નવી દિલ્હી : પંજાબથી દિલ્હી આવવા નિષ્ફળ રહેલા ખેડૂતો સંગઠનોએ સોમવારે પંજાબ બંધનું એલાન આપ્યું હતું. ખેડૂત સંગઠનો પોતાની વિવિધ માંગ સાથે છેલ્લા અનેક દિવસોથી વિરોધ પ્રદર્શન(Farmers Protest)કરી રહ્યા છે. તેમજ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ 36 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. તેમના સ્વાસ્થ્ય મુદ્દે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરવાની છે. છેલ્લી સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે તેમને કોઈ પણ રીતે સારવાર માટે રાજી કરવામાં આવે.
આ પણ વાંચો : Farmers Protest : પંજાબમાં જોવા મળી બંધની અસર, 163 ટ્રેનો રદ, 200 થી વધુ રોડ બ્લોક
પેનલે ખેડૂતોને વર્ચ્યુઅલ મીટિંગ માટે આમંત્રણ મોકલ્યું
આ ઉપરાંત હવે ખેડૂત આંદોલનને સમાપ્ત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી પેનલ પણ 3 જાન્યુઆરીએ ખેડૂતો સાથે વાત કરશે. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ નવાબ સિંહની અધ્યક્ષતામાં પેનલની રચના કરી હતી. પેનલે ખેડૂતોને વર્ચ્યુઅલ મીટિંગ માટે આમંત્રણ મોકલ્યું છે. આ પેનલમાં હરિયાણાના ભૂતપૂર્વ ડીજીપી બીએસ સંધુ, કૃષિ નિષ્ણાત દેવિન્દર શર્મા, પ્રોફેસર રણજીત સિંહ ખુમાન અને પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણાના પ્રોફેસર ડૉ. સુખપાલ સિંહનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Farmers Protest: આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા દલ્લેવાલની સ્થિતિ નાજુક, હૃદય રોગનો ખતરો
ઉલ્લેખનીય છે કે, ખેડૂત સંગઠનોએ સોમવારે 9 કલાકના બંધનું એલાન આપ્યું હતું. ખેડૂતોના આંદોલનને કારણે સોમવારે પંજાબમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. જેમાં ટ્રેન અને પરિવહન થંભી ગયા હતા. કિસાન મજદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચાએ બિનરાજકીય બંધનું એલાન આપ્યું હતું.