વાલ્મીક કરાડે આત્મસમર્પણ કર્યા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મુંબઈ: મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં અત્યાર સુધી ફરાર આરોપી વાલ્મીક કરાડ આખરે 22 દિવસ બાદ સરેન્ડર થયો છે. તેણે મંગળવારે પુણે સીઆઈડીની ઓફિસમાં આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. અમારો હેતુ આ કેસમાં આરોપીઓને સજા કરાવવાનો અને સંતોષ દેશમુખને ન્યાય અપાવવાનો છે. મારે આ મામલે થઈ રહેલા રાજકારણ વિશે કંઈ કહેવું નથી, પરંતુ કેટલાક લોકો માત્ર રાજકારણ કરવા માગે છે. તેમની રાજનીતિ તેમના માટે સારી છે, એમ ફડણવીસે કહ્યું હતું.
કોઈ પણ હોય, કાર્યવાહી કરવામાં આવશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે સંતોષ દેશમુખ કેસમાં સામેલ દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે ગુંડાઓનું રાજ ચાલવા નહીં દઈએ. અમે કોઈપણ આરોપીને શોધી કાઢીશું. જ્યાં સુધી આરોપીને ફાંસી ન અપાય ત્યાં સુધી તપાસ ચાલુ રહેશે. આ કેસમાં કોઈનું દબાણ કામ કરશે નહીં. પોલીસ પુરાવાના આધારે કાર્યવાહી કરશે. પુરાવા હશે તો કોઈને બક્ષવામાં આવશે નહીં. સંતોષ દેશમુખને ન્યાય આપવો તે મારા માટે મહત્વપૂર્ણ છે.
સંતોષ દેશમુખના ભાઈ સાથેની વાતચી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, દિવંગત સંતોષ દેશમુખને ન્યાય મળે તે મારા માટે મહત્વપૂર્ણ છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે, મેં સંતોષ દેશમુખના ભાઈ સાથે ફોન પર વાત કરી છે. મેં તેમને કહ્યું છે કે તમારે કોઈ વાતની ચિંતા ન કરવી જોઈએ. તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. કોઈનું દબાણ કામ કરશે નહીં. પોલીસ પુરાવાના આધારે કાર્યવાહી કરશે. જ્યાં પુરાવા હશે તેને બક્ષવામાં આવશે નહીં. શું આ કેસમાં 302નો કેસ દાખલ થશે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ પોલીસનો નિર્ણય છે. પોલીસ પુરાવાના આધારે નિર્ણય લેશે. સીઆઈડીને સ્વાયત્તતા આપવામાં આવી છે.
Also read: નાગપુરમાં દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં લગાવવામાં આવ્યા પોસ્ટર્સ
હું રાજકારણમાં જવા માંગતો નથી શું ધનંજય મુંડે આ કેસમાં સામેલ છે? એવા સવાલ પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું આ પ્રકરણે રાજકારણ કરવા માગતો નથી. જો કોઈની પાસે પુરાવા હોય તો આપવા વિનંતી છે. કેટલાક લોકો રાજકારણ કરવા માગે છે. તેમનું રાજકારણ તેમને ખુશ રાખે. તેઓએ રાજકારણ કરતા રહેવું. અમારી સ્થિતિ સ્પષ્ટ છે. દિવંગત સંતોષ દેશમુખને ન્યાય જોઈએ છે અને અમે તે અપાવીને રહીશું.