અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
ધડ – માથાનું ‘પુનર્મિલન’ આપણી લોકકથાઓમાં માથું વઢાઈ ગયા પછી પણ ધડ તલવાર વીંઝી દુશ્મનોનો ખાત્મો બોલાવી દે એવી અનેક ગાથાઓ જાણીતી છે. એકવીસમી સદીમાં યુરોપમાં ધડ – માથાના રિયુનિયનનો ક્લાસિક કિસ્સો નોંધાયો છે. વર્ષો સુધી ન્યૂ યોર્કના વિશ્વવિખ્યાત મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં સંગ્રહિત રોમન સમ્રાટ સેવેરસના ધડનું શિલ્પ 2023માં તુર્કી સરકારની કોશિશથી પરત મળ્યું હતું. ધડ મળ્યા પછી તુર્કી સરકાર ડેન્માર્કના કોપનહેગન શહેરના મ્યુઝિયમના સંચાલકોને એ ધડથી છૂટું પડી ગયેલું માથાનું શિલ્પ મેળવવા અરજ કરી રહી હતી. હવે મ્યુઝિયમના સંચાલકો દાઢીધારી ડોકું સોંપી દેવા તૈયાર થઈ ગયા છે. ઈ. સ. 193થી ઈ. સ. 211 દરમિયાન રોમ પર શાસન કરનાર સેવેરસ કુશળ શાસક હોવા ઉપરાંત શુરવીર યોદ્ધો સુધ્ધાં હતો. ચાર પ્રતિસ્પર્ધીને પછાડી એ ગાદી પર બિરાજમાન થયો હતો. એ સમયે સમ્રાટોને દેવની જેમ પૂજવામાં આવતા હતા અને પ્રજામાં એમને માટે અહોભાવ જોવા મળતો હતો. ધડ અને માથાના આ પુનર્મિલનથી 2000 વર્ષ પહેલાના રોમન સમ્રાટના પૂર્ણ દર્શન મ્યુઝિયમની મુલાકાતે આવતા સહેલાણીઓને થશે.
પત્નીએ જ પતિની કારની ચોરી કરાવી ‘પેટ કરાવે વેઠ’ કહેવતમાં બે ટંકના ભોજન માટે કાળી મજૂરી કરતા માણસની વ્યથા ડોકિયાં કરે છે. આધુનિક જમાનામાં ‘પૈસા કરાવે પેંતરા’ જેવી કહેવત પૈસાની અતિ ભૂખ અને લાલચનું પ્રતિબિંબ છે. યુપીના ગાજિયાબાદમાં પતિની ચોરાયેલી કાર માટે પત્નીની ધરપકડ કરવામાં આવી છે. થયું એવું કે લગ્ન સમારંભમાં ગયેલા નીતિન ત્યાગી નામના શખ્સની કાર પાર્કિંગમાંથી ચોરાઈ ગઈ. પતિએ પોલીસમાં ફરિયાદ કરી અને બહુ જલદી ચોર પકડાઈ ગયો. પોલીસની પૂછપરછમાં ચોરનો ખુલાસો સાંભળી પોલીસને જ નહીં, પતિને પણ ચક્કર આવી ગયા. શ્રીમાન ત્યાગીની શ્રીમતી પવિત્રા ત્યાગીએ જ ચોરી કરાવી હતી, બોલો! કબૂલાત અનુસાર પવિત્રાએ આરોપીને કહ્યું હતું કે ‘અમે બહેનના લગ્ન એટેન્ડ કરવા ફાર્મ હાઉસ જવાના છીએ. ત્યાં પતિની કારની ચાવી આપી દઈશ. તમે કાર ઉઠાવી જજો અને એ વેચીને જે પૈસા મળશે એ આપણે વહેંચી લઈશું. ડુપ્લીકેટ ચાવી બનાવી ઓરિજિનલ પાછી આપી દેજો. મારા પતિને ઈન્શ્યોરન્સ કંપની પાસેથી પૈસા તો મળી જ જશે.’ જોકે, સ્માર્ટ પોલીસે કાર સાથે આરોપીને ઝડપી લીધો અને પવિત્રાનાં અપવિત્ર કરતૂત બહાર આવી ગયાં. સસ્તો ફોન ને જેલની યાત્રા સ્માર્ટફોન અને ઈન્ટરનેટના સદુપયોગથી મનુષ્યના દૈનિક જીવનમાં સગવડોનો સરવાળો થઈ રહ્યો છે તો એના દુરૂપયોગથી પરેશાનીનો ગુણાકાર થઈ રહ્યો છે. ‘ડિજિટલ એરેસ્ટ’થી ‘નવડાવી નાખવાના’ કિસ્સા સતત બની રહ્યા છે. આ વાતાવરણમાં સ્પેનમાં એક મહિલાએ કરેલી ઠગાઈ છળકપટના નવા અવતારનું ઉદાહરણ છે.
