આઇટી અને બૅંક શૅરોની વેચવાલી વચ્ચે સેન્સેક્સ સતત બીજા દિવસે ગબડ્યો
( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં જબરી અફડાતફડી, જોવા મળી હતી અને સત્ર દરમિયાન સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુની ઊથલપાથલ નોંધાઇ હતી. સેન્સેક્સ એક તબક્કે ૫૦૦ પોઇન્ટથી વધુ નીચી સપાટીએ ખાબક્યા બાદ ફરી ગ્રીન જોનમાં પાછો ફર્યો હતો અને ત્યારબાદ ફરી ૪૦૦ પોઇન્ટ નીચે અથડાયા બાદ નેગેટીવ ઝોનમાં ૧૨૫થી ૧૭૫ પોઇન્ટની રેન્જમાં અથડાતો રહ્યો અને અંતે ૧૨૫.૬૫ પોઇન્ટ અથવા તો ના ઘટાડા સાથે ૬૬,૨૮૨.૭૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી ૪૨.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૨૨ ટકાના ઘટાડા સાથે ૧૯,૭૫૧.૦૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શેર રેડ ઝોનમાં સરી પડ્યા હતા. ખાસ કરીને આઇટી અને બેન્ક શેરોની વેચવાલીએ પીછેહઠ જોવા મળી હતી, જોકે ઓટો શેરોના રિબાઉન્ડ સાથે બેન્ચમાર્કને ફરી ગ્રીન ઝોન તરફ આગળ વધવાની તક મળી હતી.
અમેરિકામાં ફુગાવાની ચિંતાએ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક પ્રભાવ પાડ્યો હતો. અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા અર્થશાીઓના અંદાજ કરતા ઊંચા આવ્યા બાદ યુએસ ટ્રેઝરી બિલની યિલ્ડમાં વધારો જોવા મળ્યો હતો અને ફેડરલ રિઝર્વ ફરી વ્યાજદરમાં વધારો કરવાની દિશામાં આગળ વધશે એવી અટકળો વચ્ચે ડાઉજોન્સ અને નેસ્ડેક ઇન્ડેક્સ નીચી સપાટીએ ગબડ્યાં હતાં. એશિયામાં પણ મોટાભાગના શેરબજારોમાં પીછેહઠ જોવા મળી હતી. જાપાન, ઓસ્ટ્રેલિયા, તાઇવાનના બેન્ચમાર્ક ગબડ્યાં હતાં. વૈશ્ર્વિક સ્તરે રોકાણકારોની નજર સિટી ગ્રુપ, જેપી મોર્ગન ચેઝ, વેલ્સ ફાર્ગો અને યુનાઇટેડ હેલ્થ ગ્રુપ સહિતની કંપનીઓના પરિણામો પર રહેશે.
સ્થાનિક ધોરણે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) અને બેન્ક શેરોમાં ઘટાડાને કારણે શુક્રવારે ભારતીય શેરબજારમાં પીછેહઠ જોવા મળી હતી. એક્સચેન્જના ૧૩ મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી આઠમાં ઘટાડો થયો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઊંચું વેઇટેજ ધરાવતો આઇટી ઇન્ડેક્સ ૦.૭૫ ટકા ગબડ્યો હતો. ઈન્ફોસિસ અને એચસીએલ ટેકનોએ ગુરૂવારે નબળા ક્લાયન્ટ ખર્ચને હાઈલાઈટ કર્યો હતો અને તેને આધારે તેમની આવકની આગાહીના અંદાજમાં ઘટાડો કર્યો હતો.
ઇન્ફોસિસે તેની વાર્ષિક આવકના અનુમાનના અપર બેન્ડને ૩.૫ ટકાથી ઘટાડીને ૨.૫ ટકા કર્યો અને એચસીેલ ટેકનોએ તેની આવકનો અંદાજ આઠેક ટકાથી ઘટાડીને પાંચેક ટકા કર્યો હતો. ટીસીએસ એ તો અગાઉ જ નબળું ગાઈડન્સ જાહેર કર્યું હતું. એક્સિસ બેન્ક ૨.૩૩ ટકાના કડાકા સાથે ટોપ લુઝર બની હતી. અન્ય લુઝર્સ શેરોમાં ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક, વિપ્રો, એચડીએફસી બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલનો સમાવેશ હતો. જ્યારે ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, એચસીેલ ટેકનોલોજી, નેસ્લે ઇન્ડિયા અને મારુતિ ટોપ ગેઇનર રહ્યાં હતાં.
