વર્ષના છેલ્લા દિવસે મુંબઈની લોકલ ટ્રેનોમાં ‘ધાંધિયા’
રેલ ફ્રેકચરને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેનસેવાને અસર
!['Dhandhiya' in Mumbai's local trains on the last day of the year](/wp-content/uploads/2024/12/mumbai-local-technical-failure.webp)
મુંબઈઃ વિદાય થઈ રહેલા 2024ના છેલ્લા દિવસે મુંબઈ સબર્બન રેલવેની લોકલ ટ્રેનોમાં ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.
પશ્ચિમ રેલવેમાં ટ્રેક ફ્રેકચરને કારણે વિરાર-વસઈ કોરિડોરમાં ટ્રેનો લગભગ અડધોથી પોણો કલાક મોડી દોડતી હતી. વિરાર-ચર્ચગેટ કોરિડોરમાં લોકલ ટ્રેનો મોડી પડવા મુદ્દે કોઈ પણ પ્રકારની એનાઉન્સમેન્ટ પણ નહીં કરતા પ્રવાસીઓએ રેલવેની સિસ્ટમ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. વિરાર અને નાલાસોપારાની વચ્ચે રેલ ફ્રેકચરને કારણે ટ્રેનો લગભગ અડધો કલાક મોડી દોડી રહી છે. પ્રશાસન દ્વારા મરમ્મતનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હોવા છતાં આ અંગે કોઈ જાહેરાત નહીં કરતા
વસઈના રહેવાસી પિયૂષ પાંડેએ કહ્યું હતું કે પીક અવર્સમાં લોકલ ટ્રેનો નિયમિત રીતે મોડી દોડતી હોય છે, પરંતુ આજે નોન-પીક અવર્સમાં અડધો કલાક મોડી દોડી રહી છે. શરમની વાત એ છે કે રેલવે આ મુદ્દે કોઈ જાહેરાત પણ કરતું નથી, તેથી પ્રવાસીઓને અસમંજસ રહે છે. છેલ્લી ઘડીએ રેલવે પ્લેટફોર્મ બદલવાને કારણે સિનિયર સિટિઝન પણ હેરાન થાય છે. આજે પણ વિરારથી-બોરીવલી વચ્ચે લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડવાને કારણે રેલવેએ છેલ્લા દિવસે પ્રવાસીઓને નારાજ કર્યાં હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે પશ્ચિમ રેલવે પ્રશાસન દ્વારા સત્તાવાર માહિતી મળી નહોતી, પરંતુ પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર પ્રશાસન વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો.
આ પણ વાંચો…બીડમાં સંતોષ દેશમુખની હત્યાના કિસ્સામાં મુખ્ય આરોપીએ કર્યું આત્મ સમર્પણ…
મધ્ય રેલવેની ટ્રેનો પણ ‘રેગ્યુલર’ નહીં…
મધ્ય રેલવેમાં ડોંબિવલીથી સીએસએમટી વચ્ચે અપ ફાસ્ટ લાઈનમાં વિના કારણ લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડતી હોવા છતાં કોઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નહોતું. બપોરના નોન-પીક અવર્સમાં પણ અપ ફાસ્ટ લાઈનમાં ટ્રેનો મોડી હોવા છતાં કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી, પરિણામે ડોંબિવલી, થાણે, ઘાટકોપરમાં કલાકો સુધી ફાસ્ટ ટ્રેનો માટે પ્રવાસીઓને રાહ જોવાની નોબત આવી હતી.