ટેસ્ટ ટીમમાંથી બાકાત અને આઇપીએલમાં અનસૉલ્ડ ખેલાડીની અમદાવાદમાં હૅટ-ટ્રિક સદી, સિલેક્ટરોએ હવે તો…
અમદાવાદઃ એક તરફ ભારતીય ટેસ્ટ-ટીમ ઑસ્ટ્રેલિયામાં સિરીઝની હારથી બચવા ભારે સંઘર્ષ કરી રહી છે ત્યાં બીજી બાજુ અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફીમાં ટેસ્ટ-ક્રિકેટ રમી ચૂકેલો 33 વર્ષીય ઓપનિંગ બૅટર મયંક અગરવાલ સેન્ચુરી પર સેન્ચુરી ફટકારી રહ્યો છે. તેણે આજે અહીં સદીની હૅટ-ટ્રિક કરી હતી.
એક સમય હતો જ્યારે મયંક ભારતીય ટેસ્ટ ટીમનો મહત્ત્વનો હિસ્સો હતો, પણ શું રાજકારણ રમાયું કે પોણાત્રણ વર્ષથી તેને ટીમથી દૂર કરી દેવાયો છે.
ફાંકડી ફટકાબાજી કરતા મયંકે વિજય હઝારે ટ્રોફીમાં કર્ણાટક વતી 26મી ડિસેમ્બરે પંજાબ સામે 109.44ના સ્ટ્રાઇક રેટ સાથે 127 બૉલમાં ત્રણ સિક્સર અને સત્તર ફોરની મદદથી મૅચ-વિનિંગ 139 રન કર્યા, 28મી ડિસેમ્બરે અમદાવાદમાં જ અરુણાચલ પ્રદેશ સામે ફક્ત 45 બૉલમાં સાત સિક્સર અને સાત ફોરની મદદથી અણનમ 100 રન બનાવીને એમાં પણ કર્ણાટકને વિજય અપાવ્યો હતો અને આજે હૈદરાબાદ સામે 112 બૉલમાં બે સિક્સર, પંદર ફોર સાથે 124 રન ખડકી દીધા.
આપણ વાંચો: વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, બરોડાનો વિજય…
ભારત વતી 21 ટેસ્ટ ઉપરાંત પાંચ વન-ડે રમી ચૂકેલા મયંકે અગાઉ ભારતને કેટલીક મૅચોમાં વિજય અપાવ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે ઉપરાંત મયંક અગરવાલ જેવા ભરોસાપાત્ર બૅટરની ખાસ જરૂર હતી એ વાત સાથે કોઈ પણ સહમત થશે. એમાં હવે તેણે બૅક-ટુ-બૅક ત્રણ સદી ફટકારીને સિલેક્ટર્સને જરૂર વિચારતા કરી દીધા હશે.
આવનારા મહિનાઓમાં બીજું કંઈ નહીં, પણ ફેબ્રુઆરીની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે તો મયંકે દાવો મજબૂત કરી જ દીધો છે એમ કહી શકાય. વિજય હઝારે ટ્રોફી મયંક માટે નસીબવંતી ટૂર્નામેન્ટ પુરવાર થઈ શકે, કારણકે આ સ્પર્ધા મારફત તે ટીમ ઇન્ડિયામાં કમબૅક કરી શકે એમ છે.
મયંક છેલ્લે ભારત વતી માર્ચ, 2022માં હોમટાઉન બેન્ગલૂરુમાં શ્રીલંકા સામેની ટેસ્ટમાં રમ્યો હતો. એમાં તે બન્ને દાવમાં (4 અને 22) સારું નહોતો રમી શક્યો. જોકે ભારતે એ મૅચ 238 રનના તોતિંગ તફાવતથી જીતી લીધી હતી.
આપણ વાંચો: વિજય હઝારે ટ્રોફીઃ 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ બનાવ્યો નવો રેકોર્ડ
તેણે 21 ટેસ્ટમાં ચાર સદીની મદદથી કુલ 1,488 રન બનાવ્યા હતા. 109 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં તેના નામે 18 સેન્ચુરી, 43 હાફ સેન્ચુરી તેમ જ કુલ 7,933 રન છે. આઇપીએલ સહિતની ટી-20 ક્રિકેટમાં તે 5,000 જેટલા રન બનાવી ચૂક્યો છે.
છેલ્લે 2020માં ભારત વતી વન-ડે રમનાર મયંકને આઇપીએલના ઑક્શનમાં આ વખતે એકેય ટીમે નહોતો ખરીદ્યો, પરંતુ હવે તેણે પોતાની કાબેલિયત સામે આંગળી ચીંધનારાઓને બૅટથી જવાબ આપી દીધો છે.