ક્રિસમસ કૅક કે પ્લમ કૅકમાં સમાયેલા છે સ્વાસ્થ્યવર્ધક ગુણો
સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક
શું આપને કૅક બહુ જ ભાવે છે? કુટુંબમાં કોઈની વર્ષગાંઠ હોય કે લગ્નતિથિ હોય ત્યારે આપણે ત્યાં કેટલાંક સમયથી કૅક ખાવાનું ચલણ વધી ગયું છે. કૅક એક એવું વ્યંજન છે જેના સેવનથી વ્યક્તિનું તન-મન અત્યંત પ્રસન્ન બની જતું હોય છે. કૅકમાં અનેક વિવિધતા જોવા મળે છે, પરંતુ ક્રિસમસ કૅકની વાત જ અનોખી હોય છે. તેમાં પણ ક્રિસમસના દિવસો નજીક આવે તેની સાથે બજારમાં પ્લમ કૅકની માગ વધી જતી હોય છે. કૅક સામાન્ય રીતે આરોગ્ય માટે લાભકારી ગણાતી નથી. કેમ કે તેમાં મેંદો, ખાંડ, ક્રિમ વગેરેનો સારી માત્રામાં ઉપયોગ થતો હોય છે. પ્લમ કૅક વિશે એવું કહેવાય છે કે તેનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. તેનું મુખ્ય કારણ છે, તેમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી શરીરને પૂરતાં પ્રમાણમાં પોષક તત્ત્વો પ્રદાન કરે છે.
પ્લમ કૅકમાં કિશમિશ, કરંટ, સુલ્તાના તથા પ્લમનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. યુરોપીય દેશોમાં પ્લમ કૅકનો અર્થ સૂકા ફળોને બદલે તાજા ફળોને બૅક કરીને બનાવવામાં આવે તેમ થાય છે. ફ્રાંસીસી ભોજનમાં કૅક બનાવવાની એક મહત્ત્વપૂર્ણ પરંપરામાં પ્લમનો એક ખાસ સામગ્રી તરીકે ઉપયોગ કરવામાં આવતો. કોઈ ઉત્સવ હોય કે લગ્ન સમારંભમાં પીરસાતું ભોજન હોય, મીઠાઈ તો પ્લમથી જ બનતી. તાજા કે સૂકા પ્લમ અથવા તો પ્લમના જામનો ઉપયોગ કરીને બનતી વાનગી ખાસ પીરસવામાં આવતી. જે ‘મિરાબેલ પ્લમ-ટાર્ટ’ તરીકે ઓળખાતી. પ્લમથી તૈયાર થતી પ્લમ કૅક યહૂદી વ્યંજનનો હિસ્સો છે. અમેરિકામાં પ્લમ કૅકને ચૂંટણી ટાણે ખાસ ખવડાવવામાં આવતી. જેથી તેનું નામકરણ ‘ચૂંટણી કૅક’ પડી ગયું. જેથી પ્લમના ગુણોનો લાભ પ્રત્યેકને મળી રહે છે. પ્લમમાં ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે.
જેને કારણે વ્યક્તિના શરીરમાં રહેલી કોશિકાની જાળવણી થાય છે. તેમ જ અન્ય પોષક ગુણો મળતાં હોવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. બોરમાંથી તૈયાર થતી કૅકમાં ફાઈબરની માત્રા ભરપૂર સમાયેલી હોય છે જેથી તેને સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણવામાં આવે છે. ફાઈબરને કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેથી વજન નિયંત્રણમાં રહે છે. તેમ જ પાચનક્રિયાને મજબૂત બનાવે છે. લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પ્લમમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, પોટેશિયમ, મૈગ્નેશિયમ જેવા વિવિધ વિટામિનો તથા ખનીજ તત્ત્વો સમાયેલાં હોય છે. જે હાડકાંની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.
