માવઠાની માઠી અસર: ઉત્તર ગુજરાતમાં એરંડાના ઉત્પાદનમાં 25 ટકા સુધી ઘટાડાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન માવઠું થતાં ખેડૂતોને રાતાપાણી રડવાનો વારો આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં કે જ્યાં એરંડાનું વાવેતર સૌથી વધુ થાય છે ત્યાં માવઠાના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો આવ્યો છે. ખરાબ હવામાનના કારણે એરંડાના પાકમાં રોગ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. એરંડામાં ફૂટના કારણે ગાંગડા(એરંડાના લીંગરા) ખરી જવાની શક્યતાઓ રહે છે.
એરંડા રોકડિયા પાક હોવાના કારણે ઉત્તર ગુજરાતમાં એરંડાનું વાવેતર ખેડૂતોની પ્રથમ પસંદગી બની છે. પરંતુ એરંડાના પાકમાં પણ રોગ જીવાતના પ્રશ્નો બનતા હોય છે, જેના કારણે ખેડૂતોને ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકમાં ફૂગ જન્ય રોગની શક્યતા છે. તેમજ એટલાક વિસ્તારમાં આ રોગ જોવા મળ્યો છે. રોગના કારણે એરંડાના પાકને 10 ટકાથી લઈને 25 ટકા જેટલું નુકસાન થઈ શકે છે.
આના નિવારણ માટે શક્ય હોય તો પાકમાં ફૂગનાશક દવા કાર્બેન્ડાઝીમનો છંટકાવ કરવામાં આવે તો પાકને નુકસાનીમાંથી બચાવી શકાય છે. વાતાવરણ વાદળછાયું ઘણા દિવસ સુધી રહે અને આ ફૂગજન્ય રોગની સારવાર કરવામાં ન આવે તો માળના ગાંગડા ખરી જવાની શક્યતા રહેલી છે.