તરોતાઝા

નવા વર્ષે જરૂરી છે આરોગ્ય વીમા પોલિસીની સમીક્ષા 

નિશા સંઘવી 

દર વર્ષે નવા વર્ષે આપણે કેટલાંક સંકલ્પ કરીએ છીએ. એની સાથે સાથે કેટલાંક કામ અચૂક કરવાં જરૂરી  હોય છે. આમાંનું એક કામ એટલે આરોગ્ય વીમા પોલિસીની સમીક્ષા.  બધા જાણીએ છીએ તેમ આપણે ત્યાં  હવે તબીબી સારવાર મોંઘી બની રહી છે ત્યારે વ્યાપક પ્રમાણમાં આર્થિક સુરક્ષા આપે એવી આરોગ્ય વીમા પોલિસી જરૂરી બની રહે છે. એના નવીનીકરણ કરાવતી વખતે ધ્યાનમાં  કેટલાક મુદા વિશે આજે વાત કરીએ… આરોગ્ય વીમા પોલિસીની સમીક્ષા શા માટે કરવી જરૂરી? આરોગ્યસેવા ક્ષેત્રે સતત ફેરફારો થઈ રહ્યા છે. સારવાર માટેની નવી દવાઓ અને નવી પદ્ધતિઓ આવી રહી છે. સાથે ખર્ચ પણ વધી રહ્યો છે. એને પગલે વીમાની પ્રોડક્ટ્સમાં પણ ફેરફારો કરવામાં આવે છે. આથી જ, આરોગ્ય વીમાની પોલિસી આરોગ્ય સેવાની જરૂરિયાતો અને નાણાકીય લક્ષ્યોને અનુરૂપ હોય એ આવશ્યક છે. એના માટે પોલિસીની સમીક્ષા કરવી જરૂરી છે. એનાં કેટલાક મુદ્દા..

1) આરોગ્યની સ્થિતિમાં ફેરફાર: કોઈ નવી બીમારી આવી હોય તો પોલિસીમાં ફેરફાર કરાવવો પડે છે.

2) સારવારના ખર્ચમાં વધારો: સારવારના ખર્ચમાં વધારો થઈ રહ્યો હોવાથી સમ ઇન્સ્યોર્ડ એટલે કે વીમાની રકમ પણ વધારવી પડે છે.

3) પોલિસીની લાક્ષણિકતાઓ: વીમા કંપની હંમેશાં પોલિસીમાં સુધારા-વધારા કરતી હોય છે. આથી પ્લાનમાં

ફેરફાર કરાવીને અથવા નવો પ્લાન લઈને વધુ લાભ પ્રાપ્ત કરી શકાય છે. પોલિસીની સમીક્ષા ને નવીનીકરણની પ્રક્રિયા:

* તમારા પરિવારના આરોગ્યની માહિતી ભેગી કરીને એનું વિશ્ર્લેષણ કરવું, જેથી બીમારી કે બીજી કોઈ તકલીફની નોંધ કરી શકાય અને એના આધારે પૂરતી રકમનો વીમો લઈ શકાય.

* ઘરમાં સંતાન આવવાનું હોય, નિવૃત્તિ આવી રહી હોય કે પછી કોઈનાં લગ્ન થઈને પરિવારમાંથી કોઈ વ્યક્તિ બહાર જવાની હોય તો એ મુજબ પણ પોલિસીમાં ફેરફાર કરાવવા જરૂરી હોય છે.

* ઘરના સભ્યોની માનસિક – શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિ અને એમની જીવનશૈલીને લગતાં પરિબળોનું આકલન કરવું.

હાલની પોલિસીની મૂલવણી કરવી:

* વીમાની રકમ અને નો-ક્લેમ બોનસની મૂલવણી કરવી. હાલની પોલિસીમાં આરોગ્ય સેવાના વધતા જતા ખર્ચને પહોંચી વળવા પૂરતી છે કે નહીં એ તપાસી લેવું. નો ક્લેમ બોનસને લીધે વીમાનું કવરેજ કેટલું વધે છે એ પણ એનાથી જાણી લેવું.

* કવરેજની સમીક્ષા: તમારી પોલિસીમાં ગંભીર બીમારી, એક જ દિવસ દરમિયાન હોસ્પિટલમાં રાખીને કરવામાં આવતી શસ્ત્રક્રિયા કે પછી હોસ્પિટલમાં દાખલ થવા પહેલાંના અને પછીના કેટલા દિવસ આવરી લેવાય છે એ મુદ્દે પણ સ્પષ્ટતા કરી લેવી. આને લઈને ઊણી ઊતરતી પોલિસીમાં ફેરફાર કરાવવાની કે નવી પોલિસી લેવાની જરૂર હોય છે.

* વેઇટિંગ પિરિયડ: પહેલેથી હોય એ બીમારીઓ  માટે પોલિસીમાં કેટલો વેઇટિંગ પિરિયડ છે એ પણ પાકું કરી લેવું. સારો એવો વેઇટિંગ પિરિયડ હાલમાં જ પૂરો થઈ ગયો  હોય એવી સ્થિતિમાં તમારે આ મુદ્દે પૂરતી ચકાસણી કરી લેવી જરૂરી છે.

પોલિસીઓની તુલના :

* પ્રીમિયમ, કવરેજ અને ક્લેમ સેટલમેન્ટ રેશિયો, ઈત્યાદિના આધારે અલગ અલગ કંપનીની પોલિસીઓની તુલના કરી જુઓ. આની માહિતી ઓનલાઇન પણ મળી શકે .

