વર્ષ 2024: ખેલજગતમાં ભારતનો ચારેકોર ડંકો વાગ્યો
ખેલકૂદમાં ભારત માટે વીતેલું વર્ષ એકંદરે શાનદાર રહ્યું. ટી-20માં ભારત 17 વર્ષે ફરી વર્લ્ડ ચૅમ્પિયન બન્યું તેમ જ વિવિધ રમતોમાંથી ઍથ્લીટોએ વૈશ્ર્વિક મંચ પર ભારતનો ધ્વજ લહેરાવ્યો
સ્પોટર્સ ફીલ્ડ -અજય મોતીવાલા
ક્રિકેટમાં કરન્ટ ઓછા, પણ કરિશ્મા અનેક:
(1) 2024ની 29મી જૂને ટી-20માં ભારતના પુરુષ ક્રિકેટરો સર્વોચ્ચ શિખરે પર પહોંચ્યા હતા. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે રમાયેલો ટી-20 વર્લ્ડ કપ ભારતે જીત્યો હતો. ટીમ ઇન્ડિયા 2007 પછી બીજી વાર (છેક 17 વર્ષે) આ ટાઇટલ જીતી. રોહિત શર્માના સુકાનમાં અપરાજિત ભારતે બ્રિજટાઉનની રોમાંચક ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ફક્ત સાત રનથી હરાવ્યું હતું. વિરાટ કોહલીના 76 રન અને અક્ષર પટેલના 47 રનની મદદથી ભારતે સાત વિકેટે 176 રન બનાવ્યા અને સાઉથ આફ્રિકા 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવી શક્યું હતું. ક્લાસેન સહિત કુલ ત્રણ વિકેટ લેનાર હાર્દિક પંડ્યાની 20મી ઓવરમાં સૂર્યકુમાર યાદવે બાઉન્ડરી લાઈનને આરપાર જઈને ડેવિડ મિલરનો અવિસ્મરણીય કૅચ પકડ્યો એ સાથે બાજી ફરી ગઈ અને પછી રબાડાની પણ વિકેટ પડતાં ભારતના નામે ઐતિહાસિક જીત લખાઈ ગઈ હતી.
(2) રોહિત શર્માના સુકાનમાં ઇંગ્લૅન્ડ સામે ભારતની ટેસ્ટ-ટીમ પહેલી મૅચના પરાજયને પગલે 0-1થી પાછળ રહ્યા પછી છેવટે સિરીઝ 4-1થી જીતી હતી. યશસ્વી જયસ્વાલ મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો.
(3) 23 વર્ષીય યશસ્વી જયસ્વાલ માટે 2024નું વર્ષ શાનદાર રહ્યું. મેલબર્નમાં ગઈ કાલે ભારતના પરાજય સાથે પૂરી થયેલી ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં તેના 82 અને 84 રન વિજય ન અપાવી શક્યા, પરંતુ આખા વર્ષમાં તે કુલ 1,478 રન સાથે વિશ્ર્વમાં (જૉ રૂટના 1,556 રન બાદ) બીજા નંબરે અને ભારતીયોમાં પ્રથમ સ્થાને રહ્યો.
(4) ટેસ્ટમાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડનો 3-0થી વાઇટ-વૉશ અને ઑસ્ટ્રેલિયાની 2-1ની સરસાઈ તેમ જ ટૉપ-ઑર્ડરના બૅટર્સનો ફ્લૉપ-શૉ ભારત માટે એકદમ નિરાશાજનક કહી શકાય, પરંતુ જસપ્રીત બુમરાહના સુપર-પર્ફોર્મન્સે ક્રિકેટમાં ભારતનો આનંદ જાળવી રાખ્યો. ટેસ્ટના આ વર્લ્ડ નંબર-વન બોલરની 71 ટેસ્ટ વિકેટ 2024માં હાઇએસ્ટ છે.
(5) સ્પિન-લેજન્ડ રવિચન્દ્રન અશ્ર્વિને ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ પછી ઓચિંતી નિવૃત્તિ જાહેર કરી, પરંતુ આ જ અરસામાં ભારતને પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીના રૂપમાં ભરોસાપાત્ર અને કાબેલ બૅટર મળી ગયો. ઑફ-સ્પિનર વૉશિંગ્ટન સુંદર પણ ભારતીય ટીમ માટે બહુમૂલ્ય બની શકે એમ છે.
(6) જુલાઈમાં 24 વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર અભિષેક શર્માના રૂપમાં ભારતીય ટી-20 ટીમને જાંબાઝ ઓપનિંગ બૅટર મળ્યો. ઝિમ્બાબ્વે સામે કરીઅરની બીજી જ મૅચમાં તેણે 47 બૉલમાં આઠ સિક્સર, સાત ફોરની મદદથી 100 રન ખડકી દીધા હતા.
