
2025 ની પ્રથમ કેબિનેટનો નિર્ણય
વર્ષ 2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે DAP ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે. આ અંતર્ગત સબસિડી ઉપરાંત તેમને આર્થિક સહાય આપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયોનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતાને વેગ આપવાનો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો અને જરૂરી ખાતરોની સસ્તી પહોંચ પૂરી પાડવાનો છે.
પાક વીમા યોજના સુલભ બનાવાશે
સરકારે પાક વીમા યોજનાને ખેડૂતો માટે વધુ સુલભ બનાવવાનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના હેઠળ પ્રીમિયમ દરોને ઘટાડીને પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. સરકારનો આ નિર્ણય નાના અને મધ્યમ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે, કારણ કે તે તેમને સસ્તા દરે વીમા કવચ પ્રદાન કરશે અને કુદરતી આફતોને કારણે થતા નુકસાનથી રક્ષણ કરશે.
3,850 કરોડના પેકેજને મંજૂરી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે કેબિનેટે DAP ખાતર માટે રૂ. 3,850 કરોડ સુધીના એક વિશેષ પેકેજને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની આ મંજૂરી બાદ ખેડૂતોને DAP ખાતરની સપ્લાયમાં કોઈ વિક્ષેપ નહીં પડે અને તેના ભાવમાં રાહત મળશે. આ વિશેષ પેકેજ હેઠળ કેન્દ્ર સરકાર ખાતર બનાવતી કંપનીઓને આર્થિક મદદ કરશે, જેથી તેઓ ખેડૂતોને ખાતરનો સપ્લાય ચાલુ રાખી શકે અને કિંમતો નિયંત્રિત કરી શકાય.
આ પણ વાંચો : PM મોદીએ શેર કરી વર્ષ 2024ની ખાસ તસવીરો, જાણો કઈ કઈ ઘટનાને મળ્યું સ્થાન
પાક વીમા યોજનાનું વિસ્તરણ
સરકારે પાક વીમા યોજનાનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય લીધો છે જેથી તેમાં વધુ 4 કરોડ ખેડૂતોને સામેલ કરી શકાશે. આથી વધુ ખેડૂતોને પાકના નુકસાન સમયે આર્થિક સહાય મળી શકશે. સરકારે DAP ખાતર પર 3,850 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ખેડૂતોને 50 કિલોની DAP બેગ 1,350 રૂપિયામાં મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડીએપીના ભાવમાં વધારો થવા છતાં સરકારે ખેડૂતોને રાહત આપવા માટે આ નિર્ણય લીધો છે.