પ્લમ કૅકમાં સમાયેલાં સ્વાસ્થ્યવર્ધક ગુણો પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો: સામાન્ય રીતે આપણે બધા જ જાણીએ છીએ કે કૅકનો નાનો ટુકડો ખાવાથી મન આનંદિત થાય છે. તો ક્યારેક એક પ્રકારની ગ્લાનિ મનમાં ઉદ્ભવે છે કે વજન તથા લોહીમાં શર્કરાની માત્રા વધી જશે. કૅક મીઠાઈ જ એવી છે કે તેનો મોટો ટુકડો ખાવા મન લલચાય છે. તેની સરખામણીમાં પ્લમ કૅક ખાવાથી ઉપર બતાવી તેવી ગ્લાનિ થતી નથી. કેમ કે પ્લમ કૅકમાં સૂકો મેવો જેમ કે બદામ, કિશમિશ, અખરોટ, ખજૂર, આલુબુખારા વગેરેનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. ઉપર દર્શાવેલ સૂકામેવામાં વિટામિન, મિનરલ્સ, ભરપૂર પ્રમાણમાં સમાયેલાં હોય છે. જેના સેવનથી શરીરને ઊર્જા મળે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી પાચનતંત્ર સંબંધિત તકલીફથી બચી શકાય છે. કબજિયાત કેે આફરો ચડવો, ચૂક આવવા જેવી સમસ્યાથી બચી જવાય છે.
અન્ય કૅકની તુલનામાં ઓછી કૅલરી ધરાવતો વિકલ્પ: પ્લમ કૅકમાં ઈંડાને બદલે અન્ય સામગ્રી જેવી કે સંતરાનો-લીંબુનો રસ, સફરજનનો રસ, મધ, દૂધ, સૂકોમેવો, ફળની સૂકવણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે તેમાં કૅલરીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. વળી પ્લમ કૅક એવા લોકો માટે વરદાન સમાન છે જેઓ સ્વનું વજન વધી ના જાય તે માટે સજાગ હોય છે. પ્લમ કૅકનું સેવન ર્ક્યા બાદ વ્યક્તિ કોઈ ગુનો કર્યો હોય તેવી લાગણી અનુભવતો નથી.
ઍલર્જી મુક્ત પસંદગી: હાલમાં અનેક લોકો ઈંડાનો ઉપયોગ થયો ના હોય તેવી કૅક ખાવાનું પસંદ કરે છે. પ્લમ કૅક ઇંડા વગર સરળતાથી બનાવી શકાય છે. વળી પર્યાવરણ ઉપર સકારાત્મક પ્રભાવ પાડે છે. શાકાહારી ભોજન કરવાથી કાર્બન ફુટ પ્રિન્ટ ઘટી જાય છે. કુદરતી સંશાધનોની બચત થાય છે. અહિંસાને પ્રોત્સાહન મળે છે. પ્લમ કૅકનો સ્વાદ પ્રમાણભાન રાખીને કરવાથી તંદુરસ્તી જાળવવાની સાથે સ્વાદિષ્ટ મીઠાઈ ખાવાનો આનંદ મળી રહે છે. કેમ કે તેમાં સૂકામેવાની સાથે તજ, લવિંગ, સૂંઠ તથા જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે.
ક્રિસમસ ઉપર પ્લમ કૅક બનાવવાની પરંપરા ઘણી જૂની જોવા મળે છે. એવું કહેવાય છે કે 18મી તથા 19મી સદીમાં પ્લમ કૅક બનાવવાની શરૂઆત ઈગ્લૅન્ડમાં થઈ હતી. ક્રિસમસના દિવસો નજદીક આવે તે પહેલાં લોકો ઉપવાસ કરતાં. તેમનું માનવું હતું કે ઉપવાસ કરવાથી સ્વાસ્થ્યને તહેવારના દિવસો માટે તૈયાર રાખવામાં મદદ મળે છે. ક્રિસમસની ઊજવણીમાં પ્લમ કૅકની હાજરી સારા શુકન તરીકે અચૂક જોવા મળતી. ત્યારબાદ બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન પ્લમ કૅક ક્રિસમસના તહેવારની માટે પારંપારિક મીઠાઈ બની ગઈ. હાલમાં તો ક્રિસમસની ઊજવણી પ્લમ કૅક વગર અધૂરી ગણાય છે. કેમ કે આ કૅકમાં સૂકા કે તાજા ફળ તથા સૂકા મેવાનો ઉપયોગ કરવામાં આવે છે જે શિયાળાના સમયમાં સરળતાથી મળી રહે છે. આ કૅકને લાંબા સમય માટે રાખી શકાય છે તેથી જ ક્રિસમસ હોય કે નવા વર્ષની ઊજવણી વખતે ઘરે કૅક બનાવવાનું પસંદ કરવામાં આવે છે. વિદેશમાં પ્લમ કૅક બનાવતી વખતે સૂકામેવાને રમ કે વાઈનમાં પલાળવામાં આવે છે. કૅક બનાવવા માટે ઈંડાનો ઉપયોગ કરવામાં આવે છે. સૂકામેવાને સંતરાનો રસ, લીંબુનો રસ અથવા સફરજનના રસમાં પલાળીને બનાવી શકાય છે. જે વધુ સ્વાદિષ્ટ બને છે.
Also read: તંદુરસ્તી-મનદુરસ્તી : જીવનમાં કોઈ સમસ્યા જ ન હોય એની વિકાસયાત્રા અટકી જાય
ઇંડા વગરની પ્લમ કૅક બનાવવાની રીત સામગ્રી: 1 કપ મેંદો, અડધો કપ ઘઉંનો લોટ, 1 નાની વાટકી ઝીણાં સમારેલો સૂકો મેવો (બદામ, કાજુ, અખરોટ) અડધી ચમચી તાજો બનાવેલો તજનો ભૂકો, અડધી ચમચી તાજો જાયફળનો ભૂકો, અડધી ચમચી સૂંઠ પાઉડર, અડધી ચમચી લવિંગનો પાઉડર, 1 ચમચી સંતરાની ઝેસ્ટ (છાલને હળવે હાથે ખમણીને લેવામાં આવે), અડધો કપ વેજિટેબલ ઑઈલ કે માખણ, પોણો કપ બ્રાઉન શુગર, 1 કપ મોળું દહીં, અડધી ચમચી વેનિલા એસેંન્સ, 1 ટેબલ સ્પૂન બૅકિંગ સોડા, અડધી ચમચી બૅકિંગ પાઉડર, પલાળવાની સામગ્રી : કિશમિશ, પ્લમ, ટુટી-ફ્રુટી 1 કપ લેવાં. પલાળવા માટે અડધો કપ સંતરાનો રસ, 4 ચમચી લીંબુનો રસ,4-5 ચમચી પાણી બનાવવાની રીત : સૌ પ્રથમ ઑવનને 160 ડિગ્રી સેલ્શ્યિસ ઉપર ગરમ કરવા મૂકવું. ઑવન ના હોય તો હાંડવાના કુકરમાં અથવા પ્રેશરકુકરમાં નીચે થોડી રેતી ગોઠવીને સ્ટેન્ડ ઉપર કૅકના મૉલ્ડમાં મિશ્રણ ગોઠવવું.
એક સ્ટીલની કડાઈમાં સંતરાનો રસ, લીંબુનો રસ તથા થોડું પાણી ગરમ કરવું. તેમાં કિશમિશ, સૂકવેલાં પ્લમના ટૂકડાં, ટુટી-ફ્રુટી, અંજીરના ઝીણાં ટુકડા ઉમેરીને ધીમા તાપે ગરમ કરવું. રસ બધો જ શોષાઈને ભળી જાય ત્યારબાદ ગેસ ઉપરથી ઉતારી લેવું. એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, બૅકિંગ પાઉડર, બૅકિંગ સોડા, તજનો પાઉડર, જાયફળનો પાઉડર, સૂંઠનો પાઉડર, લવિંગનો પાઉડર વગેરે બરાબર ભેળવી લેવું. હવે બીજા બાઉલમાં બ્રાઉન શુગર અને તેલ કે માખણને બરાબર ભેળવી લેવાં. મિશ્રણ હલકું થઈ જાય ત્યારબાદ તેમાં દહીં, વેનિલા એસેન્સ ઉમેરીને હળવે હાથે ભેળવવું. કૅકના મોલ્ડમાં મિશ્રણ રેડવું, ઉપરથી સજાવટ માટે થોડાં પ્રમાણમાં ઝીણાં કાપેલાં સૂકામેવો ગોઠવવો. કૅકને અડધો કલાક માટે 160 ડિગ્રી સેલ્શિયસ ઉપર લગભગ 50-55 મિનિટ માટે બૅક કરવી. તૈયાર થઈ જાય ત્યારબાદ ઠંડી પાડીને તેની સ્લાઈસ કરવી.