(7) ટી-20 વર્લ્ડ કપને અંતે રોહિત, કોહલી, જાડેજાએ સાગમટે ટી-20 ઇન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું, પરંતુ સૂર્યકુમાર યાદવના સુકાનમાં 2024માં ભારતીય ટી-20માં નવા સૂર્યનો ઉદય થયો.
(8) રોહિત અને કોહલીના ફ્લૉપ-શૉ સાથે ટેસ્ટમાં ભારત માટે 2024નું વર્ષ એકંદરે નિરાશાજનક રહ્યું, પરંતુ 2025ના જૂન પછી ડબ્લ્યૂટીસી અર્થાત્ ટેસ્ટના વર્લ્ડ કપની નવી સીઝન શરૂ થશે એટલે ટીમ ઇન્ડિયાએ નવા સિતારાઓ સાથે આગળ વધવાનું લક્ષ્ય રાખવું પડશે.
(9) ઑક્ટોબરમાં ભારતે ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી એમાં 11-11 વિકેટ લેનાર અશ્ર્વિન-બુમરાહનું તેમ જ હાઇએસ્ટ 189 રન બનાવનાર યશસ્વી જયસ્વાલનું સૌથી મોટું યોગદાન હતું.
(10) ભારતે અફઘાનિસ્તાનને ટી-20 સિરીઝમાં 3-0થી, ઝિમ્બામ્વેને 4-1થી, શ્રીલંકાને 3-0થી, બાંગ્લાદેશને પણ 3-0થી તેમ જ સાઉથ આફ્રિકાને 3-1થી હરાવ્યું હતું.
(11) બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ આઇસીસીના યંગેસ્ટ ચૅરમૅન બન્યા. તેમના શાસનમાં બીસીસીઆઇની વર્ષ 2024 માટેની કુલ આવકનો આંકડો 20,686 કરોડ રૂપિયાને પાર થઈ ગયો હતો. આ આંકડો 2023ની આવક કરતાં 4,200 કરોડ રૂપિયા વધુ હતો.
(12) મહિલાઓની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)નું ટાઇટલ સ્મૃતિ મંધાનાના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)એ જીતી લીધું હતું.
આઇપીએલમાં કોલકાતા ચૅમ્પિયન, હરાજીમાં પંત સૌથી મોંઘો
મે, 2024ની આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ત્રીજો તાજ જીતી લીધો. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં નવેમ્બર, 2024ના મેગા આઇપીએલ ઑક્શનમાં રિષભ પંત આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને લખનઊ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હૉકીમાં મેન્સ ટીમ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી
હરમનપ્રીત સિંહના સુકાનમાં ભારતના પુરુષોની હૉકી ટીમ એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી હતી અને એ સાથે એશિયામાં ભારતે પોતાનો પરચો પુરવાર કર્યો હતો. જુનિયર એશિયા કપમાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
ખો-ખો નૅશનલમાં મહારાષ્ટ્ર ચૅમ્પિયન
રાષ્ટ્રીય ખો-ખો સ્પર્ધામાં મહારાષ્ટ્રએ પુરુષ અને મહિલા, બન્ને વર્ગમાં ટાઇટલ જીતી લીધું હતું. આગામી જાન્યુઆરીમાં દિલ્હીમાં સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપ યોજાશે જેમાં વિવિધ દેશોમાંથી કુલ મળીને પુરુષોની 21 અને મહિલાઓની 20 ટીમ ભાગ લેશે.
ભારતીય ફૂટબૉલની વધતી લોકપ્રિયતા
હૈદરાબાદમાં આયોજિત ઇન્ટરકૉન્ટિનેન્ટલ કપમાં સિરિયા પ્રથમ નંબરે, મોરિશિયસ બીજા નંબરે અને ભારત ત્રીજા નંબરે રહ્યું હતું. જોકે ભારતની પ્રખ્યાત ફૂટબૉલ સ્પર્ધા ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)માં વિદેશી ખેલાડીઓનો રસ વધી રહ્યો છે. 2023-’24નું આઇએસએલ શીલ્ડ ટાઇટલ મોહન બગાન એફસી ટીમે જીતી લીધું હતું. જોકે આઇએસએલ કપનું ટાઇટલ મુંબઈ સિટી એફસીએ ફાઇનલમાં મોહન બગાનને પરાજિત કરીને મેળવી લીધું હતું.
