પૂરક પરીક્ષાની તકથી વિદ્યાર્થીની તકદીર બદલાઈ જશે ખરી?
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
હમણાં હમણાં માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓમાં ધરખમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આમ જોઈએ તો વિજ્ઞાનક્ષેત્રે જેટલા પ્રયોગો થતા નહીં હોય એટલા પ્રયોગ શિક્ષણક્ષેત્રે થઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ -2020ની પૉલિસી અનુસાર ધોરણ 10ની પરીક્ષા જ નીકળી જવાની છે ત્યારે એ દિશામાં આગળ વધવાને બદલે તાજેતરમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 માં તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નાપાસ થાય અથવા પાસ થયેલાં વિદ્યાર્થીને મેળવેલા ગુણથી અસંતોષ હોય તો તેવા તમામ વિદ્યાર્થી પણ પૂરક પરીક્ષા આપી શકશે. બંને પરીક્ષામાંથી વધુ મેળવેલા ગુણ ગણવાના રહેશે. આમ થવાથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટકશે અને વિદ્યાર્થીની તકદીર બદલાઈ જશે એવું તંત્રનું માનવું છે.
વરસ બગડતું અટકશે એ તો જાણે સમજ્યા, પણ તકદીર કેમ બદલાઈ જશે એ વાત ગળે ઉતરતી નથી. ધોરણ 10 કે 12માં વિદ્યાર્થીઓ 99.9% લાવે તો પણ વધારે ટકાના આધારે કોઈ ઉચ્ચ ફેકલ્ટીમાં પ્રવેશ કે પછી કારકિર્દી બની જતી હોય એવું ક્યાંય જોવા મળ્યું છે? ધોરણ 10 અને 12ના ટકાના આધારે સીધી કોઈ નોકરી મળે છે ખરી? કારણ કે મેડિકલમાં પ્રવેશ માટે ‘નીટ’ જેવી પરીક્ષા અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ‘જેઈઈ’ જેવી પરીક્ષાઓ આપવી પડે છે. કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે સિવિલ સર્વિસની પોસ્ટ માટે તો અભ્યાસ પૂરો થયા પછી ગૌણ સેવા પસંદગી મંડળ, જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષાઓ ક્રેક કરવી પડે છે.
આમ જોઈએ તો પરીક્ષાનું માળખું વધુ સરળ અને હળવું બનાવીને વિદ્યાર્થીઓને વધુ પાંગળા બનાવી રહ્યા હોઈએ એવું લાગે છે. પૂરક પરીક્ષાનો વિકલ્પ ઊભો થવાથી વિદ્યાર્થીઓ વધુ બેદરકાર બનશે. આજકાલ લેવામાં આવતી મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 50% જેવા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હોય છે. આજનો વિદ્યાર્થી રોજગારી મેળવવા માટેની પરીક્ષામાં પણ ગંભીર નથી ત્યારે બોર્ડની પરીક્ષાઓ બાબતે તે કેટલો ગંભીર બનશે એ જોવાનું રહ્યું!
બીજી તરફ, વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવવા માટે સક્ષમ અને ગંભીર બને એ વિશે કોઈ પગલાં લેવામાં આવતા નથી. બાળકને અભ્યાસ પ્રત્યે રુચિ ઉત્પન્ન કરવા માટે માનસિક રીતે તૈયાર કરવો જોઈએ. મા – બાપ અને તંત્રને એક જ બાબતની ચિંતા છે કે, બાળક આપઘાત કરતો અટકે. આપઘાત કરવા પ્રેરાય છે શા માટે? એ વિશે કેમ કોઈ ગંભીરતાથી વિચારતું નથી? વિદ્યાર્થી પર મા-બાપની અપેક્ષાઓનો ભાર વધી ગયો છે, એનું શું? બાળકના રસ, રુચિ કે વલણને લઈને તો કોઈ મા-બાપ વિચારતા જ નથી. એને આર્ટ અને કલામાં રસ છે પણ મા-બાપને ડૉક્ટર બનાવવો છે. સંતાનને સંગીતમાં રસ છે અને મા-બાપને એન્જિનિયર બનાવવો છે. મા-બાપની વધુ પડતી અપેક્ષા અને દેખાદેખીનાં પોટલાંનો ભાર વિદ્યાર્થી ઉપાડી શકતો નથી. વિદ્યાર્થીને આવા દબાણને કારણે જ્યારે કશું જ સૂઝતું નથી, કોઈ માર્ગ દેખાતો નથી ત્યારે એ હતાશાનો માર્યો આપઘાત કરવા તરફ ધકેલાય છે.
