કર્ણાટકમાં સિલિન્ડર વિસ્ફોટમાં વધુ બેનાં મોતઃ મૃતકોની સંખ્યા વધી
હુબલીઃ કર્ણાટકના હુબલીના સાઇનગરમાં અયપ્પાસ્વામી સન્નિધાન ખાતે એલપીજી ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં દાઝી ગયેલા ભગવાન અયપ્પાના વધુ બે ભક્તોના મોત થયા હતા. આ સાથે ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને આઠ પર પહોંચી ગઇ હતી. સરકારે મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના લખનૌમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ, છ લોકો ઘાયલ
પોલીસે જણાવ્યું હતું કે મૃતકો જે રૂમમાં રહેતા હતા તેમાં રાંધણગેસના સિલિન્ડર બ્લાસ્ટને કારણે નવ લોકો દાઝી ગયા હતા. એક અઠવાડિયા કરતાં વધુ સમય પહેલાં જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ઘાયલો સૂઇ રહ્યા હતા. તેજશ્વરા સતારેનું મૃત્યું સોમવારે રાત્રે થયું હતું જ્યારે પ્રકાશ બાર્કરેએ મંગળવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચો: Cylinder blast: LPG કે Oxygen સિલિન્ડર બ્લાસ્ટમાંથી કોણ સૌથી વધુ ખતરનાક?
પોલીસને શંકા છે કે ભક્તોએ ભોજન બનાવ્યા બાદ ગેસ સિલિન્ડરની નોબ યોગ્ય રીતે બંધ કરી નહોતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. જે લોકો દાઝી ગયા હતા તેમને હુબલીમાં કર્ણાટક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા હતા.