નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની કાર્યવાહી:
રૂ. 135 કરોડનું ડ્રગ્સ જપ્ત: બે વિદેશી મહિલા સહિત નવ જણની ધરપકડ
મુંબઈ: નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ યુનિટે મુંબઈ, પુણે, સુરત તથા અન્ય સ્થળે કાર્યવાહી કરીને રૂ. 135 કરોડની કિંમતનું ડ્રગ્સ સાથે બે વિદેશી મહિલા સહિત નવ જણની ધરપકડ કરી હતી.
એનસીબીની ટીમે સૌપ્રથમ 2 સપ્ટેમ્બરે નવી મુંબઈના ખારઘર વિસ્તારથી પોલ ઇકેના ઉર્ફે બોસમેન નામના નાઇજીરિયનને 1.959 કિલો કોકેઇન સાથે ઝડપી પાડ્યો હતો. પોલ પાસેથી ડ્રગ્સ લઇને તે સુરત સહિત ગુજરાતના અન્ય સ્થળે વેચનારા તસ્કરો સાકિર અને સુફિયાનની ધરપકડ કરવામાં આવી હતી. પોલને મીરા રોડમાં ગેરકાયદે આશ્રય આપનારા જમીનમાલિકની અને તેના ડ્રગ્સનાં નાણાં લોન્ડરિંગ કરવામાં મદદ કરનારા બેન્ક મેનેજરની ધરપકડ કરાઇ હતી.
આ ડ્રગ્સ વિદેશી મુંબઈ લાવવામાં આવતું હતું અને તે બાદમાં મુંબઈ, ગોવા, બેંગલુરુ, હૈદરાબાદ અને દિલ્હી પહોંચાડવામાં આવતું હતું. પોલ 1989, 2001 અને 2003માં પણ ડ્રગ્સના કેસમાં પકડાયો હતો.
દરમિયાન એનસીબીએ બીજા ઑપરેશનમાં 12 ઑક્ટોબરે સાઓ પાઉલોથી આવીને દક્ષિણ મુંબઈના ખેતવાડી વિસ્તારની હોટેલમાં રહેતી બે બોલિવિયન મહિલાને ઝડપી પાડી હતી. તેમણે આંતરવસ્ત્રો, કપડાં, ટૂથપેસ્ટ, કોસ્મેટિક ટ્યૂબ્સ, સાબુ, ફૂટવેર, મેકઅપ કિટમાં ભૂકી, દ્રવ્ય અન પેસ્ટના સ્વરૂપમાં ડ્રગ્સ છુપાવ્યું હતું.
ત્રીજા ઑપરેશનમાં પુણેના કાન્હુર મેસાઇ અને આંબેગાંવથી 6 ઑક્ટોબરે આલ્પ્રાઝોલમ નામના નશીલો પદાર્થ બનાવવા માટે ઊભી કરાયેલી બે ફેક્ટરીનો એનસીબીએ પર્દાફાશ કર્યો હતો. આ ફેક્ટરીઓ અંતરિયાળ વિસ્તારમાં વાહન પણ ન જઇ શકે એવી જગ્યાએ ઊભી કરાઇ હતી. અહીંથી પણ આલ્પ્રાઝોલમ ઉત્પાદન કરવા માટે રખાયેલો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. એ માલનું વેચાણ કરનારની હૈદરાબાદથી ધરપકડ કરાઇ હતી. આ પદાર્થનો મુખ્યત્વે ગેરકાયદે તાડી બનાવવા ઉપયોગ કરાતો હતો અને તે મહારાષ્ટ્ર, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં વેચવામાં આવતો હતો, એમ ઝોનલ ડિરેક્ટર અમિત ઘાવટેએ જણાવ્યું હતું.
આમ એનસીબીની ટીમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ટિકેટનો પર્દાફાશ કર્યો હતો અને કુલ 6.959 કિલો કોકેઇન તેમ જ 199.25 કિલો આલ્પ્રોઝોલમ જપ્ત કર્યું હતું.