ચેસમાં બે મોટા ચમત્કાર, ડી. ગુકેશ અને કૉનેરુ હમ્પી બન્યાં વિશ્ર્વ વિજેતા
(1) 12મી ડિસેમ્બરે ભારતનો 18 વર્ષનો ડી. ગુકેશ ચેસ જગતનો સૌથી યુવાન વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. ફાઇનલમાં તેણે ચીનના ડિફેન્ડિંગ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને 7.5-6.5થી હરાવીને તેને ચેસજગતના સિંહાસન પરથી ઊથલાવી દીધો હતો. ગુકેશ ચેસનો સર્વોચ્ચ તાજ જીતી લેનાર વિશ્ર્વનાથન આનંદ પછીનો બીજો ભારતીય બન્યો હતો. ગુકેશ એ પહેલાં ચેસ ઑલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
(2) બે દિવસ પહેલાં ભારતની 37 વર્ષીય કૉનેરુ હમ્પી રૅપિડ ચેસમાં બીજી વખત વર્લ્ડ ચૅમ્પિયન બનનારી ભારતની પ્રથમ અને વિશ્ર્વની બીજી ખેલાડી બની હતી. ગુકેશ પછી હમ્પીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાર્દિક અભિનંદન આપ્યાં હતાં અને આવનારી પેઢી માટે તેમને પ્રેરણાસ્રોત તરીકે ઓળખાવ્યા હતા.
પૅરિસની સમર ઑલિમ્પિક્સમાં મનુ ભાકર છવાઈ ગઈ, પૅરાલિમ્પિક્સમાં ભારતનો અભૂતપૂર્વ પર્ફોર્મન્સ પૅરિસ ઑલિમ્પિક્સમાં દેશની ટોચની નિશાનબાજ મનુ ભાકર બે મેડલ જીતી હતી. તેના બન્ને બ્રૉન્ઝ મેડલ ઐતિહાસિક હતા. પહેલાં તો તે ઑલિમ્પિક્સમાં શૂટિંગનો મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા નિશાનબાજ બની હતી અને એક જ ઑલિમ્પિક ગેમ્સમાં બે ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તીરંદાજીમાં નીરજ ચોપડા (સિલ્વર) ફરી એકવાર ઑલિમ્પિક મેડલ જીત્યો. મેન્સ હૉકીમાં ભારત (બ્રૉન્ઝ) સતત બીજો ઑલિમ્પિક મેડલ જીત્યું હતું. ભારત એક સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ સહિત કુલ માત્ર છ મેડલ જીત્યું હતું, પણ ત્યાર પછી દિવ્યાંગ ઍથ્લીટો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતીયોએ કમાલ કરી હતી. એમાં ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓ કુલ 29 મેડલ જીત્યા જે ભારત માટે નવો વિક્રમ હતો. એમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રૉન્ઝ મેડલ હતા. શૂટર અવનિ લેખરા પૅરાલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ઍથ્લીટ બની હતી. તીરંદાજીમાં જમ્મુ અને કાશ્મીરની શીતલ દેવી 17 વર્ષની ઉંમરે પૅરાલિમ્પિક્સનો મેડલ જીતનારી ભારતની સૌથી યુવાન પૅરાલિમ્પિક મેડલ વિજેતા બની હતી. તેને બન્ને હાથ નથી અને તેણે બન્ને પગની મદદથી તીર નિશાના પર છોડ્યા હતા. તેણે રૅન્કિંગ રાઉન્ડમાં પૉઇન્ટ્સની દૃષ્ટિએ નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો હતો. મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં તે રાકેશ કુમાર સાથે મળીને બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
પ્રો કબડ્ડી લીગમાં પુણેરી પલ્ટન ચૅમ્પિયન પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે પુણેરી પલ્ટન નામની ટીમે હરિયાણા સ્ટીલર્સને હરાવીને 10મી સીઝનનું ટાઇટલ જીતી લીધું હતું. ટેબલ ટેનિસમાં ભારતીય મહિલાઓની અનેરી સિદ્ધિ
ટેબલ ટેનિસમાં ભારતીય મહિલાઓ એશિયન ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટીમ બની હતી. મનિકા બત્રાના નેતૃત્વમાં ભારતીય ટીમ બ્રૉન્ઝ મેડલ જીતી હતી. બૅડમિન્ટનમાં પી. વી. સિંધુએ ટાઇટલ જીત્યા પછી કર્યાં લગ્ન ભારતની ઑલિમ્પિક વિજેતા બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ડિસેમ્બરમાં ફાઇનલમાં ચીની હરીફ વુ લુઓ યુને હરાવીને સૈયદ મોદી ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપ જીતી હતી અને એ સાથે તેણે ટાઇટલનો દુકાળ દૂર કર્યો હતો. એ વિજય બાદ તાજેતરમાં જ સિંધુ પૉસિડેક્સ ટેક્નોલૉજીસ કંપનીના એક્ઝિક્યૂટિવ ડિરેકટર વેન્કટ દત્તા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી.
રોહન બોપન્નાનું 43 વર્ષની ઉંમરે મોટું ટાઇટલ ટેનિસમાં રોહન બોપન્ના 43 વર્ષની સૌથી મોટી ઉંમરે ડબલ્સ ટેનિસમાં વર્લ્ડ નંબર-વન બન્યો અને ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ એબ્ડેન સાથેની જોડીમાં ઑસ્ટ્રેલિયન ઓપનનું ડબલ્સનું ટાઇટલ જીત્યો હતો.