પુણેમાં રેલવે ટ્રેકને ઉડાવી દેવાનું વધુ એક કાવતરુંઃ પોલીસ તપાસમાં લાગી
![Railway Tracks Conspiracy in Pune Investigation Underway](/wp-content/uploads/2024/12/Railway-Tracks-Conspiracy-in-Pune-Investigation-Underway.webp)
પુણેઃ ભારતીય રેલવેમાં વીતેલા વર્ષે થયેલા અકસ્માતોએ રેલવેની ઊંઘ હરામ કરી નાખી હતી, જ્યારે ટ્રેક પર કરવામાં આવતા ષડયંત્રોએ પણ સુરક્ષા મુદ્દે અનેક સવાલો કર્યાં હતા, ત્યારે તાજેતરમાં પુણેમાં રેલવે ટ્રેક પર ગેસનો સિલિન્ડર મળતા ખળભળાટ મચી ગયો હતો.
ભારતીય રેલવેમાં રેલવે ટ્રેક પર ગેસનો સિલિન્ડર હોય કે લોખંડના સળિયા મૂકીને અકસ્માત કરવાના કાવતરાઓ વધી રહ્યા છે. પુણેના ઉરુલી કંચન વિસ્તારમાં રવિવારે રાત્રે રેલવે ટ્રેક પર ગેસનો સિલિન્ડર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ટ્રેનના લોકો પાયલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી. આ અંગે કંચન પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: હરિદ્વારમાં રેલવે ટ્રેક પર ડિટોનેટર મળ્યા, GRP આરોપીની ધરપકડ કરી
આ બનાવ રવિવારે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે પુણેના ઉરુલી કંચન સેક્શનમાં બન્યો હતો. ટ્રેનના લોકો પાઇલટ (શરદ શાહજી વાલ્કે ૩૮ વર્ષ) રેલવે લાઇનનું નિરીક્ષણ કરી રહ્યા હતા તેણે જોયું તો ટ્રેક પર ગેસનો સિલિન્ડર હતો. પ્રિયા ગોલ્ડ કંપનીનો ગેસ સિલિન્ડર રેલવે ટ્રેક પર જોવા મળતા કંટ્રોલ રુમ અને સુરક્ષા પ્રશાસનને જાણ કરી હતી.
જોકે, સૌથી મોટી ચોંકાવનારી વાત એ હતી કે સિલિન્ડર ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉચકી શક્યા નહોતા. કહેવાય છે કે સિલિન્ડર બહુ વજનવાળો હતો. લોકો પાયલોટે તરત જ સિલિન્ડરને રેલ્વે ટ્રેક પરથી દૂર ખસેડ્યો અને સંભવિત અકસ્માત ટાળ્યો હતો. લોકો પાયલટ (શરદ વાલ્કે)એ તરત જ પોલીસ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓને આની જાણ કરી હતી. આ પછી ઉરુલી કંચન પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રેલવેની કલમ ૧૫૦, ૧૫૨ હેઠળ અકસ્માત સર્જવાના પ્રયાસનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ટ્રેન ઉથલાવવાનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ, કાનપુરમાં રેલવે ટ્રેક પર મળ્યો ગેસ સિલિન્ડર
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. દૌડ વિભાગના ઉપ-વિભાગીય પોલીસ અધિકારી બાપુરાવ દાદા અને ઉરુલી કંચન પોલીસ સ્ટેશનના પોલીસ નિરીક્ષક શંકર પાટીલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ કરી સુરક્ષિત પગલાં ભરવાની સૂચનાઓ આપી હતી.
અહીં એ જણાવવાનું કે ગયા મહિને ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવી ઘટનાઓ સામે આવી હતી, જ્યાં ટ્રેનને ઉડાવી દેવાનું કાવતરું ઘડીને પાટા પર ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો.