બોરીવલી (પૂર્વ) અને ભાયખલામાં આજથી તમામ વિકાસકામ બંધ
વરલી અને કોલાબા નેવી નગર બીએમસીના રડાર પર રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી જે વિસ્તારમાં હવાની ગુણવત્તા એર ક્વૉલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયો છે તે વિસ્તાર પર સુધરાઈ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આગામી ૨૪ કલાકની અંદર બોરીવલી (પૂર્વ) અને ભાયખલામાં ખાનગી અને જાહેર બંને પ્રકારની બાંધકામ પ્રવૃત્તિઓને રોકી દેવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાએ આપ્યો છે, જે વિસ્તારમાં એક્યુઆઈ ૨૦૦ કરતા નીચો નોંધાઈ રહ્યો છે તે વરલી અને કોલાબા-નેવી નગર જેવા વિસ્તારમાં પણ વિકાસકામ પર ખાસ ધ્યાન આપવાની અને અહીં જો પ્રદૂષણનું સ્તર સતત વધતું રહ્યું તો અહીં પણ તમામ બાંધકામ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. પ્રદૂષણને નિયંત્રણમાં રોકતી ગાઈડલાઈનને અમલમાં નહીં મૂકનારા સામે મહારાષ્ટ્ર રિજનલ ટાઉન પ્લાનિંગ (એમઆરટીપી) અધિનિયમ બાવન હેઠળ કાયદાકીય પગલા લેવાની ચીમકી પણ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આપી છે, જેમાં સંભવિત રીતે બિન-જામીનપાત્ર પોલીસ કેસ નોંધવામાં આવશે.
મુંબઈમાં વધતા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હોવા છતાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે મુંબઈમાં લગભગ ૨૨૦૦ ખાનગી ક્ધસ્ટ્રકશન સાઈટ પર વિકાસનાં કામ ચાલી રહ્યા છે. તો દરેક વોર્ડ સ્તરે ઓછામાં ઓછા ૫૦થી ૬૦ સાઈટ્સ પર કામ ચાલી રહ્યા છે. ઓછું હોય તેમ વાહનોને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને બાંધકામ સાઈટ્સ પર નીકળતી ધૂળને કારણે પણ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.
હાલ ૨૦૦થી વધુ એક્યુઆઈ જયાં નોંધાયા છે તે બોરીવલી (પૂર્વ) અને ભાયખલામાં તમામ ખાનગી અને સરકારી વિકાસકામો તાત્કાલિક ધોરણે એટલે કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪થી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. તો જયાં ૨૦૦થી નીચે એક્યુઆઈ છે તે વરલી અને કોલાબા-નેવી નગરમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની સૂચના આપવામાં આવી છે. પાલિકાએ ગયા વર્ષે બહાર પાડેલી ૨૮ મુદ્દા સાથેની ગાઈડલાઈનની અમલબજવણી કરવામાં આવી નહી તો ત્યાં જે કામ ચાલી રહ્યા છે, તેને તાત્કાલિક બંધ કરવા માટે સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવશે.
આ પણ વાંચો…બીડમાં સરપંચની હત્યા કેસમાં નવો ખુલાસોઃ એક મોટા નેતાને ૧૬ કોલ આવ્યાનો દાવો
પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ કહ્યું હતું કે જે વિસ્તારમાં એક્યુઆઈ ઊંચો છે ત્યાં ખાસ કરીને આજથી ઈન્સ્પેકશન કરવામાં આવવાનું છે. ક્ધસ્ટ્રકશન સાઈટ પર જો નિયમનું પાલન કરવામાં આવતું ન હોવાનુ જણાયું અને એ વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર વધારે જણાયું તો સંબંધિત ડેવલપરને સ્ટોપ વર્કની નોટિસ આપવામાં આવશે અને આપેલા સમયમાં તેઓ નિયમોનું પાલન કરી રહ્યા છે તે સાબિત કરવું પડશે અન્યથા જયાં સુધી પ્રદૂષણ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ શરૂ નહીં કરી શકશે.