ઇન્ક્રેડ ફાઇનાન્શિયલ સર્વિસિસ એનસીડીના પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. ૩૦૦ કરોડ સુધી એકત્ર કરવા ધારે છે. ક્રિસિલ દ્વારા એનસીડીને સ્થિર આઉટલુક સાથે એ પ્લસ રેટિંગ આપવામાં આવ્યું છે. કંપની ૩૬ મહિનાની મુદત સાથે ફોર્થ શ્રેણીના એનસીડી માટે ૧૦.૩૦ ટકા સુધીનો કૂપન દર ઓફર કરી રહી છે. ભરણું ૨૫ ઓક્ટોબરે ખુલશે અને સાતમીએ બંધ થશે. કોરિયન સ્કીનકેર બ્રાન્ડ ક્વેન્ચ બોટાનિક્સને ભારતના જેન ઝેડ એન્ડ મિલેનિયમ વર્ગ સુધી લાવવા માટે કરીના કપૂરે કોસ્મેટિક્સ ઉદ્યોગમાં પ્રવૃત્ત સુગર કોસ્મેટિક્સ સાથે વ્યૂહાત્મિક ભાગીદારી કરી છે. કંપની પ્રોડકટનું રિટેલિંગ તમામ લાર્જ ફોરમેટના રિટેલર્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ મારફત કરશે.
ભારતનો સપ્ટેમ્બર રિટેલ ફુગાવો ૫.૦૨ ટકાની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો, ત્યારે યુ.એસ.ના ગ્રાહક ભાવમાં થયેલા વધારાએ લાંબા સમય સુધીના વ્યાજ દરો અંગેની ચિંતા ફરી જાગૃત કરી હોવાથી વૈશ્ર્વિક બજારોમાં વેચવાલી અને પીછેહઠ શરૂ થઈ હતી. મેક્રો ઇકોનોમિક પરિપ્રેક્ષ્યમાં, ફુગાવાના ડેટાના આધાર મુજબ ભારત હજુ પણ એક સ્વીટ સ્પોટ છે. જો કે, ટોચની આઇટી કંપનીઓ તરફથી નબળું રેવન્યુ આઉટલૂક વૃદ્ધિ તરફની ચિંતા દર્શાવે છે અને બજારો પર તે દબાણ લાવી શકે છે કારણ કે રોકાણકારો ગાઈડન્સમાં ઘટાડો થવાની અપેક્ષા રાખતા નહોતા. વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ અને મિડકેપ્સે, બ્લુચિપ્સ કરતાં સારુ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. અર્નિંગ સીઝન સ્મોલ અને મિડ-કેપ્સ માટે અંતિમ કસોટી હશે કારણ કે પરિણામોએ ઊંચા મૂલ્યાંકનને ન્યાયી ઠેરવવું પડશે. ૨૦૨૩માં અત્યાર સુધીમાં નિફ્ટીમાં નવ ટકાની વૃદ્ધિની સરખામણીમાં સ્મોલ અને મિડકેપ્સ અનુક્રમે ૩૩ ટકા અને ૨૯ ટકા વધ્યા છે.
સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૪.૭૬ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૬૦ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૨.૫૫ ટકા, નેસલે ઈન્ડિયા ૨.૦૦ ટકા અને મારુતી સુઝુકી ઈન્ડિયા ૧.૬૨ ટકા વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક ૨.૩૩ ટકા, ઈન્ફોસિસ ૨.૨૪ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૭૧ ટકા, વિપ્રો ૧.૪૩ ટકા અને એચડીએફસી બેન્ક ૦.૮૫ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૨૦ કંપનીઓમાંથી ૧૫ કંપનીઓને ઉપલી અને ૫ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.