આઠ મહિનામાં 311 પુરુષનો ‘શિકાર કરી’ એમની પાસેથી 15 લાખ રૂપિયા પડાવી લેનારી 26 વર્ષની યુવતીનો કિસ્સો ‘કુછ ભી હો સકતા હૈ’નું સમર્થન કરે છે. યુવતી એક સસ્તા અને સાધારણ સ્માર્ટફોન અને ફોટો એસેમ્બલ એપની મદદથી પુરુષોના ચહેરાના ફોટોગ્રાફ લઈ એ ચહેરા અઈં – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરેલા શરીર પર ફિટ કરી એ ‘પુરુષ’ના હૂંફાળા સહવાસના અસલી લાગતા નકલી ફોટોગ્રાફ બતાવી જો મોં માંગી રકમ ન ચૂકવી તો પરિવારના સભ્યો સાથે શેર કરવાની ધમકી આપતી હતી. બદનામીના ડરથી ગભરાઈ ગયેલા પુરુષો ‘ઝંઝટમાંથી મુક્તિ મેળવવા’ પૈસા ચૂકવી દેતા. જોકે, યુવતીનું બ્લેકમેઈલ કરવાનું કૌભાંડ પકડાઈ ગયું અને હવે એ જેલની હવા ખાઈ રહી છે.
ટ્રકને બનાવી દીધું ઘર નોકરી – ધંધા અંગે વારંવાર ઘરથી દૂર રહેતા પતિની રાહ જોતી પત્ની ‘હું તો કાગળિયા લખી લખી થાકી’ જેવા ગીત ગણગણતી. આજની ક્ધયા કાગળ લખવામાં નથી માનતી. વીડિયો કોલ કરી હસબન્ડના હાલહવાલ જાણી લે છે- ગુફ્તેગુ કરી લે છે. એરપોર્ટ પર કાર્ટ ડ્રાઈવરની નોકરી કરતી 29 વર્ષની મિલાનો 31 વર્ષનો પતિ જેરેમી એક અમેરિકન કંપનીમાં ટ્રક ડ્રાઈવરની નોકરી કરે છે. એનો મોટાભાગનો સમય ઘરમાં નહીં, ટ્રકમાં પસાર થાય છે. મેરેજના દોઢેક વર્ષ એકલતાથી અકળાયેલી મિલાએ પતિ ક્યારે ઘરે પાછો ફરશે એની રાહ જોવાને બદલે નોકરી છોડી કાયમ પતિ સાથે રહેવું છે એવું નક્કી કર્યું. પતિને પણ આ વાત પસંદ પડી અને કંપનીએ પત્નીને કાયમ સાથે મુસાફરીની છૂટ તો આપી, જૂની ટ્રકને સેવા નિવૃત્તિ આપ્યા બાદ નવી ટ્રક ખરીદી જેરેમીને એમાં ‘રિનોવેશન’ કરી કિચન અને બેડરુમ પણ બનાવી લીધા. ટ્રક સ્ટોપ્સ કે પેટ્રોલ પંપ પર બ્રેક લઈ દૈનિક ક્રિયા પતાવી દે છે, નોકરીની નોકરી, ઘરનું ઘર અને સાથે ફેરફટકા જેવી લાઈફસ્ટાઈલ બંનેને માફક આવી ગઈ છે. લોકોના સંસાર ચાલતા હોય છે, મિલા- જેરેમીનો સંસાર તો પૈડાં પર સડસડાટ દોડી રહ્યો છે.
Also read:કચ્છી ચોવક : સાધુતા ને સંતત્વને કેવા શણગાર?
લ્યો કરો વાત! નવી નવી ટેકનોલોજી વિકસાવતું મગજ એના ફાયદા સાથે એના ગેરફાયદા કેમ લેવા એ વિશે પણ સતત પ્રવૃત્ત રહે છે. ઉત્તર પ્રદેશના ખ્યાતનામ અલીગઢમાં અઢી કરોડની બનાવટી કરન્સી નોટ સાથે પકડાયેલા આરોપીઓના દિમાગની ‘ફળદ્રુપતા’ ચોંકાવી દેનારી છે. જાળમાં ફસાઈ શકે એવા લોકોને વીડિયો કોલ કરી નોટ ભરેલી બેગ બતાવી કહેતા કે ‘આ નોટ બેંકમાં જમા નહીં કરાવી શકાય પણ બજારમાં એની મદદથી ખરીદી કરી શકાશે.’ વાત માની લેતા લોકો 15 લાખ રૂપિયાની અસલી નોટ આપી 50 લાખની નકલી નોટ લઈ જતા. એક ‘લાભાર્થી’એ 50 લાખ રૂપિયાના ટામેટાંનો ઓર્ડર આપતા વેપારીને શંકા પડી અને ‘અસલી નકલી’ કૌભાંડનો પર્દાફાશ થયો.