રસ્તાના કામ ચાલુ જ રહેશે
પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે તે માટે બાંધકામ પ્રવૃત્તિને જવાબદાર માનવામાં આવે છે ત્યારે હાલ મુંબઈમાં મોટા પ્રમાણમાં રસ્તાનાં કામ ચાલી રહ્યા છે, તેને રોકવામાં આવશે નહીં એવું જણાવતા કમિશનરે કહ્યું હતું કે ચોમાસા પહેલા સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનના કામ પૂરા કરવાના છે. જોકે આ કામ કાળજીપૂર્વક કરવામાં આવશે. ટ્રેન્ચિંગ એટલે કે યુટિલિટિઝ સર્વિસ માટે ખોદકામની મંજૂરી આપવામાં આવશે નહીં. છેલ્લાં ત્રણ વર્ષમાં હવાની ગુણવત્તાને ધ્યાનમાં લેતા આ વર્ષે હવાની ગુણવત્તા સારી છે, છતાં સંતોષજનક નથી એવું પણ કમિશનરે કહ્યું હતું.
બાંધકામ પર પ્રતિબંધ
મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા માટેની ગાઈડલાઈન અમલમાં મૂકયા બાદ પણ એક્યુઆઈ ૨૦૦થી ઉપર નોંધાવાનું ચાલુ જ રહેશે. તો સંબંધિત વિસ્તારોમાં બાંધકામ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ગ્રેડેડ રિસ્પોન્સ પ્લાન હેઠળ બંધ કરવામાં આવશે. મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સેક્રેટરી અવિનાશ ઢાંકણેએ જણાવ્યું હતું કે લાંબા ગાળાના પગલામાં રેડી મિક્સ કૉંક્રીટ પ્લાન્ટને આમાં આવરી લેવામાં આાવશે. નવા પ્લાન્ટને મુંબઈની બહાર જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
પોલીસમાં ગુનો નોંધાશે.
પાલિકાએ નવેમ્બર ૨૦૨૪થી અત્યાર સુધી ૮૭૭ ક્ધસ્ટ્રકશન સાઈટનું ઈન્સ્પેકશન કર્યું છે. ૨૮ મુદ્દા સાથેની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેનું આજથી ફરી મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ખાસ કરીને જ્યાં એક્યુઆઈ ઊંચો છે ત્યાં ઈન્સ્પેકશન કરવામાં આવવાનું છે. નિયમોનું ઉલ્લંઘન થતા જણાયું તો સ્ટોપ વર્કની નોટિસ અપાશે. અત્યાર સુધી ૨૮૬ ઠેકાણે સ્ટોપ વર્કની નોટિસ ફટકારવામાં આવી છે. જો સ્ટોપ વર્કની નોટિસ આપ્યા બાદ પણ કામ ચાલુ રાખવામાં આવ્યું તો તેમની સામે એમયુટીપી અંતર્ગત પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવશે.
પ્રદૂષણ માટે નૈસર્ગિક વાતાવરણ પણ જવાબદાર
શિયાળાના પવનોની ગતિ ધીમી હોય છે અને તાપમાન પણ ઓછું હોય છે, તેથી ઠંડીના સમયમાં સૂકા પવનો અને વાદળિયા વાતાવરણને કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થાય છે. પવનોની ગતિ ધીમી હોવાથી તેમાં ધૂળના કણો વાતાવરણમાં નીચેના સ્તરમાં જ રહેતા હોય છે. તેને કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે.
એમએમઆરડીએની સાથે અમારે કંઈ લેવા દેવા નહીં
મુંબઈમાં પ્રદૂષણ નિયંત્રણમાં આવે નહીં ત્યાં સુધી નાના-મોટા કામ પર પ્રતિબંધ મૂકવામાં આવવાનો છે, પરંતુ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા હાલ મેટ્રો રેલ સહિત અનેક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, તે બાબતે પાલિકા કમિશનરે અમારે તેની સાથે કોઈ લાગતું વળગતું ન હોવાનું કહીને હાથ ઉપર કરી દીધા હતા.