દુકાનમાંથી દોઢ કરોડના હીરા ચોરી ફરાર થયેલો કર્મચારી રાજસ્થાનમાં પકડાયો
પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપી 13 વાહન બદલીને તેના વતન ઈડર પહોંચ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માલિક સાથે થયેલા વિવાદ પછી દુકાનમાંથી અંદાજે દોઢ કરોડ રૂપિયાના હીરા ચોરી ફરાર થઈ ગયેલા કર્મચારીને પોલીસે રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો. ગોરેગામથી ફરાર થયેલા આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા ઘણી ચાલાકી વાપરી હતી. 13 વાહન બદલીને ઈડર પહોંચેલા આરોપીએ વિરારની ખાડીમાં ડાયમંડ્સ ફેંક્યા હોવાનો વીડિયો પણ વાયરલ કર્યો હતો.
ગોરેગામ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ સચિન જસવંત મકવાણા (40) તરીકે થઈ હતી. ભાયંદરમાં રહેતો મકવાણા ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઈડરનો વતની છે. દારૂ પીવાના વ્યસનને કારણે માલિકે ઠપકો આપ્યા પછી મકવાણાએ ગુનો આચર્યો હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: શાહપુરમાં ગોળી મારી જ્વેલરી સ્ટોરના સેલ્સમૅનની હત્યા: શૂટરો બૅગ લૂંટી ફરાર…
પોલીસ ફરિયાદ અનુસાર મકવાણા પાંચ-છ મહિના અગાઉ ગોરેગામના જવાહરનગર ખાતેની દુકાનમાં કામે લાગ્યો હતો. માલિક સાથે વાંકું પડતાં 10 ડિસેમ્બરની સવારે તે દુકાનમાંથી અંદાજે દોઢ કરોડના હીરા ચોરી ફરાર થઈ ગયો હતો. આ પ્રકરણે કિરણ રોકાની (68)એ ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે દુકાનથી માંડીને આરોપી જે માર્ગે ગુજરાત પહોંચ્યો હતો ત્યાં સુધીના લગભગ 200થી વધુ સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. અધિકારીના જણાવ્યા મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવાને ઇરાદે આરોપી વારંવાર વાહનો બદલતો હતો. 13થી વધુ વાહન બદલીને આરોપી તેના વતન ઈડર પહોંચ્યો હોવાનું તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: 25 લાખની સોનાની બિસ્કિટ્સ ભરેલી બૅગ ઝૂંટવી ફરાર થયેલા બે પકડાયા…
દરમિયાન આરોપીએ એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં ભાયંદરની ખાડીમાં તે હીરા ફેંકતો હોવાનું નજરે પડે છે. પોલીસ પીછો કરવાનું છોડી દે તે માટે આરોપીએ આવું ગતકડું કર્યું હોવાનું કહેવાય છે. ખરેખર તો આરોપીએ સાચા હીરા ખાડીમાં ફેંક્યા જ નહોતા.
ગુજરાત પહોંચેલી પોલીસની ટીમે આરોપીનાં સગાંસંબંધી અને મિત્રોના મોબાઈલ ફોનના ડેટા ચકાસ્યા હતા. પોલીસને એક શંકાસ્પદ નંબર હાથ લાગ્યો હતો, જે મકવાણાના મિત્રનો હતો. તપાસ દરમિયાન મિત્ર મકવાણા સાથે હોવાની જાણકારી મળી હતી. આ નંબરનું લૉકેશન વારંવાર મધ્ય પ્રદેશ અને રાજસ્થાન દર્શાવાતું હતું. આખરે રાજસ્થાનની ગડી પોલીસની મદદથી આરોપીને તાબામાં લેવાયો હતો. તેની પાસેથી ચોરેલા હીરા અને રોકડ જપ્ત કરવામાં આવી હતી.