યાદ કરો 50 વર્ષ પહેલાંના સમયને. ધોરણ 11ની(જૂની એસએસસી) પરીક્ષાને. જે તે સમયે ધોરણ 11 ની બોર્ડની પરીક્ષા વખતે દરરોજ બે વિષયની પરીક્ષા આપવાની થતી હતી. 11 થી 2 વાગ્યા સુધી એક પેપર અને બપોરના 3 થી 6 વાગ્યા સુધી બીજું પેપર. બે દિવસ વચ્ચે પણ કોઈ રજા ન હોય એવું જ સમયપત્રક સેટ કરવામાં આવતું હતું. એક અઠવાડિયામાં પરીક્ષા પૂરી થઈ જતી હતી. જિલ્લામાં માત્ર એક અથવા બે જ પરીક્ષા કેન્દ્ર હોય. જે તે જિલ્લાના તમામ વિદ્યાર્થીએ જિલ્લા મથકે પરીક્ષા આપવા જવાની રહેતી હતી. રહેવા જમવાની વ્યવસ્થા પણ અજાણ્યા શહેરમાં કરવી પડતી. અજાણ્યું શહેર હોવાથી પરીક્ષા સ્થળ શોધવા માટે પણ ફાંફા મારવા પડતા. ગૂગલ તો હતું નહીં કે રોડ મેપ જોઈ શકાય! મા-બાપ બધી જ જવાબદારી વિદ્યાર્થીઓ પર થોપી દેતા. એ સમયે વિદ્યાર્થી જાતે જ પોતાનો માર્ગ શોધી લેતો હતો. પરીક્ષાના આવેદનપત્રો ભરવા કે બીજી વહીવટી કામગીરીની જાણકારી પોતે જાતે મેળવીને આગળ વધતો હતો. આજે તો મોટાભાગના મા- બાપ વિદ્યાર્થીનાં તમામ કામ કરી આપે છે. પ્રવેશ લેવાનો હોય તો પણ તમામ પ્રોસિજર મોટેભાગે મા-બાપ જ કરે છે. આથી પણ વિદ્યાર્થી વધુ પાંગળો થતો જાય છે. વર્તમાન સમયમાં તો પરીક્ષાની વ્યવસ્થા અદ્યતન બની ગઈ હોવા છતાં બાળકને મદદરૂપ થવા માટે મોટા ભાગના મા-બાપ પરીક્ષા વખતે નોકરી કે ધંધામાંથી રજા લઈ લેતા જોવા મળે છે. જે તે સમયની કઠોર પરીક્ષા વ્યવસ્થા હતી તેમ છતાં ડૉક્ટર કે એન્જિનિયર બનતા જ ને? એ સમયે નબળું પરિણામ આવવાથી કોઈ વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોય એવું જાણવા મળ્યું છે? અત્યારની સુવિધાસભર અને સરળ પરીક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમ છતાં સમયાંતરે પરીક્ષાને વધુ ને વધુ સરળ બનાવવા તરફ તંત્ર જઈ રહ્યું છે. ટેકનોલોજીના વિકાસની સાથે સાથે દરેક સુવિધા- સગવડ વધ્યાં જ છે. એનો લાભ લેવો જોઈએ. એના વિરોધને બદલે એ તો આવકારવા જેવી વાત છે.
Also read: નવા વર્ષે ભારતે સામનો કરવો પડશે વિદેશ નીતિમાં આવા નવા પડકારોનો
આ અર્થમાં આજનો વિદ્યાર્થી નસીબદાર છે. વધુ લાભાન્વિત બન્યો છે. સમજો કે આ સમય જીવવા જેવો છે. આજના વિદ્યાર્થીને તો આકાશ એ જ અંત સમજીને અભ્યાસ પાછળ મંડ્યા રહેવું જોઈએ. તેમ છતાં અફસોસ એ વાતનો છે કે ભૂતકાળના વિદ્યાર્થીઓ અગવડની વચ્ચે પણ ઊંચા ગુણાંક સાથે પરીક્ષાઓ પાસ કરીને ઉજજવળ કારકિર્દી બનાવતા, તો પછી આજના વિદ્યાર્થીઓએ ટેકનોલોજીના ફાયદા લઈને પોતાનો વિકાસ કરી બતાવવો જોઈએ ને !
તણખો:
એક વિદ્યાર્થી પ્રવેશ માટે એક એન્જિનિયર કોલેજમાં જાય છે.ગેટ પરના સિક્યુરિટી ગાર્ડને પૂછે છે, ‘આ કોલેજમાં ભણવાનું કેવું છે? મારે એડમિશન લેવું છે.’
સિક્યુરિટી ગાર્ડ કહે, ‘બહુ સારું છે. લઈ લે, હું પણ આ કોલેજમાં જ ભણ્યો છું!’