* તમને દર વર્ષે નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ, વેલનેસ રિવોર્ડ પ્રોગ્રામ કે પછી માનસિક આરોગ્ય માટેનું કવરેજ મળે છે કે નહીં એ 

પણ તપાસી લેવું. કંપનીઓ હવે આવા અતિરિક્ત લાભ આપવા લાગી છે.

* તમે જે કંપની પાસેથી પોલિસી લેવાના હો એની વિશ્વસનીયતા અને ગ્રાહક સેવાને લગતી માહિતી-એનું રેટિંગ જરૂર તપાસી લો.

પોલિસીનાં નિયમો શરતો : 

* કો-પેમેન્ટની શરત: ઘણી પોલિસીમાં વીમા ધારકે સારવારના ખર્ચની અમુક ટકા રકમ કો-પેમેન્ટ તરીકે ચૂકવવાની હોય છે. આવી કોઈ શરત તમારી પોલિસીમાં ન હોય તો એની તકેદારી લેવી.

* સબ-લિમિટ અને રૂમ રેન્ટની મર્યાદા: કોઈકવાર અમુક સારવારના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી હોય છે અને ઘણી વાર રૂમ રેન્ટની મર્યાદા હોય છે. પોલિસીમાં આવી શરતો હોય તો હોસ્પિટલાઇઝેશન વખતે પોતાના ખિસામાંથી ખર્ચ કરવો પડે છે.

પોર્ટેબિલિટીના નિયમો:

તમે હાલની વીમા કંપનીથી સંતુષ્ટ ન હોવ તો તમારી પોલિસીને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાવી શકો છો. પોર્ટિંગનો ફાયદો એ છે કે તમે હાલની પોલિસી હેઠળ જે લાભ મેળવી રહ્યા હો એ ચાલુ રહે છે. પોર્ટિંગ વખતે ક્યારેક લાભમાં વધારો પણ મળે 

Also read: નિવૃત્તિ પછીના પ્રવાસમાં વધુ આરામ સાથે વધુ આનંદ આ રીતે પણ મેળવી શકાય…

ટોપ અપ કે રાઇડર્સની પસંદગી:

* જો તમારી હાલની પોલિસીની વીમાની રકમ અપૂરતી જણાય તો તમે સુપર ટોપ અપ પ્લાન લઈ શકો છો. પ્રીમિયમની રકમમાં મોટો વધારો થયા વગર તમે સુપર ટોપ અપ પ્લાન પ્રાપ્ત કરી શકો છો.

* રાઇડર્સની પસંદગી: ગંભીર બીમારી, અકસ્માતથી થતું મૃત્યુ કે પંગુતા એ બધાનાં રાઇડર્સ અલગથી લઈ શકાય છે. એને લીધે પોલિસી વધુ અસરદાર અને વ્યાપક બને છે. પોલિસી નવીનીકરણ વખતે આ મુદ્દા ધ્યાનમાં રાખો..

1) પ્રીમિયમનો ખર્ચ: પ્રીમિયમનો ખર્ચ બચાવવા જતાં રિસ્ક કવર ઘટી ન જાય અથવા તો અનેક આવશ્યક બાબતો બાકી ન રહી જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે.

2) નેટવર્કની હોસ્પિટલો: તમને અનુકૂળ આવતી હોય એવી હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા હોય એ અગત્યનું  છે.

3) ક્લેમ સેટલમેન્ટ રેશિયો: ક્લેમ વખતે કોઈ અવરોધ કે તકલીફ આવે નહીં એ માટે પહેલેથી જ વીમા કંપનીના ક્લેમ સેટલમેન્ટ રેશિયો ધ્યાનમાં લઈને યોગ્ય કંપની પસંદ કરવી.

અગત્યના મુદ્દા:

* નવીનીકરણ પહેલાં પોલિસીનાં નિયમો અને શરતોને બરોબર સમજી લેવાં.

* નવીનીકરણમાં વિલંબ નહીં કરવો અન્યથા ‘નો ક્લેમ બોનસ’ જેવા ભેગા થયેલા લાભ ગુમાવવા પડી શકે.

* આરોગ્યની સ્થિતિમાં થયેલા ફેરફારની અવગણના નહીં કરવી, કારણ કે કોઈ પણ વીમો લેતી વખતે સાચે સાચી માહિતી વીમા કંપનીને જણાવવી અગત્યની હોય છે. આમ, નવી કોઈ બીમારી કે તકલીફ હોય તો એની જાણ કરવી.

કરવેરાના લાભ:

* આરોગ્ય વીમાના પ્રીમિયમની ચૂકવણી પર આવકવેરાની કલમ 80ડી હેઠળ કરકપાત મળે છે.

* 60 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને 25,000 અને એનાથી મોટી ઉંમરની વ્યક્તિને 50,000 રૂપિયાની મહત્તમ કરકપાત મળે છે. વીમાધારક પર નિર્ભર એમનાં માતા-પિતા માટે એમની ઉંમર અનુસાર કરકપાત મેળવી શકાય છે અર્થાત્ 60 વર્ષથી ઓછી ઉંમર હોય તો 25,000 અને વધારે હોય તો 50,000.

પરિવારે પોતાની આવશ્યકતાઓ જાણીને એને અનુરૂપ પોલિસી લેવી અથવા એમાં સુધારા-વધારા કરાવવા, જેથી બીમારીની સારવારનો મોટો ખર્ચ પરિવાર માટે બોજ બની ન જાય.  આમ નવા વર્ષની શરૂઆતમાં આરોગ્ય વીમા પોલિસીની સમીક્ષા આખું વર્ષ મનને શાંતિ આપે છે. આપને આરોગ્યપ્રદ અને સમૃદ્ધ નવા વર્ષની શુભેચ્છા….  

 

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button