13 વર્ષના બિહારી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનો વધુ એક વિક્રમ
હૈદરાબાદઃ અહીં મંગળવારે વિજય હઝારે ટ્રોફીમાં બરોડા (49 ઓવરમાં 277/10)નો બિહાર (50 ઓવરમાં 241/9)નો 36 રનથી રોમાંચક વિજય થયો હતો, પરંતુ આ મૅચમાં બિહારનો 13 વર્ષની ઉંમરનો બૅટર વૈભવ સૂર્યવંશી વધુ છવાઈ ગયો હતો. બરોડાના કૅપ્ટન કૃણાલ પંડ્યાના બૉલમાં આઉટ થયો એ પહેલાં તે (વૈભવ) લિસ્ટ-એ ફૉર્મેટમાં સૌથી નાની ઉંમરે હાફ સેન્ચુરી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો હતો. આઇપીએલના ઑક્શનમાં તે ખરીદવામાં આવેલો યંગેસ્ટ ખેલાડી બની ચૂક્યો છે. રાજસ્થાને તેને 1.20 કરોડ રૂપિયામાં મેળવ્યો છે.
આ પણ વાંચો: વિજય હઝારે ટ્રોફીઃ 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો નવો રેકોર્ડ
વૈભવે 42 બૉલમાં ચાર સિક્સર અને આઠ ફોરની મદદથી 71 રન બનાવ્યા હતા. જોકે તેની એ વિક્રમજનક હાફ સેન્ચુરી બિહારને વિજય નહોતી અપાવી શકી, કારણકે બરોડાના લેફ્ટ-આર્મ સ્પિનર નિનાદ રાઠવાએ 28 રનમાં ચાર વિકેટના તરખાટ સાથે બિહારને અંકુશમાં રાખ્યું હતું. બીજા લેફ્ટ-આર્મ સ્પિનર ભાગર્વ ભટ્ટે બે વિકેટ લીધી હતી.
એ પહેલાં, બરોડાએ જે 277 રન બનાવ્યા એમાં વિકેટકીપર વિષ્ણુ સોલંકી (109 રન, 102 બૉલ, બે સિક્સર, બાર ફોર)નો સૌથી મોટો ફાળો હતો. બિહાર વતી અમોદ યાદવે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
દરમ્યાન વૈભવ તાજેતરમાં માત્ર 13 વર્ષની ઉંમરે રણજી ટ્રોફીની મૅચ રમ્યો ત્યારે પણ રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો.