Tourism: થોળ અને નળ સરોવર બનશે પ્રવાસન સ્થળ; સરકારે ફાળવી 50 કરોડની ગ્રાન્ટ
અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત રહેશે, રાજ્યમાં આવેલા બે મહત્વના પક્ષી અભયારણ્ય થોળ અને નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે 25-25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. દેશ-વિદેશમાંથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ થોળ અને નળ સરોવર ખાતે આવે છે. રાજ્યના આ બે પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે આર્કિટેક્ટની નિમણુક કરવામાં આવી છે અને નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. બંને જગ્યાએ પર પ્રવાસીઓની સુવિધા વિકસાવાશે અને જરૂરિયાતના આધારે આગામી સમયમાં સુવિધા વધારશે.
અમદાવાદ જિલ્લાના નળ સરોવર અને મહેસાણા જિલ્લાના થોળ સરોવરના વિકાસના કામ અંગે રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યના પ્રવાસન સ્થળો થોળ અને નળ સરોવરને વિકસાવવા માટે ગ્રાન્ટ ફાળવાઈ છે અને આર્કિટેકની નિમણુક કરી આયોજનપૂર્વકનું આકર્ષક બાંધકામની કામગીરી ચાલુ જ છે.
થોળને 2021માં રામસર સાઇટ તરીકેની માન્યતા અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણાના કડી તાલુકાના થોળ ગામ ખાતે થોળ સરોવર આવેલું છે. શિયાળાની ઋતુ દરમિયાન દેશ-વિદેશમાંથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ થોળ ખાતે આવે છે. 699 હેક્ટરમાં ફેલાયેલાં થોળ વનજીવ અભયારણ્યને વર્ષઃ 2021 માં ‘રામસર સાઇટ’ તરીકેની માન્યતા આપવામાં આવી હતી. તેમાં સારસ, કૂંજ, કરકરા, રાજહંસ, ગાજહંજ, શ્વેતભાલ હંસ, વેડર્સ, સ્થાનિક અને યાયાવર બતકો જોવાં મળે છે.
Also read: ગુજરાતના પ્રવાસને ઘેલું લગાડ્યું: પ્રવાસીઓ માટે ગુજરાત બન્યું પ્રથમ પસંદ!
નળ સરોવર પણ યાયાવર પક્ષીઓનું કેન્દ્ર જ્યારે અમદાવાદના સાણંદ અને વિરમગામ નજીક આવેલા નળ સરોવર ખાતે પણ દેશ-વિદેશના પક્ષીઓ આવે છે. 12 હજાર હેક્ટરમાં પથરાયેલાં છીછરા પાણીના તળાવ- નળ સરોવરને વર્ષ: 2012 માં પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. જ્યાં પેંણ, હંજ, કૂંજ, કરકરા, વિવિધ બતકો અને વેડર્સ, આડ, ટીંટોડી, રેડબ્રેસ્ટેડ ગૂઝ, નમાકવા ડવ જેવાં દેશી-વિદેશી પક્ષીઓ જોવાં મળે છે.