2025માં 6 નવા મિશન માટે ઇસરો તૈયાર, અમેરિકી ઉપગ્રહ પણ કરશે લોન્ચ
નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) માટે વર્ષ 2025 ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઈસરોએ આ વર્ષની શરૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. મંગળવારે અવકાશ મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે 2025ના પ્રથમ છ મહિનામાં ISROના અડધા ડઝન મોટા મિશન લોન્ચ કરવામાં આવશે, જેમાં ગગનયાન મિશન હેઠળ મહિલા રોબોટ ‘વ્યોમિત્ર’ને અવકાશમાં મોકલવા ઉપરાંત વિશ્વના સૌથી મોંઘા મિશનનો સમાવેશ થાય છે. ભારત-યુએસના સહયોગમાં સંયુક્ત ઉપગ્રહ NISAR પણ લોન્ચ કરવામાં આવશે.
જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં ISRO પહેલું મિશન લોન્ચ કરશે જે એડવાન્સ નેવિગેશન સેટેલાઇટ NVS-02 છે. તેને જીએસએલવી (જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ ઈસરોનું 100મું મિશન હશે.
આ પછી, ISRO તેના પ્રથમ માનવરહિત ગગનયાન મિશન હેઠળ ‘વ્યોમિત્ર’ને અવકાશમાં મોકલશે. આ એક મહિલા રોબોટ છે, જેને ઈસરોએ આ મિશન માટે ખાસ તૈયાર કરી છે. વ્યોમિત્રના મિશનને ગગનયાનના માનવયુક્ત મિશનની પહેલ તરીકે જોવામાં આવશે. તે બરાબર એ જ રીતે કામ કરશે, પણ તેમાં મનુષ્યો નહીં હોય. “જો વ્યોમિત્ર મિશન સફળ થશે તો માનવ અવકાશયાત્રીઓને તે પછી અવકાશમાં મોકલવામાં આવશે,” એમ જિતેન્દ્ર સિંહે કહ્યું હતું.
ભારત અને અમેરિકાના સંયુક્ત પ્રયાસથી વિકસિત નિસાર (NASA-ISRO SAR) સેટેલાઈટ પણ માર્ચમાં લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ વિશ્વનો સૌથી મોંઘો ઉપગ્રહ છે, જેની કિંમત 12,505 કરોડ રૂપિયા છે. મંત્રીએ કહ્યું, “આ ઉપગ્રહ લગભગ દર 12 દિવસે જમીન અને બરફને સ્કેન કરશે અને તેનું રિઝોલ્યુશન ખૂબ જ ઊંચું હશે.” જિતેન્દ્ર સિંહે એમ પણ કહ્યું હતું કે ઈસરોનો જન્મ 1969માં થયો હતો, જ્યારે અમેરિકા ચંદ્ર પર માનવ મોકલવામાં વ્યસ્ત હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ઈસરોએ હરણફાળ ભરી છે. હવે અમેરિકન સેટેલાઈટ્સ લોન્ચ કરી રહ્યું છે. “ISROએ છેલ્લા દાયકામાં યુએસ અને EU પાસેથી 400 મિલિયન ડૉલરથી વધુની આવક ઊભી કરી છે. આગામી વર્ષોમાં આ આંકડો વધવાની સંભાવના છે.”
Also read: ઇસરોને મળી વધુ એક મોટી સફળતા
ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે એમ પણ કહ્યું કે 2025 એક રોમાંચક વર્ષ હશે, કારણ કે આ વર્ષે ISRO ચાર GSLV રોકેટ, ત્રણ PSLV અને એક SSLV લોન્ચ કરશે. ભારતે 2024માં 15 મિશન લોન્ચ કર્યા હતા. 2025 ઇસરો માટે ઐતિહાસિક વર્ષ સાબિત થઈ શકે છે. આ વર્ષ ભારતીય અવકાશ કાર્યક્રમની પ્રગતિમાં એક નવો અધ્યાય લખશે અને વૈશ્વિક મંચ પર ભારતની અવકાશ શક્તિ વધુ મજબૂત રીતે પ્રદર્શિત કરશે.